ઓફ ધ રેકોર્ડ (મેરાન્યૂઝ.ગુજરાત):

(૧) વડાપ્રધાન મોદીના ભાઈને આટલો ગુસ્સો કેમ આવે છે

પોતાના પરિવારનો વ્યક્તિ જયારે સત્તાનાં સર્વોચ્ચ સ્થાને વિરાજમાન હોય અને તેમના જ પરિવારનો લોહીનો સંબંધ ધરાવતો વ્યક્તિ સિસ્ટમનો વિરોધ કરે ત્યારે શું સમજવું ? નથી સમજાતું ને ? સાચે હજુ સુધી કોઈને ખબર પડતી નથી કે વડાપ્રધાન મોદીનાં ભાઈને આટલો ગુસ્સો કેમ આવે છે. અવારનવાર યા તો રોડ ઉપર અથવા તો, એરપોર્ટ ઉપર, ગમે ત્યાં તેમને જયાં પણ અન્યાય જેવું લાગે કે તરત જ નીચે બેસી જાય છે. જી હા, વાત સાહેબનાં ભાઈ પ્રહલાદભાઈની છે. છેલ્લે જયારે તેઓ અમદાવાદ એરપોર્ટ, સોરી...અદાણી સંચાલિત એરપોર્ટની પાર્કિંગ પોલિસી સામે ધરણા ઉપર બેસી ગયા ત્યારે તો સૌની આંખો પહોળી થઇ ગઈ હતી.


 

 

 

 

 

(૨) ઓફિસર કડક, પ્રામાણિક હોય તે સાંભળ્યું હતું, પવિત્ર કયારથી થઈ ગયા...

અત્યાર સુધી આપણે અધિકારીઓ પ્રામાણિક હોય, કડક હોય વગેરે વિશેષણો સાંભળતા કે જોતા આવ્યા છીએ. પરંતુ કોઈ અધિકારી પવિત્ર કયારે કહેવાય ? આ નવી કેટેગરી આવી કયાંથી ? અને એ પણ જાતે નક્કી કરી લેવાનું ? સચિવાલયમાં વર્ષોથી ચીપકી બેઠેલા ઓફિસર્સ માટે આજકાલ 'પવિત્ર' શબ્દ પણ લાગે છે. પોતાના વિના તેમનાં વિભાગનું પાંદડું પણ હલતું નથી તેવા ભ્રમમાં રાચતા સચિવ કક્ષાથી નીચેના સરકારનાં આ ખાસ બાબુઓથી અન્ય અધિકારીઓ તો ઠીક આઈએસેસ અને આઇપીએસ લોબી પણ ત્રસ્ત છે. હવે ચર્ચા એવી ચાલી છે કે, પોતાને પવિત્ર જાહેર કરી ચૂકેલા આ અધિકારીઓ સરકારની ગાય છે કે બળદ ?

(૩) સરકાર પાછલા બારણે કરાવી રહી છે લોકડાઉન?

હાઇકોર્ટની આકરી ટીકા પછી બધાને એમ હતું કે, ગુજરાત સરકાર કોરોનાની વધતી મહામારીને પગલે પૂર્ણ કે આંશિક લોકડાઉન જાહેર કરશે. પરંતુ ભાજપને નજીકથી જાણતા લોકોને ખબર હતી કે, એકવાર જાહેરમાં 'ના' પાડ્યા પછી ભાગ્યેજ ભાજપ યુ ટર્ન લે છે (અમુક અપવાદને બાદ કરતા). પરંતુ પોતાનાં જ નિર્ણયમાં ભરાઈ ગયેલી સરકારે હવે પાછલા બારણે લોકડાઉન કરવાનું શરૂ કર્યું છે. જેમ કે, તેમનાં તરફી ગ્રામ પંચાયતોથી માંડીને APMC, વેપારી મંડળો અને સંસ્થાઓ-સંગઠનો થકી સ્વૈચ્છીક લોકડાઉનની અપીલ કરાવવામાં આવી રહી છે. જેનું મોનીટરીંગ ટીકા ઉત્સવ માટે નિયુક્ત કરવામાં આવેલા ભાજપનાં નેતાઓ કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો ધારાસભ્યો સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોના સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. જેનું ઉપર સુધી રિપોર્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કચ્છની ગાંધીધામ બેઠકના ધારાસભ્ય જેવા કેટલાક ઉત્સાહી MLA તો તેમના વોટ્સએપ સ્ટેટસમાં બંધ બજારનાં ફોટા પણ મૂકે છે. તમારે જો બંધ જ રખાવવું હોય તો સીધા સરકારમાં રજુઆત કરોને, આમ પાછલે બારણે લોકડાઉન કરવાનો શો અર્થ છે...?

