ઓફ ધ રેકોર્ડ (મેરાન્યૂઝ.ગુજરાત):

(1/10) ગુજરાત સરકાર IPS વિકાસની 'સહાય' લેશે..?

એસીબીનાં વડા એવા સિનિયર આઇપીએસ કેશવકુમાર નિવૃત્ત થયા ત્યારે અટકળો એવી હતી કે, કદાચ ચાર્જ ડીજીપી આશિષ ભાટિયાને આપશે. પરંતુ એવું ન થયું. ચાર્જ મળ્યો અમદાવાદનાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને. અતિ વ્યસ્ત અને મહત્વપૂર્ણ પોસ્ટ હોવા છતાં સંજય શ્રીવાસ્તવને ચાર્જ આપવા પાછળ સરકારની ચોક્કસ ગણતરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે, ડીજીપી રેંકના સિનિયર IPS વિકાસ સહાય રજા ઉપરથી પાછા ફરી રહ્યા છે. લાંબા સમયથી તેઓ ફિલ્ડ ડ્યુટીથી દૂર રહ્યા છે. ડિજીપીનું પ્રમોશન પછી પણ તેમને તાલીમ જેવા વિભાગમાં રાખવામાં આવ્યા હતા. પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ તરીકે એમની કામગીરી પણ બિન-વિવાદાસ્પદ રહી છે. ચહેરા બદલીને સરકાર કામ કરી રહી છે એ અખતરા ઘણી વખત થઈ ચૂક્યા છે તેવામાં, વિકાસ સહાયને એસીબીનાં વડા તરીકે પોસ્ટિંગ આપી શકે છે. પરંતુ વિકાસ સહાયની કામ કરવાની સ્ટાઈલથી સરકાર વાકેફ છે. એટલે જોખમ લે તેવું લાગતું નથી. આવામાં સંજય શ્રીવાસ્તવને લાંચ રૂશ્વત બ્યુરોનો ચાર્જ આપીને સરકાર અત્યારથી અમદાવાદના નવા કમિશનરની ભૂમિકા તૈયાર કરી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અને આમ પણ અમદાવાદનાં લોકોને કડક અને પ્રામાણિક અધિકારી વધુ ગમે છે. તેવામાં સરકાર આઇપીએસ વિકાસની અમદાવાદના 'કિંગ' તરીકે 'સહાય' લે તો નવાઈ નહીં.


 

 

 

 

 

(2/10) ઓક્સિજનના 'સુપ્રીમ' વિવાદને લીધે ગુજરાત આવતું શીપ કર્ણાટક જતું રહ્યું..?

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ઓક્સિજનનો માંગ્યા મુજબનો જથ્થો મળતો નથી તેવું સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે સોગંધનામું કરવાને પગલે વિવાદ થયો છે તેવામાં ગુજરાતમાં એક ઘટના બની ગઈ. બન્યું એવું કે ગલ્ફનાં દેશ દોહા અને કુવૈતથી એક શીપ ઓક્સિજનનો જથ્થો લઈને ગુજરાતના મુન્દ્રા પોર્ટ ઉપર આવવાનું હતું. બધુ ગોઠવાઈ ગયું હતું. ઇન્ડિયન નેવીના વેસ્ટર્ન કમાન્ડના ફ્લેગ ઓફિસર એવા રીઅર એડમિરલ અજય કોચર રવિવારે સવારે કોલકાતા નામનાં આ નેવલ શિપને આવકારવાના પણ હતા. ત્યાં અચાનક ગણતરીના કલાકોમાં જ કાર્યક્રમ કેન્સલ થઈ ગયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. અને બીજા દિવસે સોમવારે આ શીપ પહોંચી ગયું કર્ણાટકનાં ન્યૂ મેનગ્લોર પોર્ટ ખાતે. સરકારનાં બચાવનામાની વચ્ચે શીપ શિફ્ટ થઈ ગયું, કાંઈ ગરબડ નથી લાગતી...?!

(3/10) બેચમેટ હોય એટલે આટલો ફાયદો થાય, વાત છે જયંતિ રવિ અને જયપ્રકાશ ગુપ્તાની

કોરોનાના કહેર વચ્ચે કચ્છનાં સિવિલ સર્જનની ટૂંક સમયમાં ત્રણ ત્રણ બદલીએ લોકોની આંખો પહોળી કરી દીધી હતી. છેવટે જૈસે થે ની જેમ ડોક્ટર ભુજમાં જ સ્ટેબલ થઈ ગયા છે. આ આખીયે ઘટના પાછળ રાજ્યનાં બે સિનિયર IASની ભૂમિકા હોવાનું કહેવાય છે. 1991ની બેચના IAS જયંતિ રવિના વિભાગે ડૉક્ટરની ટ્રાન્સફર મોરબી કરી હતી અને ત્યારબાદ મોરબીથી અમદાવાદની GMDC હોસ્પિટલમાં. દરમિયાન કચ્છનાં પ્રભારી સચિવ જે.પી.ગુપ્તાએ ડોક્ટરને અમદાવાદ જતા રોકીને પોતે જ ઓર્ડર કરી દીધો કે, સિવિલ સર્જન ભુજમાં જ રહેશે. જયપ્રકાશ ગુપ્તા પણ જયંતિ રવિની 1991 બેચના અધિકારી છે. આ સિવાય રવિ પહેલા તેઓ આરોગ્યમાં જ હતા. એટલે એમને ખબર છે કે, કોનો ઓર્ડર કયારે થાય અને જયારે કેન્સલ કરી શકાય. અને એમાંય બેચમેટ હોય પછી શું પ્રોબ્લેમ થાય...?

