ઓફ ધ રેકોર્ડ (મેરાન્યૂઝ.ગુજરાત):

(1/6) ફ્રેશ અને ચેમ્બરનાં શોખીન બાબુઓથી અરવલ્લી જીલ્લાનો વિકાસ અટકે છે

સાત વર્ષ પહેલા સાબરકાંઠા જીલ્લામાંથી નવનિર્મિત થયેલા અરવલ્લી જીલ્લામાં પાયાની અને માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં સરકાર ઉણી ઉતરી રહી છે. આવું એટલા માટે લાગે છે કે, નવનિર્મિત જીલ્લ્લામાં કલેકટર હોય કે પછી ડીડીઓ કે પછી અન્ય ઓફિસર્સ, મોટા ભાગના પ્રોબેશન પિરિયડ પરથી સીધા અરવલ્લી જીલ્લામાં જ લેન્ડ થતા હોય તેવી છેલ્લે થયેલી પોસ્ટિંગ ઉપરથી અનુભવી શકાય છે.  ફ્રેશ હોવાને લીધે અનુભવના ન હોય તે સ્વાભાવિક છે. આટલું ઓછું હોય તેમ બાકીના એવા પણ છે, જેમને ચેમ્બરમાંથી બહાર નીકળવાનું મન નથી થતું. એટલે જીલ્લાનો વિકાસ રૂંધાઇ રહ્યો છે એવું સ્થાનિક રાજકારણીઓ જ નહીં કોમન મેનને પણ લાગી રહ્યું છે. વિકાસના ઘોડા કાગળ પર દોડાવતા હોય તેમ ૭ વર્ષમાં જીલ્લામાં એક પણ લોક ઉપયોગી મોટી સુવિધા ઉભી કરવામાં તંત્ર નિષ્ફ્ળ રહ્યું છે. અને, હા... જો સરકારની વાહવાહી કે મેળાવડા કરવા હોય તો તેમના પગને જાણે કે પાંખો આવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે, જીલ્લાના વિકાસ માટે અનુભવી અધિકારીઓનું પોસ્ટિંગ નહીં થાય ત્યાં સુધી જિલ્લાને વિકાસથી વંચીત રહેવું પડશે એ ચોક્કસ છે.


 

 

 

 

 

(2/6) ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ તૂટે છે બે ધારાસભ્ય કેસરિયા કરવાના મૂડમાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી કોંગ્રેસનો જે રીતે રકાસ થયો છે તે જોતા હજુ કેટલાક કોંગ્રેસી ધારાસભ્ય કેસરિયો કરવાનાં મૂડમાં છે. સત્તાની જોડે રહેવાનો મોહ કહો કે, મોદી મેજીક અને શાહના ચક્રવ્યૂહ સામે નિઃસહાયતા, જે કહો તે, ઉત્તર ગુજરાતના બે જેટલા ધારાસભ્ય ભાજપમાં જવા માટે થનગની રહ્યા છે. હાલ ભાજપના મોવડી મંડળ સાથે ભાજપમાં સામેલ થતા પહેલા વિસ્તૃત ચર્ચામાં રચ્યા પચ્યા છે. એવું પણ કહેવાય છે કે, વર્ષ ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ટીકીટ આપે તો કોંગ્રેસ છોડવા તેમણે મન મનાવી લીધું છે. રાજ્ય સભાની ચૂંટણીમાં કરોડો રૂપિયાની ઓફર અને અનેક લાલચને ઠોકર મારનાર અને અન્ય એક ધારાસભ્ય ભાજપનો હાથ પકડવા કેમ મજબુર બન્યા છે તેની ચર્ચાએ ઉત્તર ગુજરાતના કોંગ્રેસના રાજકારણમાં ખાસ્સી એવી ચર્ચા જગાવી છે.

(3/6) મોડાસા નગરપાલિકામાં નવા નગર સેવક 'સેવા' માટે કરે છે દોડાદોડી, ઉત્સાહ સતત રહેશે કે પછી...

મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને તેઓ સત્તાપક્ષમાં છે. સૌ પ્રથમ વખત AIMIMને ૯ બેઠકો મળી છે અને કોંગ્રેસ પાસેથી વિરોધપક્ષનું પદ પણ છીનવું લીધું છે. ત્યારે કોંગ્રેસ સહિતના ત્રણે પક્ષમાંથી નવા ચૂંટાયેલ નવા નગરસેવકો તેમના મત વિસ્તારમાં વિવિધ પડતર પ્રશ્નો ઝડપથી નિરાકરણ આવે તે માટે સતત દોડા દોડી કરી રહ્યા છે. ખાસ કરીને લઘુમતિ વિસ્તારમાં AIMIM અને કોંગ્રેસના કોર્પોરેટરો વધુ સક્રીય થયા છે. કહેવાય છે ને કે, નવી વહુ બહુ દોડે. આ નવા નગર સેવકો એવું તો નહીં કરે ને...?

