મેરાન્યૂઝ નેટવર્ક.શ્રીનગરઃ આમ એક બીજાના વિરોધી એવા ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને આર્ટિકલ 370ની જોગવાઈઓ હટ્યા બાદ ગત અઠવાડિયે જ હરિનિવાસ મહેલમાં કસ્ટડીમાં રખાયા હતા. અધિકારીઓનું કહેવું છે કે આ દરમિયાન બંને વચ્ચે વિવાદ એટલો બધો વધી ગયો હતો કે તેમને અલગ કરવા પડ્યા. બંને એક બીજા પર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને લાવવાના આરોપ લગાવી રહ્યા હતા.

આ દરમિયાન ઉમર મહેબૂબા પર વરસી પડ્યા અને તેમના પર તથા તેમના દિવંગત પિતા મુફ્તી મહોમ્મદ સઈદ પર ભાજપ સાથે 2015 અને 2018માં ગઠબંધન કરવા માટેનો કટાક્ષ કરવા લાગ્યા. એક મિડિયા રિપોર્ટ અનુસાર બંને નેતઓ વચ્ચે જોરદાર રકઝક થઈ જેથી હાજર સ્ટાફ પણ કંટાળ્યો હતો. પીડીપી ચીફ મહેબૂબાએ નેશનલ કોન્ફ્રેસ ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાને સખત શબ્દોમાં જવાબ આપ્યા.

મહેબૂબાએ ઉમરને યાદ અપાવ્યું કે ફારુક અબ્દુલ્લાનું ગઠબંધન અટલ બિહારી બાજપેયીની સરકારમાં એનડીએ સાથે હતું. એક મીડિયા નવભારત ટાઈમ્સને અધિકારીએ જાણકારી આપી હતી કે, તેમણે જોરથી ઉમરને કહ્યું કે તમે તો બાજપેયી સરકારમાં વિદેશી મામલાઓના જૂનિયર મિનિસ્ટર હતા. મહેબૂબાએ ઉમરના દાદા શેખ અબ્દુલ્લાને પણ 1947માં જમ્મૂ કશ્મીરના ભારતમાં ભળવાના માટે જવાબદાર ઠેરવ્યા હતા.

અધિકારીએ કહ્યું કે બંને વચ્ચે વિવાદ વધી જતાં આ નિર્ણય કરવામાં આવ્યો કે બંનેને અલગ અલગ રાખવામાં આવે. ઉમરને મહાદેવ પહાડી પાસેના પાસ ચેશ્મશાહીમાં વન વિભાગના ભવનમાં રખાયા છે. જ્યારે મહેબૂબા મુફ્તીને હરિનિવાસ મહેલમાં જ રખાયા છે. ઝઘડા પહેલા ઉમર હરિનિવાસના ગ્રાઉન્ડ ફ્રલોર પર હતા અને મહેબૂબા પહેલા માળે હતા. આપને ઝણાવી દઈએ કે હરિનિવાસ મહેલ આતંકિઓ સાથે પૂછપરછ માટે ઉપયોગમાં લેવાતી જગ્યાના રૂપે પ્રચલીત મનાય છે.

એક અધિકારીનું કહેવું છે કે નેતાઓને જેલના નિયમો અને તેમના હોદ્દા હિસાબે જમવાનું અપાઈ રહ્યું છે. એક અધિકારીએ કહ્યું કે મહેબૂબા બ્રાઉન બ્રેડ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા હતા પરંતુ તેમને તે આપી શકાઈ નથી કારણ કે જેલના નિયમો અનુસાર મેન્યૂમાં કસ્ટડીમાં હોય તેવા વીવીઆઈપી લોકો માટે આવું કાંઈ નથી.