(4/10)માપણીશીટનો વિવાદ અને કચ્છનાં બે પૂર્વ કલેકટર

જમીન વિવાદને પગલે પૂર્વ IPS કુલદીપ શર્માના નાના ભાઈ એવા કચ્છનાં પૂર્વ કલેક્ટર જેલમાં છે. ત્યારે જમીન ફાળવણી અને માપણીશીટનાં વિવાદમાં કચ્છમાં કામ કરી ચૂકેલા બે પૂર્વ કલેકટરના નામથી મહેસુલ વિભાગમાં તેના પડઘા પડ્યા છે. ભુજનાં મુન્દ્રા રોડ ઉપર કિંમતી જમીનની માપણીશીટ નથી તેવામાં તત્કાલીન કલેક્ટર એમ.થેંનારસને તેની ફાળવણી કરી દીધો હોવાનો એક ફરિયાદમાં આક્ષેપ થયો છે. તેવી જ રીતે માંડવીના મસ્કા પાસેની ફોરેસ્ટની 22 એકર રક્ષિત જમીનમાં માપણીશીટ જ ફરી ગઈ છે. અને આ વિવાદમાં તત્કાલીન કલેક્ટર મહેન્દ્ર એસ. પટેલનું નામ ઉછળ્યું છે. આ એ જ પટેલ છે જેમની ઉપર ગુજરાતનાં મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં ચાર હાથ હતા. એટલે જયારે તેઓ સુરતમાં હતા ત્યારે આઈએએસમાંથી રાજીનામુ આપી ઉત્તર ગુજરાતમાં ધારાસભ્ય તરીકેની ટીકીટ આપવાની ચર્ચાઓ ચાલી હતી. પરંતુ બહેન અને અમિત શાહનાં સમીકરણને પગલે અંતિમ ઘડીએ મહેન્દ્ર પટેલની ટીકીટ કપાઈ હતી. ત્યારબાદ સી.આર.પાટીલ ગુજરાત ભાજપનાં અધ્યક્ષ તરીકે આવતા સુરતનાં કનેક્શનને લીધે એમ.એસ.પટેલને ગુજરાત ભાજપમાં મહત્વપૂર્ણ સ્થાન મળ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે, કચ્છનાં આ જમીન વિવાદ અને લાલા નામનાં લાલચું બિલ્ડરની ગેમમાં આ બંનેનું શુ થાય છે. બાય ધ વે મહેન્દ્ર પટેલને પાટીલે કચ્છનાં ઇન્ચાર્જ તરીકે કચ્છમાં જ મુક્યા છે.


 

 

 

 

 

(5/10) શંકરસિંહ બાપુએ જેનો પ્રચાર કરેલો તેને એટીએસ ઉઠાવી ગઈ

પોલીસની જેમ રાજકારણ માટે પણ એવું કહેવાય છે કે એમની દોસ્તી પણ ન સારી અને દુશ્મની પણ. આવો અનુભવ કચ્છનાં એક કુખ્યાત આરોપીને થયો છે. વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન કચ્છની અબડાસા સીટના અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા હનીફ પઢીયાર નામનાં શખ્સને રાજસ્થાન એટીએસની ટીમ ઉઠાવી ગઈ છે. ચૂંટણી દરમિયાન શંકરસિંહ વાઘેલા 'બાપુ'એ હનીફનો પ્રચાર કરવા માટે કચ્છ આવ્યા હતા. હનીફ અને બાપુની મદદથી ભાજપ આ બેઠક ઉપર જંગી બહુમતીથી ઐતિહાસિક જીત મેળવી હતી. જો કે ત્યારબાદ હનીફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ તરફે કામ કર્યું હતું. આવું કરવા પાછળ કોંગ્રેસ તેને માફ કરી દેશે અને રાજસ્થાન ATSની ચુંગાલમાંથી બચી જશે તેવી ગણતરી હતી. પરંતુ હંમેશા ક્રિમિનલ અને આરોપીઓની તરફેણમાં આવી જતા કોંગ્રેસનાં જ એક ટોપીબાજ નેતાની વાતમાં આવીને હનીફ પહેલા કોંગ્રેસ અને પછી ભાજપ સાથે પંજો લડાવતા તેની હાલત 'ઘરનાં ન ઘાટના'જેવો તાલ થયો છે. અને બાપુનું ખરાબ લાગ્યું એ અલગથી.