(૪)સોસીયલ મીડિયા થકી લોકોની મદદ કરતા IPS

લાંબા સમય પછી ફિલ્ડ ડ્યુટીમાં આવેલા સિનિયર આઇપીએસ ઓફિસર સમશેરસિંહ આજકાલ ટ્વીટર ઉપર સક્રિય છે. માત્ર દેખાવ પૂરતા નહીં પરંતુ, જયારથી તેમને વડોદરાનાં પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે ત્યારથી તેઓ લોકોને મદદ કરી રહ્યા છે. કારફ્યુમાં ફસાયેલા લોકો હોય કે કોરોનાના દર્દીને પ્લાઝ્માની જરૂરિયાતની વાત હોય. પળવારમાં વડોદરાનાં પોલીસ કમિશનર સમશેરસિંહ એક્ટિવ થઈ જાય છે અને લોકોને મદદ પણ પુરી પાડે છે. લોકો જે કહે તે, પરંતુ હાલમાં તો તેઓ પોલીસનાં મુદ્રાલેખ  'May I Help You'ને સાર્થક કરી રહ્યા છે.


 

 

 

 

 

(૫) ગોંડલના નિખિલનું એન્કાઉન્ટર તો નહીં થાય ને...?

ગોંડલના કુખ્યાત નિખિલ ભાગ્યો ત્યારે એટલો ચર્ચામાં ન હતો તેટલો પકડાયા પછી છે. કારણ કે પોલીસ ધીમે ધીમે ગોંડલના સ્થાનિક રાજકારણ સુધી પહોંચી છે. ભાગેડુ નિખિલને નૈનિતાલથી પકડી લાવ્યા પછી એક મોટી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી (ત્રણ આઇપીએસ અને પોલીસનો મોટો કાફલો હતો એટલે મોટી કહી છે !). જેમાં ખુદ પોલીસ ઓફિસર્સમાં એવો ગણગણાટ થતો જોવા મળ્યો હતો કે, હવે નિખિલને કોઈ નહીં બચાવી શકે. અને થોડા દિવસ પછી સારવાર માટે કચ્છથી જામનગર લઈ જવાતા નિખિલ જે પોલીસ વાનમાં હતો તે પલટી ખાઈ ગઈ હતી. જેમાં નિખિલ જરૂર બચી ગયો હતો. પરંતુ ગુજરાતમાં હવે નકલી એન્કાઉન્ટરથી દૂર ભાગતી પોલીસ કયાંક યુપી પોલીસનાં રસ્તે તો નથી જઈ રહી ને, તેવી ચર્ચા ચાલી હતી.

(૬) કચ્છનાં ડીડીઓ અને આરોગ્ય અધિકારી વચ્ચે ખટરાગનું કારણ શું છે ?

કચ્છમાં કોરોનાના આંકડા અને માહિતીને લઈને આઈએએસ અધિકારી ભવ્ય વર્મા અને કચ્છનાં આરોગ્ય અધિકારી વચ્ચે સારું નથી ચાલી રહ્યું. જેનો પડઘો સીએમની કચ્છ મુલાકાત વેળાએ, તંત્ર સહયોગ નથી આપતું એવી ફરિયાદમાં જોવા મળ્યું હતું. આરોગ્ય અધિકારી દ્વારા ભુજ કોર્ટના એક વ્યક્તિને રસી આપવાને મામલે આ ખટરાગ થયો છે. બન્યું એવું કે, ભુજની કોર્ટમાંથી આરોગ્ય અધિકારી ઉપર ફોન આવ્યો કે, અમારે રસી લેવી છે. કોર્ટમાંથી કહેણ આવ્યું હોય એટલે સ્વાભાવિક છે કે, અધિકારી ના ન પાડે. આ વાત સીધી ભરતીનાં આઈએએસ એવા DDO ભવ્ય વર્માને ખબર પડી. ભુજ કોર્ટમાંથી કોનો ફોન આવ્યો એ તો ખબર નથી પરંતુ ફોન કરનાર વ્યક્તિ સાથે ડીડીઓને જામતું નથી. બસ ત્યારથી કચ્છ જિલ્લાનાં આ બે બાબુ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. બાય ધ વે ડીડીઓ અને આરોગ્ય અધિકારી વચ્ચેની કચ્છની આ પહેલી ઘટના નથી. ભવ્ય વર્માની પહેલાંના ડીડીઓ પ્રભાવ જોષી અને તે વખતનાં આરોગ્ય અધિકારી ડોક્ટર કન્નર વચ્ચેની વાત પણ કઈંક આવી જ હતી. અલબત્ત તેમાં ભુજ કોર્ટ વચ્ચે ન હતી.

