ઇબ્રાહિમ પટેલ (મેરાન્યુઝ.મુંબઈ ): કોરોના કાળમાં પણ ખેડૂતોએ રવિ તેલીબિયાં પાક માટે કઠોર પરિશ્રમ કરીને વાવેતર વિસ્તારમાં વૃધ્ધિ કરી હતી.  મગફળી અને તલના પાકની સારી માવજતને લીધે ઊપજ (યીલ્ડ) અને ઉતારો (ઉત્પાદન) સારા મેળવ્યા હતા. ઇંડિયન ઓઇલસીડ્સ એન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રેસીડેન્ટ ખુશવંત જૈને ગુરુવારે મોડી સાંજે યોજાયેલા, વેબઈનારમાં ક્રોપ સર્વે રિપોર્ટ રજૂ કરતાં કહ્યું હતું કે “માલના નસીબ મોટા” કહેવત આ વખતે ખેડૂત માટે યથાર્થ સાબિત થઈ છે. તામિલનાડુમાં ૧.૩૦ લાખ હેકટરમાં રવિ સિંગદાણાંનું વાવેતર કરીને હેક્ટર દીઠ સરેરાશ ૩૪૭૧ કિલો મગફળીનું વિક્રમ યીલ્ડ પ્રાપ્ત કર્યું હતું, યીલ્ડનો આ એક નવો વિક્રમ હતો. 

દેશભરના કૂલ ૧૦.૫૩ લાખ હેકટર (ગતવર્ષે ૯.૦૧ લાખ હેક્ટર)માં રવિ સીંગદાણાના વાવેતરમાં કૂલ રવિ સરેરાશ યીલ્ડ વધીને ૧૯૬૬ કિલો પ્રતિ હેક્ટર (ગત વર્ષે ૧૮૭૦ કિલો), ઉત્પાદન ૨૦.૭૦ લાખ ટન પ્રાપ્ત થયું હતું, જ્યારે ગત રવિ મોસમમાં મગફળીનું ઉત્પાદન ૧૬.૯૫ લાખ ટન આવ્યું હતું. ૨૫૦૦ કિલો યીલ્ડ સાથે ૨૫.૮૧ લાખ ટન ઉત્પાદન કરી ઉત્તરપ્રદેશ મોખરે રહ્યો હતો. વર્તમાન રવિ મોસમમાં ગુજરાતમાં વાવેતર ૫૬,૬૦૦ હેક્ટર, યીલ્ડ ૧૬૦૩ કિલો અને ઉત્પાદન ૯૫,૫૬૨ ટન પ્રાપ્ત થયું હતું.

કાઉન્સિલના સર્વે મુજબ તલનું રવિ વાવેતર, ગતવર્ષના ૪.૩૬ લાખ હેક્ટર સામે આ મોસમમાં વધીને ૪.૭૧ લાખ હેકટરમાં થયું હતું. જ્યારે સરેરાશ યીલ્ડ ૭૫૩ કિલોથી વધીને ૮૪૪ કિલો આવતા, ઉત્પાદન પણ ૩.૨૮ લાખ ટનથી વધીને ૩.૯૮ લાખ ટન આવ્યું હતું. તલનું વાવેતર, યીલ્ડ અને ઉત્પાદન સૌથી વધુ પશ્ચિમબંગાળમાં અનુક્રમે ૨.૪૫  લાખ હેકટર, ૯૭૦ કિલો અને ૨.૩૮ લાખ ટન આવ્યું હતું. ગુજરાતમાં અનુક્રમે ૯૭,૮૦૦ હેક્ટર, યીલ્ડ ૧૦૪૧ કિલો અને ઉત્પાદન ૧.૦૨ લાખ ટન આવ્યું છે. દેશના કૂલ તલ ઉત્પાદનમા બંગાળનો હિસ્સો ૬૦ ટકા અને ગુજરાતનો ૨૬ ટકા હતો. 

Advertisement


 

 

 

 

 

ખુશવંત જૈને કહ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે ક્રોપસર્વે મુશ્કેલ હતો, આથી અમે ક્રોપસર્વે યાત્રા કરીને પાકનું સટીક વર્ગીકરણ કરી શક્યા ન હતા. અલબત્ત, દેશભરના ખેડૂતો, ટ્રેડરો અને ઉપલબ્ધ બધા સ્ત્રોતનો ઉપયોગ કરીને ટેલિફોન અને ઇન્ટરનેટના માધ્યમથી માહિતી એકઠી કરી હતી. ગુજરાતના ૮ જિલ્લાઓમાં સીંગદાણા અને ૭ જિલ્લામાં તલનું તેમજ મહારાષ્ટ્રમાં થોડી ફિજિકલ મહેનત કરીને આંકડાને સત્યની નજીક પહોંચાડવાના પ્રયાસ કર્યા હતા.           

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.