ઓફ ધ રેકોર્ડ (મેરાન્યૂઝ. ગુજરાત):

(1/5) લોકો સવાલો કરે કે, ન ગમતી વાત પૂછે તો ભાગી જવાનું..? અધિકારીઓ સોસીયલ મીડિયાને ટાળી રહ્યા છે..!

મીડિયાની વિશ્વસનીયતાનાં સવાલ વચ્ચે સોસીયલ મીડિયા લોકો માટે અસરકારક માધ્યમ બન્યું છે. જેને લીધે હવે લોકો સરકારી બાબુઓને વોટ્સએપ કે ટ્વીટર જેવા માધ્યમથી સવાલો કરી રહ્યા છે. જેને લીધે ગુજરાત સરકારનાં અધિકારીઓ ઘણીવાર મૂંઝવણમાં મુકાઈ જાય છે. આવી સ્થિતિમાં અધિકારી કાં તો સોસીયલ મીડિયા ગ્રુપ છોડીને ભાગી જાય છે અથવા તો સવાલ કરનારને બ્લોક કરી દે છે. આવી જ એક ઘટના અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશનર સાથે બની હતી. જેમાં AMC Officer-Media નામનાં વોટ્સએપ ગ્રુપમાં તારીખ વગરની પ્રેસનોટ અંગે પત્રકારોએ સવાલો પૂછતાં અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા હતા. કઈંક આવું કચ્છમાં એક ડેપ્યુટી કલેક્ટરે પણ કર્યું છે. અંજાર પ્રાંતના ગેસ કેડરના અધિકારી જોષીને ટ્વીટર ઉપર પ્રશ્ન પૂછતાં પત્રકારને બ્લોક કરી દેવામાં આવ્યા છે. કલેક્ટરથી માંડીને મુખ્યમંત્રી કાર્યાલય સુધી આ અંગે ફરિયાદ કરવા છતાં અધિકારી અડીયલ રૂખ અપનાવી બેઠા હોવાને કારણે મામલો કોર્ટમાં જવાની તૈયારીમાં છે. જયારે સરકારનાં મંત્રીઓ જ જો લોકોનો સામનો કરતા ખચકાતા હોય ત્યારે બિચારા આ બાબુઓની શુ હેસિયત છે કે લોકોનાં સવાલોનો સામનો કરે..?

Advertisement


 

 

 

 

 

(2/5) દાલમેં નહીં યહાં તો દુધમેં કાલા હૈ, વાત છે કચ્છની સરહદ ડેરીની

સામાન્ય રીતે જયારે કોઈ જગ્યાએ ગરબડ જેવું લાગતું હોય ત્યારે આપણે હિંદીનો મુહાવરો "દાલમેં કુછ કાલા હૈ" સાંભળતા હોઈએ છીએ. પરંતુ આજકાલ કચ્છની સરહદ ડેરીનાં બોનસ અંગે સોસીયલ મીડિયામાં વહેતી થયેલી વાતોને પગલે લોકો, "સફેદ દુધમે કુછ કાલા હૈ" એવી ચર્ચા કરી રહ્યા છે. પોતાની જાતે જ કચ્છનાં કુરિયન તરીકે જાહેર કરી ચૂકેલા કચ્છ ભાજપનાં મહામંત્રી વલમજી હૂંબલ આજકાલ ડેરીનાં બોનસ પ્રશ્ને સોસીયલ મીડિયામાં ટીકાઓનો સામનો કરી રહ્યા છે. અગાઉ પણ કેટલાક RTI એક્ટિવિસ્ટ તેમની સામે મોરચો માંડી બેઠા હતા. પરંતુ ત્યારબાદ કોઈક કારણોસર તેમને ઠંડા કરી દેવામાં આવ્યા હતા. બાય ધ વે, માત્ર દૂધમાં જ નહીં પરંતુ કચ્છનાં આ કુરિયનનું નામ જયંતિ ભાનુશાળી મર્ડર કેસની મહિલા આરોપી સાથે પણ ચર્ચામાં આવેલું છે. સુત્રોનાં જણાવ્યા મુજબ, મનીષા ગોસ્વામી નામની મહિલા તેમની પાછળ પડી ગઈ હતી. હા, આ એજ મનીષા છે, જે પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી મર્ડર કેસમાં હાલ જેલમાં છે. એવું કહેવાય છે કે, અમદાવાદનાં સર્કિટ હાઉસમાં મનીષાએ કચ્છનાં આ કહેવાતા કુરિયનને મળવા માટે ટ્રાય કરી હતી. પછી શું થયું એ વલમજી જાણે અને મનીષા.