(૭) IPSનાં ફેમિલી મેમ્બરને સાચવો એટલે જીલ્લાનો વહીવટ તમારો

જિલ્લા કક્ષાએ ઉચ્ચ પોલીસ અધિકારીનાં વહીવટદારોનો પણ એક અલગ દબદબો હોય છે. કેટલાક કિસ્સામાં આઇપીએસ ચાલાક હોય તો વહીવટીદારો ફાવતા હોતા નથી. પરંતુ ગુજરાતનાં એક આઇપીએસ ઓફિસર થોડા અલગ છે. એમને વહીવટીદારો શુ કરે છે તેમાં કોઈ રસ નથી. બસ તેમનાં પરિવારનાં સભ્યો અને તેમના વતનથી આવતા સગાઓને સાચવે એટલે આ આઇપીએસ ખુશ રહે છે. સંગેબની6આ સ્ટાઈલને લીધે તેઓ પહેલા જે જિલ્લામાં હતા ત્યાંના વહીવટીદાર કરોડોના આસામી થઈ ગયા છે. અને મોટા બિલ્ડરને પણ આંટી જાય તેવી સ્કીમનાં માલિક થઈ ગયા છે. હાલ જે જગ્યાએ આ IPS પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે ત્યાં જવા માટે મોટી રકમ આપવી પડતી હોય છે. કારણ કે અહીં વ્હાઇટ કોલર ઓર્ગેનાઇઝડ ગુન્હાઓમાં આંખ આડે કાન કરવાનાં કરોડો રૂપિયા મળે છે. પરંતુ સાહેબને અહીં 'બેટિંગ' કરવામાં નહીં પરંતુ ફેમિલી સાચવતા વહીવટીદારોમાં જ રસ છે. છે ને અનોખા અધિકારી..!


 

 

 

 

 

(૮) તંત્રની કોરોના સમીક્ષા બેઠકમાં ભાજપ જિલ્લા પ્રમુખ

કોરોનાની કામગીરીને લઈને સત્તાપક્ષ ભાજપ ઉપર સવાલો થઈ રહ્યા છે. તેવામાં કચ્છમાં આવી જ બેઠકની સમીક્ષામાં કચ્છ ભાજપનાં પ્રમુખની હાજરીએ લોકોને ચર્ચા કરવાનો વધુ એક મોકો આપ્યો છે. રાજ્યકક્ષાનાં મંત્રી સહિત કલેક્ટર અને તંત્રનાં ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે સાંસદ અને ધારાસભ્યો આ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા. ત્યાં આશ્ચર્યજનક રીતે કચ્છ ભાજપનાં પ્રમુખ પણ બધાની વચ્ચે બેઠા હતા. જેને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા તો ગણગણાટ કરવામાં આવ્યો હતો, સાથે સાથે ખૂદ ભાજપમાં પણ ચર્ચા ચાલી હતી કે, સંગઠન અને સરકાર સાથે બેસતા કયારથી થઈ ગયા...?

(૯) ગૃહવિભાગ ચોક્કસ સમાજને છાવરે છે..?

છેલ્લા કેટલાય સમયથી રાજ્યનાં ગૃહ વિભાગ સામે એક ચોક્કસ સમાજમાંથી આવતા અધિકારીઓને છાવરવામાં આવતા હોવાની છાપ જોવા મળી રહી છે. આઇપીએસ કે સિનિયર કક્ષાનાં ઓફિસર્સની વાત હોત તો વાંધો ન આવે. પરંતુ પીએસઆઇ અને પીઆઇ લેવલના પોલીસ અધિકારી માટે ગૃહ વિભાગની મીઠી નજર આઇપીએસ લોબી માટે પણ માથાનો દુખાવો બની છે. પરંતુ તેઓ બોલી શકતા નથી. કેટલાક કિસ્સામાં તો ડીવાયએસપી લેવલના ઓફિસર દ્વારા એક જગ્યાએ ચાર વર્ષથી પણ વધુ સમય થયો હોવા છતાં તેઓ એક જગ્યાએ ચીપકી બેઠા છે. માત્ર એટલું જ નહીં તેમને સોંપવામાં આવેલી તપાસમાં એક જ પ્રકારની ભૂલ બબ્બે વખત થવા છતાં તેમને ઉની આંચ પણ આવતી નથી.

(૧૦) ભૂતકાળમાં કામ કરવાનો ફાયદો હવે ઉઠાવતા અધિકારી

વર્ષો પહેલા કારકિર્દીની શરૂઆત જેમની સાથે કરી હોય તે ઓફિસર સાથે જ ફરી કામ કરવાનો મોકો મળે તો કેવા જલસા પડી જાય ? આવા જ જલસા કચ્છમાં એક ડીવાયએસપી કરી રહ્યા છે. સોનાની ચોરીનાં આરોપીઓ સાથેની સાંથગાંઠમાં માંડ બચેલા આ ડેપ્યુટી એસપી લેવલના GPS કેડરના ઓફિસરને તેમના જુના સિનિયર સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. બંનેની રેન્કમાં ભલે બે લેવલનો ફરક હોય પરંતુ તેમ છતાં તેમના અલ્ટીમેટ બોસને એવી ગોળી પીવડાવી દીધી છે કે, કોઈપણ કામ હોય તો તેમના વિના કામ આગળ ચાલતું જ નથી. મજાની વાત એ છે કે, તેમની રેંકના જ અન્ય બે અધિકારી હોવા છતાં તેમની ઉપર કૃપાદ્રષ્ટિ વધુ છે. ભૂતકાળનો અનુભવ આવી રીતે પણ ફાયદો કરાવતો હોય છે.

(ઇનપુટ: જયેશ શાહ, કચ્છ)