જયેશ શાહ (મેરાન્યૂઝ.ગુજરાત):
(1/5) અન્ડર સેક્રેટરીને શુ નડયું ? 'ફેમિલી' આઉટ સૉરસિંગ કે IASની ફરિયાદનો લેટર...
તાજેતરમાં એક અન્ડર સેક્રેટરીને સસ્પેન્ડ કરી દીધા છે. બિપિન જાદવ નામનાં આ ઓફિસરને પોતાના ફેમિલી મેમ્બરને આઉટ સૉરસિંગનાં મામલે સસ્પેન્ડ કર્યા હોવાની ચર્ચા છે. પરંતુ બીજી એક વાત એવી પણ જાણવા મળી છે કે, આ અન્ડર સેક્રેટરી જયારે IAS સી.વી.સોમનાં વિભાગમાં ફરજ બજાવતા હતા ત્યારે એક લેટર આઈએએસ સોમની વિરુદ્ધ આવેલો. આ પત્ર જાદવે આઈએએસ સોમને જાણ કર્યા વિના જ બારોબાર જીએડીમાં મોકલી દીધો હતો. જેને લઈને સી.વી.સોમ નારાજ હતા. સાચુ ખોટું ભગવાન અને આ બંને અધિકારી જાણે, પરંતુ સોમની સામે પંગો લેવા બદલ અન્ડર સેક્રેટરીને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે તેવી ચર્ચા સચિવાલયમાં ચાલી રહી છે. બાય ધ વે, IAS સોમ પણ તેમની કામ કરવાની સ્ટાઈલને પગલે ઓછા મશહૂર નથી હો...

(2/5) ભુજ નગર પાલિકા પ્રમુખને 'મેયર'નો અભરખો

તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હોદ્દા દર્શાવતી કારની સંખ્યા વધી ગઈ છે. ગ્રામ પંચાયતના સભ્ય પણ 'સભ્ય શ્રી'નું બોર્ડ કારના કાચ પાછળ દેખાય એ રીતે ફરી રહ્યા છે. તેવામાં ભુજ નગર પાલિકાનાં નવનિયુક્ત પ્રમુખની કાર આજકાલ ચર્ચામાં છે. તેમણે પોતાની કારમાં કચ્છમાં જેમ ભાજપનાં અન્ય હોદ્દેદારો બોર્ડ કારમાં લઈને ફરે છે તેમ બોર્ડ મુકાવ્યું છે. પરંતુ તેમાં નગર પાલિકા પ્રમુખની જગ્યાએ મેયરનું પાટિયું મૂક્યું છે. ભુજ મહાનગર પાલિકા નહીં પરંતુ નગર પાલિકા છે. સામાન્ય રીતે કોર્પોરેશન હોય એટલે કે મહાનગર નિગમ હોય તેના પ્રથમ નાગરિક મેયર તરીકે ઓળખાય છે. ભુજ પાલિકા પ્રમુખની આ હરકતથી ખુદ એમના જ પક્ષના લોકો હવે એમ મસ્તી કરે છે કે, જો ઘનશ્યામભાઈને મેયર તરીકે ઓળખાવું હોય તો ભુજને મહાનગર પાલિકાનો દરજ્જો અપાવી દોને, બંનેને ફાયદો થશે.

(3/5) બધાની બદલી થાય પણ આમને ઉની આંચ પણ ન આવે
થોડા સમય પહેલા સરકારે સચિવાલયમાં ફરજ બજાવતા નાયબ સચિવ અને અન્ડર સેક્રેટરી કક્ષાનાં અધિકારીઓની બઢતી સાથે બદલીઓ કરી હતી. જેમાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જગ્યાએ ફરજ બજાવતા મોટાભાગના અધિકારીઓને બદલી નાખવામાં આવ્યા હતા. પરંતુ અમુક ઓફિસર પાંચ કે તેથી વધુ સમયથી એક જગ્યાએ સરકારની 'નોકરી' કરી રહ્યા છે. જેને લઈને આઈએએસ લોબીમાં પણ તેની ખાસ્સી એવી ચર્ચા છે. માર્ગ અને મકાન વિભાગમાં કોમલ ભટ્ટ નામના નાયબ સચિવ સાત વર્ષથી એક જ જગ્યાએ છે. કોમલ ભટ્ટની જેમ પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટના નાયબ સચિવ પ્રકાશ મજમુદાર પણ વર્ષોથી એ જ પોસ્ટ ઉપર છે. જીએડીમાં આઈએએસનું એસ્ટાબ્લીસમેન્ટ સંભાળતા અધિક સચિવ અશોક દવે અને ગૃહ વિભાગમાં આઇપીએસનું એસ્ટાબ્લીસમેન્ટ સાંભળતા નિખિલ ભટ્ટને પણ વર્ષોથી તેમની જગ્યાએથી બદલવામાં આવ્યા નથી.

(4/5) ધારાસભ્ય નિમાબેનનું રાજકીય કદ ઘટી ગયું છે..?
સામા પ્રવાહે રહીને હંમેશા આગળ વધતા રહેલા ભુજનાં ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યનું રાજકીય કદ ઘટી ગયું હોવાની ચર્ચાઓ વેગ પકડ્યો છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભુજ નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ રસિકભાઈ ઠક્કરની નિમણુંક ઉપર મહોર મારવામાં આવી છે. તેઓ ભુજનાં ધારાસભ્ય નિમાબેનની ચોઇસ ન હતા. બહેને તો તેમને જયારે નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ આઠમા ટીકીટ મળી ત્યારે પણ વિરોધ કર્યો હતો અને ઘનશ્યામ સી. ઠક્કરના નામની ભલામણ કરી હતી. ચૂંટણી બાદ જયારે નગર પાલિકા પ્રમુખ માટે ફરી તેમનું નામ આવ્યું ત્યારે પણ અન્ય નામની ભલામણ કરી હતી. પરંતુ આ વખતે પણ ભાજપ મોવડી મંડળે તેમની વાતને ધ્યાન ઉપર ન લીધી. સામાન્ય રીતે જે તે ધારાસભ્યની ભલામણને મહત્વ આપવામાં આપવાનો એટ લિસ્ટ ભાજપમાં તો શિરસ્તો છે. ખબર નહીં કેમ નિમાબેનનું ભાજપ મોવડી મંડળ સાંભળતું કેમ નથી..?

(5/5) ગાંધીનગર આવતી બિલ્ડર વિરુદ્ધની ફરિયાદને 'સેટલ' કરતા એડિશનલ કલેક્ટર
રાજ્યભરમાંથી આવતી બિલ્ડર વિરુદ્ધની ફરિયાદને ગાંધીનગરમાં 'સેટલ' કરી દેવામાં આવે છે. માનવીય અભિગમવાળી સંવેદનશીલ સરકાર લોકોની ફરિયાદને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરે જ છે. પરંતુ જો ફરિયાદ તેમના સુધી પહોંચે તો. પણ અહીં થાય છે એવું કે, સરકાર સુધી બિલ્ડરની ફરિયાદ જાય તે પહેલા જ 'ગેસ' કેડરનાં એક બાબુ પાસે જાય છે. અને અધિક કલેક્ટર કક્ષાનાં આ સાહેબ જે બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ થઈ હોય તેનો સંપર્ક કરે છે. અને ત્યારબાદ શુ થતું હશે તે આપ સારી રીતે સમજી ગયા હશો.