ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): આખી દુનિયાની નજર આજે ન્યૂયોર્ક ડબલ્યુટીઆઈ જુન ક્રુડ ઓઈલ વાયદા પર છે, જે ભૂતનાથને સોંપી દેવામાં આવ્યો છે. સ્પેક્યૂનોમીસ્ટ કુશલ ઠાકર કહે છે કે આખરે વાયદાના કોન્ટ્રેક્ટ કોણ હોલ્ડ કરશે? સટ્ટોડીયા સંગીત ખુરસીની રમત રમી રહ્યા છે. આપણે બધાએ એ યાદ રાખવું જોઈએ કે આવા નકારાત્મક ક્રુડ ઓઈલ ભાવનો કોઈ મતલબ નથી.

તેમણે કહ્યું કે જો આખા જગતમાં લોકડાઉન મે એન્ડ સુધી લંબાવવામાં આવશે તો જુન વાયદો શૂન્ય થઇ જશે. આવા નકારાત્મક ભાવનું કારણ છે, ક્રુડ ઓઈલનો સ્ટોરેજ ખર્ચ ૭ ડોલર, ઇન્સ્યોરન્સ પાંચ ડોલર, શીપીંગ, વ્યાજ વિગેરે મળીને પ્રતિ બેરલ ખર્ચ ૧૫થી ૨૩ ડોલર સુધી આવે છે. જો ઉત્પાદન, નફો અને પગાર જેવા ખર્ચ ઉમેરીએ તો ભાવ સીધે સીધો ૩૫ ડોલર નકારાત્મક ઝોનમાં જતો રહે, પણ આ બધું માત્ર થીયરીમાં ઠીક લાગે વ્યવહારમાં આવા નકારાત્મક ભાવ શક્ય નથી.

મંગળવારે મે વાયદામાં ઉદાઉડ વેચવાલી આવી, ભાવ માઈન્સ ૩૫ ડોલર બોલાવા લાગ્યો. ટ્રેડર્સ પૂછી રહ્યા છે, અર્થતંત્રને લાગે વળગે છે ત્યાં સુધી આનો અર્થ શું થાય? કુશલ ઠાકર કહે છે, ચાલો આપણે ભૂતકાળમાં જઈને આનું વ્યાપક ચિત્ર જોઈએ. સાદી ભાષામાં કહીએ તો જો ક્રુડ ઓઈલની જાળવણી ખર્ચ જ ૩૪થી ૪૦ ડોલર હોય તો તેને કોણ ખરીદવાનું અને શું કામ? આમ પણ બજારમાં ભરપુર સપ્લાય ઉપલબ્ધ છે, ઓઈલ સાચવવાની ક્યાંય જગ્યા નથી, કોઈ ટાંકા ખાલી નથી.

અલબત્ત, ગઈકાલ સુધી ટ્રેડર્સ એવું માનતા હતા કે એકાદ મહિનામાં માંગમાં વધારો થશે અને સપ્લાય ઓછી પડશે, તેથી ૨૦ ડોલરનો જુન વાયદો લેવામાં વાંધો નથી, પણ બુધવાર સુધીમાં તો બધું ફલ્લમ ફલ્લા થઇ ગયું, જુન વાયદો ૧૦.૯૩ ડોલર ડીસેમ્બર ૧૯૯૮ના તળિયે આવી ગયો. બ્રેન્ટ વાયદો ૧૬.૨૧ ડોલર મે ૧૯૯૯ પછીની બોટમે બોલાયો.

રશિયા જે ગઈકાલ સુધી કહેતું હતું કે શૂન્ય નીચે નકારાત્મક ભાવ અમારા માટે કોઈ સમસ્યા નથી. પણ હવે, રાતોરાત સમાચાર આવ્યા છે કે રશિયા તેના ઉત્પાદકોને ૨૦ ટકા કાપ મુકવાનું કહે છે. ક્રેમ્લીનનાં પ્રવક્તા દમિત્રી પેસ્કોવએ કહ્યું હતું કે નકારાત્મક ભાવ એ માત્ર ટ્રેડીંગનો ટેકનીકલ પ્રશ્ન છે, તેને વર્તમાન વાસ્તવિકતા સાથે કોઈ સીધો સંબંધ નથી.