(4/6) ડીજીપી એ કહ્યું, જાવ ભુજ જઈને જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરો

ગોંડલનો કુખ્યાત આરોપી નિખિલ પોલીસ જાપતામાંથી ભાગ્યા બાદ ગણતરીની કલાકોમાં જ ઝડપાઇ ગયો હતો. આ ઓપરેશન બોર્ડર રેન્જ અને રાજકોટ રેન્જ સયુંકત રીતે કરી રહ્યું હતું. એટલે જેવો નિખિલ નૈનિતાલથી પકડાયો કે ડીજીપી આશિષ ભાટિયાને રાજકોટથી ફોન આવી ગયો કે, સર, વી ડન ઇટ. થોડીવાર પછી ભુજથી પણ ડીજીપી ભાટિયાને ફોન ગયો કે, પોલીસે નિખિલને ઝડપી લીધો છે. અનુભવી ડીજીપી ભાટિયા પરિસ્થિતિ પામી ગયા અને રાજકોટને હુકમ કર્યો કે, ભુજ જઈને સાથે બેસી મીડિયાને માહિતી આપો. જેને પગલે કદાચ પ્રથમ વખત બે રેન્જના વડા અને એસપી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હશે.


 

 

 

 

 

(5/6) નિખિલ દોંગાની આડમાં સરકારનાં કયા બે મંત્રી ટકરાઈ રહ્યા છે...?

ગોંડલના કુખ્યાત નિખિલને દોંગાને ઝડપી લઈને ગુજરાત પોલીસે ભલે હાશકારો મેળવ્યો હોય પરંતુ ગાંધીનગરમાં બે મંત્રી વચ્ચે ટકરાવ શરૂ થઈ ગયો છે. ગોંડલના નિખિલને લોકલ પોલિટિકલ સપોર્ટ વિના આટલું આગળ વધવાની હિંમત ન મળે એ વાત જગજાહેર છે. અત્યાર સુધી નિખિલ માટે સોફ્ટ કોર્નર રાખવાવાળી પોલીસ અચાનક તેની સામે કડક થઇ જાય છે. આ વાત રાજકારણ અને પોલીસને નજીકથી જોનારને હજમ નથી થતી. વાત જાણે કે એમ છે કે, રાજ્ય સરકારનાં એક મંત્રીનાં ઓળખીતાની જમીનનાં વિવાદમાં અન્ય એક મંત્રી પગ મુકતા બીજા મંત્રી ખફા થઈ ગયા છે. અને બંને એકબીજાને ટાર્ગેટમાં લેવા માટે નિખિલને મહોરું બનાવી રહ્યા છે. જોઈએ હવે, આ લડાઈમાં કોની જીત થાય છે. જીત જેની પણ થાય પરંતુ નિખિલ બલીનો બકરો બની જશે એ ચોક્કસ છે.

(6/6) મંત્રી આહીર અને MLA આચાર્યની વર્ચસ્વની લડાઈમાં કાર્યકર કયાંથી આવ્યો

છેલ્લા ઘણા સમયથી ભુજનાં ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યનું ભાજપમાં બરાબર ચાલતું નથી. તેવી જ રીતે રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહીર પણ કોઈકને કોઈક વિવાદથી ચર્ચામાં રહે છે. આ બંને પણ ભુજ અને અંજાર ક્ષેત્રના કામો, ખાસ કરીને નર્મદાને મામલે જાણે અજાણે આમને સામને આવી જાય છે. કચ્છમાં દુધઈ નર્મદા લાઈનને લઈને રાજ્યકક્ષાનાં મંત્રી વાસણ આહિર દ્વારા ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પત્ર લખવામાં આવ્યો ત્યારે સોસીયલ મીડિયામાં ચર્ચા ચાલી કે, નીમાબેન આવી હિંમત કરી શકે છે. સ્વાભાવિક છે આવું કહેવાનારા કોંગ્રેસનાં નહીં પરંતુ ભાજપનાં જ બંને નેતાનાં ટેકેદારો હતા. ત્યારબાદ આશ્ચર્યજનક રીતે ગાંધીનગરમાં જયારે નર્મદાને લઈને રજૂઆત કરવામાં આવી ત્યારે ધારાસભ્ય બહેન અને મંત્રી સાથે હતા. જે કોઈને મગજમાં ન બેસે તેવી વાત હતી. તપાસ કરતા ખબર પડી કે, નર્મદાનું કામ કરતી કંપની માટે કચ્છમાં જે દોડાદોડ કરે છે તેવા એક ભાજપનાં કાર્યકર જયમલ રબારીએ બંનેને ભેગા કરાવ્યા હતા. હવે જોઈએ કયાં સુધી તેમનો આ સંપ ચાલે છે

ઈનપુટ (જય અમિન- અરવલ્લી, જયેશ શાહ- કચ્છ)