(3/5) કાશ્મીર પોસ્ટિંગની અફવાથી નવાઈ પામતા ગુજરાતના IPS જી.એસ.મલિક

બઢતી, બદલી અને પોસ્ટિંગને મામલે સનદી અધિકારીઓ બહુ સંવેદનશીલ હોય છે. તેવામાં એક અફવા ઉડી કે, ગુજરાત કેડરનાં સિનિયર આઇપીએસ અધિકારી જી.એસ.મલિકને કાશ્મીર જવું છે. બસ પછી શું, મામલો મીડિયામાં આવ્યો અને આ અધિકારી તેમની કાશ્મીર પોસ્ટિંગ અંગેની અફવા અંગે એટલા આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેઓ શોધી રહ્યા છે કે આ અફવા કોણે ફેલાવી છે. અને તે સ્વાભાવિક પણ છે. મલિક અત્યારે બીએસએફ ગુજરાતનાં વડા તરીકે ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે. હજુ એક વર્ષ બાકી છે. તેવામાં આવી અફવા કેવી રીતે ફેલાઈ તે પણ એક પ્રશ્ન છે. મજાની વાત એ છે કે, તેમની સાથે એક એવી વાત પણ અફવા સ્વરૂપે ફેલાઈ છે કે, ગુજરાત કેડરના એક આઈજી કક્ષાનાં આઇપીએસ પિયુષ પટેલ તેમના સ્થાને આવશે. પાંચેક વર્ષ પહેલા જ ડીઆઈજી તરીકે કેન્દ્રના ડેપ્યુટેશન ઉપર બીએસસએફમાં ગાંધીનગર ખાતે પિયુષ પટેલ ફરજ બજાવી ચુક્યા છે.

Advertisement


 

 

 

 

 

(4/5) લોકોની મદદ કરવા માટે તત્પર ઉત્સાહી રેલવે અધિકારી

કોરોનાકાળ દરમિયાન લોકોને સરકાર તથા તેના અધિકારીઓ તરફથી ખાટા મીઠા અનુભવ થઈ રહ્યા છે. તેવામાં સનદી અધિકારીઓની સાથે સાથે કેન્દ્ર સરકારનાં ઓફિસર પણ તેમના વિભાગ થકી લોકોને મદદ કરી રહ્યા છે. કચ્છમાં રેલવેનાં વડા એવા ગાંધીધામનાં એરિયા રેલવે મેનેજર પણ એમાંના એક છે. ઇન્ડિયન રેલવે ટ્રાફિક સર્વિસ (IRTS)નાં અદિશ પઠાણીયા પણ એવા ઓફિસર છે, જેઓ તેમનાં વિભાગ રેલવે થકી લોકોને શક્ય એટલી મદદ કરી રહ્યા છે. રેલવેનાં ડબ્બામાં કોરોનાગ્રસ્ત લોકોને સારવાર આપવાની વાત હોય કે વાવાઝોડામાં લોકોને મદદ કરવાની વાત હોય, રેલવેનાં આ ઓફિસર તેમનાં લોકો સાથે મદદ માટે તત્પર હોય છે. વર્ષો અગાઉ ગાંધીધામમાં મધુકર રોત નામનાં ઓફિસર પછી અદિશ પઠાણીયા એવા છે જેઓ સાચા અર્થમાં ફિલ્ડમાં આવ્યા છે.

(5/5) લોકોનાં પ્રશ્નોનો જવાબ આપવો એ પણ એક સેવા જ છે, કચ્છનાં ડીડીઓ કરી રહ્યા છે આ કામ

કોરોનાની રસીને લઈને લોકોમાં જાત જાતનાં પ્રશ્નો અને શંકા છે. તેવામાં કચ્છનાં ડીડીઓ એવા IAS ભવ્ય વર્મા લોકોને સોસીયલ મીડિયા મારફતે સલાહ અને સાચી માહિતી આપી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારનાં મૂંઝવણમાં મૂકી દે એવા આદેશો વચ્ચે આ અધિકારી ટ્વીટર ઉપર તમામ લોકોને જવાબ આપી રહ્યા છે. સાવ સામાન્ય વાત હોય કે પછી અન્ય કોઈ બાબત, તમામને ડીડીઓ સાચી સલાહ આપી રહ્યા છે. લોકોની સેવા કરવાનો આ પણ એક રસ્તો છે. એક તરફ જયાં સરકારી લોકોનો સામનો કરવાને બદલે ભાગી રહ્યા છે તેવામાં ભવ્ય વર્મા જેવા ઓફિસર સામાન્ય લોકો માટે આશાની એક કિરણ જેમ ઉભરી આવ્યા છે.

Advertisement


 

 

 

 

 

(ઇનપુટ : જયેશ શાહ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.