ઓફ ધ રેકોર્ડ (મેરાન્યૂઝ.ગુજરાત):

 (1/8) સોસીયલ ડિસ્ટનસનો અમલ કરાવતા મંત્રી અને IAS 'નજીક' આવ્યા...

કોરોનાને હરાવવા માટે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ ઉપર સરકાર બહુ ભાર મૂકી રહી છે. આ નિયમનો અમલ કરાવતા ગુજરાત સરકારનાં મંત્રી એક IASની ખૂબ નજીક આવી ગયા છે. 'દો ગજ કી દુરી'ની વડાપ્રધાનની અપીલને ગણકારીને રંગીન સ્વભાવનાં આ મંત્રી અને આઈએએસ વચ્ચે જાહેર ફંક્શનમાં થોડું પણ અંતર રહેતું નથી. કોરોનાને લીધે છેલ્લા ઘણા દિવસોથી બંને ખભેથી ખભા મિલાવીને કામ કરતા કરતા બંને 'નજીક' આવી ગયા છે. જાહેરમાં એકબીજાનાં નિર્ણયની ટીકા કરવાનો ડોળ કરીને ખાનગીમાં તેઓ હાથમાં હાથ પરોવી લેતા હોવાને કારણે મંત્રીનો સ્ટાફ તો સાહેબથી ટેવાયેલો છે પણ અધિકારીનો સ્ટાફ મૂંઝાઈ ગયો છે.

(2/8) બંગાળમાં ગુજરાત ભાજપનાં નેતાઓ પણ નિષ્ફળ

બંગાળમાં બસ્સો સીટ મેળવવાની વાતો કરનારા ગુજરાત ભાજપનાં નેતાઓની પણ પોલ ખુલી ગઈ છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં ચૂંટણી હોય ત્યારે ગુજરાતમાંથી 'ડેપ્યુટ' કરવાની ભાજપની કોપી રાઈટવાળી સિસ્ટમની આ વખતે હવા નીકળી ગઈ છે. ભારત સરકારમાં મંત્રી એવા મનસુખ માન્ડવિયાથી માંડીને ગુજરાતના પૂર્વ મંત્રી, ભાજપ સંગઠનમાંથી એમ તમામ કક્ષાએથી નેતાઓને મહિનાઓ પહેલા બંગાળ મોકલવામાં આવ્યા હતા. તેમ છતાં ભાજપનો જે રીતે બંગાળમાં રકાશ થયો છે તેને જોતા આ નેતાઓની ટૂંક સમયમાં 'કલાસ' લેવામાં આવશે. શંકર ચૌધરી અને પ્રદીપ વાઘેલાને કોલકાતાની આસપાસની 25થી પણ વધુ બેઠકની જવાબદારી આપવામાં આવી હતી. જયાં તેઓ સાવ નિષ્ફળ ગયા છે.


 

 

 

 

 

(3/8) કોરોનામાં કામ કરતા સંવેદનશીલ IPS ઓફિસર્સ

કોરોનાકાળમાં ગુજરાત પોલીસનો એક નવો ચહેરો બહાર આવ્યો છે. અને તે છે કડક કહેવાતી પોલીસનો માનવીય અભિગમ. રાજ્યનાં ડીજીપી આશિષ ભાટિયા હોય કે વડોદરાના કમિશનર સમશેરસિંહ, જે પછી પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંગ. આ બધા અધિકારી તેમની મર્યાદામાં રહીને લોકોને મદદ થાય તેવી કાર્યવાહી કરી રહ્યા છે. કોઈપણ જિલ્લાની નાનામાં નાની વાતને ભૂલ્યા વગર ડિજીપી ભાટિયા જાતે સંપર્ક કરીને તે અંગે માહિતી મેળવે છે. તેવીજ રીતે આઇપીએસ સમશેરસિંહ પણ કામ કાયદો-વ્યવસ્થાને સ્પર્શતું ન હોય તો પણ તંત્રની મદદ લઈને વડોદરામાં લોકોને હેલ્પફુલ થઈ રહ્યા છે. પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંગ પણ ભુજ કે કોઈપણ જગ્યાએ જયાં પણ પોલીસની જરૂર હોય ત્યાં તેમની જાતે પહોંચી જાય છે. ભુજમાં રાતે જયારે જી.કે.જનરલ હોસ્પિટલનાં ગેટ બંધ થઈ ગયા હતા ત્યારે તેમનાં ડેપ્યુટી એસપી જયેશ પંચાલ સાથે સૌરભસિંગ સવાર સુધી લોકોની મદદમાં જોવા મળ્યા હતા. જયારે કચ્છનાં કહેવાતા સેવાભાવી જનપ્રતિનિધિઓ અને પ્રભારી સચિવથી માંડીને કલેક્ટર, ડીડીઓ અને અદાણી જી.કે.નો સ્ટાફ ઘરમાં ભરાઈ ગયા હતા ત્યારે આ પોલીસ અધિકારીઓએ માનવીય અભિગમ સાથે પોતાની પોતાની ડ્યુટી કરી હતી. એડિશનલ ડીજી હસમુખ પટેલ પણ આજકાલ જાહેર સફાઈથી માંડીને વર્ચ્યુઅલ સામુહિક પ્રાર્થનાથી લોકોને માનસિક રીતે મજબૂત કરવાની કવાયત કરી રહ્યા છે.

