અમૃતસર રેલ્વે દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. 0183-2223171 અને 0183-2564485

મેરાન્યૂઝ નેટવર્ક.અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં મોટી રેલ દુર્ઘટના શુક્રવારે દશેરાના પર્વે સાંજના સમયે બની હતી.. પઠાણકોટથી અમૃતસર તરફ જઈ રહેલી આ ટ્રેન રાવણ દહન જોઈ રહેલા લોકો પર ફરી વળી છે. કહેવાય છે કે લોકો પર બે ટ્રેન ફરી વળી હતી. તેમાં શરૂઆતમાં 50 લોકોના મોતની આશંકા દર્શાવાઈ રહી હતી. બાદમાં મૃત્યું આંક 70 પર પહોંચ્યો હતો અને 100 લોકો ઘાયલ થયા હતા. જોકે હજુ પણ મૃત્યુ આંક અંગે સ્પષ્ટતા નથી કારણ કે દુર્ઘટના જ એટલી કંપાવી દે તેવી છે કે લોકોની લાશો વેર વિખેર થઈ ગઈ હતી.

વાત એવી પણ મળી રહી છે કે ઘટના સમયે ટ્રેક પર જ અંદાજીત 800 જેટલા લોકો હશે. ધોબીઘાટના જૌડા ફાટક નજીક રાવણ દહન કરવામાં આવી રહ્યું હતું. જોકે રેલવે ટ્રેક અને રાવણ દહનના મેદાન વચ્ચે ઘણું જ અંતર છે પણ છતાં ટ્રેક ઊંચા સ્થાને હોવાને કારણે લોકો ટ્રેક પર ઊભા રહીને રાવણ દહન જોઈ રહ્યા હતા અને રાવણ દહનનો વીડિયો લઈ રહ્યા હતા. રાવણ દહનના ફટાકડાઓના અવાજ અને ચીચીયારિઓને પગલે ટ્રેનનો અવાજ લોકોએ સાંભળ્યો જ નહીં. જેને પગલે ટ્રેન ઝડપભેર લોકોના ટોળા પર ફરીવળી હતી. લોકો ટ્રેન સાથે ભટકાયા અને મોટી સંખ્યામાં લોકોના મોત નીપજ્યા છે. દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પણ શોક વ્યક્ત કર્યો છે. એ સિવાયના પણ ઘણા નેતાઓેએ દુઃખ વ્યક્ત કર્યું છે.

આ દુર્ઘટના સમયનો વીડિયો અહીં દર્શાવાયો છે પરંતુ વીડિયો જોતા પહેલા આપને જણાવી દઈએ કે વીડિયો આપને વિચલીત કરી શકે છે. તેથી પોતાની રીતે નિર્ણય કરીને વીડિયો જુઓ. આ રેલવે ઈતિહાસની અત્યંત ભયાનક કહી શકાય તેવી દુર્ઘટના છે. પહેલી વાર ટ્રેક પર એક સાથે આટલી મોટી સંખ્યામાં રેલવે નીચે કચડાયા હશે.