ઓફ ધ રેકોર્ડ (મેરાન્યૂઝ. ગુજરાત):

(1/5) કોંગ્રેસનાં ધાનાણીએ મહેણું માર્યું, હિન્દીમાં ઇન્ટરવ્યૂ લેવો હોય તો સીએમ રૂપાણી પાસે જાવ..!

ગુજરાતનાં સરળ અને અતિ સંવેદનશીલ મુખ્યપ્રધાનના હિન્દી બોલવા અંગે સોસીયલ મીડિયામાં લોકો મશ્કરી કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વિરોધપક્ષના નેતા એવા કોંગ્રેસી લીડર પરેશ ધાનાણીએ પણ આ અંગે કટાક્ષ કર્યો છે. ધાનાણીએ તેમની કચ્છ-ભુજની મુલાકાત વેળાએ આ ટોન્ટ માર્યો હતો. બન્યું એવું કે, ભુજમાં જી. કે. જનરલ હોસ્પિટલની મુલાકાત બાદ મીડિયા તેમની પ્રતિક્રિયા લઈ રહ્યું હતું. લોકલ અને ગુજરાતી મીડિયા પછી નેશનલ લેવલના મીડિયાએ પરેશ ધાનાણી પાસે હિન્દીમાં બાઈટ (બાઈટ એટલે બચકું નહીં પરંતુ મીડિયાની ભાષામાં પ્રતિક્રિયા) આપવાની વાત મૂકી. એટલે તરત જ ધાનાણીએ કહ્યું કે, હિન્દીમાં ઇન્ટરવ્યૂ લેવો હોય તો સીએમ વિજય રૂપાણી પાસે જાવ, એમ કહીને તેમણે રૂપાણીની હળવા શબ્દોમાં મજાક કરી હતી. સીએમને હિન્દી બોલવામાં ફાંફા પડતા હોય તો પણ આમ તેમને ઉતારી તો ન પડાય હો..!

(2/5) વાવાઝોડાની મિટિંગમાં રાજ્ય કક્ષાનાં મંત્રીએ IPSને કહ્યું, કેમ પાટીલ દેખાતા નથી ?

વાવાઝોડાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા પહોંચેલા ગુજરાત સરકારનાં રાજ્ય કક્ષાનાં મંત્રી વાસણ આહિરે બધાની વચ્ચે એક  આઇપીએસને ટપાર્યા હતા. પૂર્વ કચ્છનાં એસપી એવા IPS મયુર પાટીલને ગાંધીધામ ખાતે મિટિંગમાં જોઈને મંત્રી આહિરે નવાઈ પામીને કહ્યું કે, કેમ પાટીલ આજકાલ દેખાતા નથી ? મંત્રીનાં સવાલને પગલે એસપી મયુર પાટીલે કહ્યું કે, "ના સાહેબ એવું નથી". મંત્રી અને આઈપીએસ વચ્ચેની આ વાતચીતને પગલે ઉપસ્થિત અધિકારીઓ પણ નવાઈ પામ્યા હતા. સુત્રોનું માનીએ તો, મંત્રી વાસણ આહીર કોરોના અને ત્યારબાદ વાવઝોડાને પગલે સમગ્ર કચ્છમાં સમીક્ષા મિટિંગ કરી રહ્યા છે. સંભવ છે કે, મંત્રી આહીર જયારે પૂર્વ કચ્છમાં ગયા હશે ત્યારે એસપી મયુર પાટીલ કદાચ જોવા નહીં મળ્યા હોય. એટલે મિનિસ્ટર તરીકે તેમણે પૂછ્યું હશે.

Advertisement


 

 

 

 

 

(3/5) ગુજ્જુ IPS દીપક ડામોર તામિલનાડુમાં પોલીસ કમિશ્નર બન્યા...

તામિલનાડુ સરકારે તાજેતરમાં આઇપીએસ અધિકારીઓની બદલી કરી હતી. જેમાં મૂળ ગુજરાતનાં દાહોદ જિલ્લાનાં વતની એવા ગુજ્જુ IPS ઓફિસરને તામિલનાડુની નવી સ્ટેલીન સરકારે કમિશ્નર બનાવ્યા છે. વર્ષ 2001ની બેચના તામિલનાડુ કેડરના IPS દીપક એમ. ડામોરને કોઈયમબતુર શહેરનાં પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડામોર અગાઉ CBIનાં એસપી તરીકે તેમનાં હોમ સ્ટેટ ગુજરાતમાં ગાંધીનગર ખાતે પણ ફરજ બજાવી ચુક્યા છે. તેઓ અમદાવાદમાં આવેલા SPIPAનાં સ્ટુડન્ટ હતા. 

(4/5) સિનિયર IAS ઓફિસર્સમાં સાવચેતીના નામે કોરોના ફોબિયા..?

સરકાર અને અધિકારીઓ લોકોને કોરોના મહામારીમાં સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે, ઓફિસર પણ આ પ્રકારની સાવચેતી રાખતા હોય. પરંતુ કેટલાક સિનિયર IAS તો એટલી હદે સાવચેતી રાખે છે કે, લોકો તો ઠીક કોરોનાના વાયરસ પણ તેમને ન જોઈ શકે એટલી જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ શહેરની જવાબદારી જેમની ઉપર છે તેવા નર્મદા નિગમના સિનિયર આઈએએસ રાજીવ ગુપ્તાએ તો નર્મદાની તેમની ઓફિસમાં એક અલાયદી કોરોના માટેની ચેમ્બર બનાવી છે. તેવી જ રીતે સચિવ સુનયના તોમર પણ બહુ સાવચેતી રાખી રહ્યા છે. તોમરે તો ફાઈલો અને લેટર્સને સેનેટાઈઝ કરવા માટે સ્કેનર રાખ્યું છે. મશીનમાંથી કાગળો તેમની ચેમ્બરમાં જાય પછી મેડમ જાતે તેને ફરી એકવાર સેનેટાઇઝ કરે છે. તેમના પીએસ પણ માંડ એકાદ વખત ચેમ્બરમાં જાય છે. 

Advertisement


 

 

 

 

 

(5/5) સાબરકાંઠાનાં DDOનો ધારાસભ્યની હોસ્પિટલ સાથેનો લગાવ...

સાબરકાંઠાનાં DDOનો તેમના વિસ્તારનાં ધારાસભ્યની હોસ્પિટલ સાથેના વધુ પડતા લગાવથી ગાંધીનગરમાં પણ તેમની ચર્ચા થવા લાગી છે. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની હોસ્પિટલમાં વધુ પડતું ધ્યાન આપવાને કારણે વર્ષ 2015ની બેચના મૂળ ગુજરાતી એવા IAS ડો.રાજેન્દ્ર પટેલ ચર્ચામાં આવ્યા છે. ડીડીઓ તરીકે પોતાના જિલ્લાની હોસ્પિટલનું ધ્યાન રાખવું ખોટું પણ નથી. તેમ છતાં ડીડીઓ પટેલની વધુ પડતી લાગણી છેક સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચી છે, મતલબ કઈંક ગરબડ તો છે.