(4/8) ટીકા સહન થતી નથી, કામ કરનારનાં વખાણ પણ...

પોતાને કામ કરવું નથી અથવા તો તેમનું સરકારમાં ખાસ કાંઈ ખાસ ઉપજતું નથી. એટલે સ્વાભાવિક છે કે માધ્યમોમાં ટીકા થવાની. પરંતુ કામ કરતા અન્ય લોકોને બિરદાવાય ત્યારે પેટમાં તેલ રેડાય છે. કઈંક આવી જ સ્થિતિ છે એક રાજ્યકક્ષાનાં મંત્રી અને પ્રભારી સચિવની. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની ઘટનામાં વહીવટી તંત્ર અને કચ્છનાં સાંસદ, ધારાસભ્યો અને મંત્રી ઊંઘતા ઝડપાયા નહીં પણ ઊંઘતા જ રહ્યા. ત્યાં સુધી લોકો ડીડીઓનાં ઘર સુધી પહોંચી ગયા. પરંતુ તે કપરા સમયે પોલીસે બાજી સાંભળી. એટલે સ્વભાવિક રીતે લોકો અને મીડિયા પોલીસની પીઠ થાબડે. બસ આ જ ન ગમ્યું તેમને. પોતે કાંઈ કરવું નથી અને કોઈ કરે તો ગમતું નથી. પોલીસનું કામ કાયદો-વ્યવસ્થા જાળવાનું છે. એ તમારા મેસેન્જર નથી કે તમને જાણ કરે.

(5/8) કચ્છનાં એ 1400 ઇન્જેક્શન કયાં ગયા..?

રેડમિસિવિર ઇન્જેક્શન મામલે રાજ્ય સરકાર ભલે ગંભીર થઈ હોય પરંતુ તેની આ ગંભીરતા ગ્રાઉન્ડ ઉપર દેખાતી નથી. કચ્છમાં આપવામાં આવેલા રેડમિસિવીર ઇન્જેક્શનમાંથી 1400નો હિસાબ મળતો નથી. મોરબી ટ્રાન્સફર કરવામાં આવેલા તબીબને કચ્છનાં પુરવઠા વિભાગ દ્વારા સતત ચાર દિવસ સુધી પૂછવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની પણ ઇન્કવાયરી ચાલે છે. તેવામાં એક ચોંકાવનારી વાત એવી જાણવા મળી છે કે, જનપ્રતિનિધિઓનાં ઘરેથી ઓળખીતાઓને પાછલા બારણે ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે પણ વિદેશથી આવતી રાહત સામગ્રી આ રીતે પગ કરી જતી હતી.


 

 

 

 

 

(6/8) પ્રસિદ્ધિ ભૂખ્યા જિલ્લા પંચાયતનાં પ્રમુખ

કહેવાય છે ને કે ખુરશી અને સત્તાનાં નશામાં વ્યક્તિ ભાન ભૂલી જતો હોય છે. આવું જ કઈંક કચ્છ જિલ્લા પંચાયતના નવનિયુક્ત મહિલા પ્રમુખ પારૂલ કારાનું છે. સોસીયલ મીડિયામાં સક્રિય આ બહેન પોતે કઈંક કામ કરે છે તે દેખાડવાના નશામાં મૃતદેહને અગ્નિદાહ આપી પોતે ધન્યતા અનુભવે છે એવો ફેસબુક ઉપર બફાટ કરી દે છે. પોતાનાં જ પક્ષમાંથી ટીકા થતા તરત પાછા જલ્દબાજીમાં શબ્દો પસંદ ન કરી શકવાનું બહાનું બતાવી પોસ્ટ એડિટ પણ કરી નાખે છે. પારૂલબહેન, રાજ્યનાં સૌથી મોટા જિલ્લાની કમાન તમારા હાથમાં છે, ઉતાવળમાં વહીવટ કરવામાં આવી ભૂલ ન કરતા...

(7/8) ગુજરાત કોંગ્રેસનો અનોખો વિરોધ, કોરોના દર્દીઓની વિગત સરકારમાં ટ્વીટ કરે છે