(6/10) સોસીયલ મીડિયા પ્રેમી અધિકારીઓ-નેતાઓને ઝાટકતા લોકો

પોતે કામ કરી રહ્યા છે તે બતાવવા માટે આજકાલ અધિકારીઓ અને સત્તાપક્ષ નેતાઓ સોસીયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. પરંતુ લોકો એટલા ત્રસ્ત અને કંટાળી ગયા છે કે, જેવું આ લોકો ટ્વીટ કરે કે તરત જ સામે પ્રશ્નો પૂછે છે અને કટાક્ષ કરે છે. કચ્છનાં ડીડીઓ જેવા રસી લેવા માટે કે ખાલી બેડ અંગે ટ્વીટ કરે ત્યારે રસી નથી મળતી એવી બૂમ ટ્વીટમાં કરે છે. ગ્રાઉન્ડ રિયાલિટી અને કાગળ ઉપરનાં આયોજનો વચ્ચે આસમાન જમીનનાં ફરકને લીધે સાંસદ હોય કે આઈએએસ અધિકારી, જબરજસ્ત અપમાનનો સામનો કરી રહ્યા છે. જે સોસીયલ મીડિયાની મદદ થકી ભાજપ સત્તા સુધી પહોંચ્યો છે તે જ પ્લેટફોર્મ તેમના માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે.

(7/10) RERA કરતા પણ કચ્છમાં સારી કમાણી કરતા અધિકારી

ગાંધીનગરમાં ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)માં નોકરી કરી ચૂકેલા ગેસ કેડરના એક અધિકારીને કચ્છ ફાવી ગયું છે. રંગીન મંત્રીને રવાડે ચઢીને આ ઓફિસરને રેરા કરતા પણ કચ્છમાં વધુ કમાણી થતી હોવાને કારણે અધિકારી તરીકે નહીં પરંતુ મંત્રીનાં કાર્યાલય સહાયક જેવી ફરજ બજાવે છે. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં પણ તેમના નામજોગ અરજી થાય છે પરંતુ મંત્રીનાં આશીર્વાદને લીધે હજુ સુધી તેમની ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી.

(8/10) કોરોનાને લડત આપી કચ્છનાં કલેક્ટરે ચાર્જ સંભાળ્યો

કોરોનાની મહામારીથી સમાજનો કોઈ તબકો બાકી રહ્યો નથી ત્યારે કચ્છનાં કલેક્ટર પ્રવીણા ડી.કે.પણ પોઝીટીવ આવ્યા હતા. જેને લીધે તેઓ હોમ કોરોન્ટાઇન થઈ ગયા હતા. અને તેમનો ચાર્જ ડીડીઓ ભવ્ય વર્માને આપવામાં આવ્યો હતો. હોમ કોરોન્ટાઇનનો પિરિયડ પૂરો થઈ જતા આઈએએસ પ્રવીણા ડી.કે. દ્વારા કચ્છ કલેક્ટરનો ચાર્જ સાંભળી લેવામાં આવતા ડીડીઓ વર્માને વધારાનાં ચાર્જમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.


 

 

 

 

 

(9/10) જિલ્લા પંચાયત પ્રમુખનો વધુ એક ભાંગરો, સરકારમાં છીએ એટલે બોલી શકતા નથી

કચ્છ જિલ્લા પંચાયતનાં મહિલા પ્રમુખનાં સ્મશાનવાળી કૉમેન્ટના વિવાદ બાદ વધુ એક વિવાદમાં સપડાયા છે. આ બહેન એક કોલમાં આવી ગયા છે. જેમાં એક ભાઈ કોરોનાની રસી અંગે મદદ માંગે છે. કોરોનામાં સહાય માટે લોકો જનપ્રતિનિધિઓને ફોન કરે છે. મદદ માંગવાની સાથે આક્રોશ પણ ઠાલવે છે. તેવામાં આ ભાઈએ પણ ફરિયાદ કરતા જિલ્લા પંચાયતનાં પ્રમુખ પારૂલ કારા બોલી ઉઠ્યા હતા કે, સરકારમાં છીએ એટલે વિરોધમાં બોલી શકતા નથી. પારુલબહેનને કદાચ ગુજરાત સરકારનાં પૂર્વ મંત્રી એવા કચ્છ ભાજપનાં મોભી તારાચંદ છેડા યાદ નથી લાગતા. છેડા ધારાસભ્ય અને મંત્રી હોવા છતાં મામલતદાર કચેરીએ ધરણા ઉપર ઉતરતા હતા.

(10/10) અધકચરા લોડાઉને બની બેઠેલા વેપારી સંગઠનોની પોલ ખોલી

અધકચરા લોકડાઉનને પગલે સમગ્ર રાજ્યમાં વેપારી આલમમાં રોષ છે. સુરતની જેમ કચ્છનાં ભુજ અને ગાંધીધામમાં પણ વેપારીઓ પરેશાન છે. ભુજ અને ગાંધીધામમાં વેપારી સંગઠનના બની બેઠેલા સ્થાપિત હિત ધરાવતા લોકો અધિકારીઓ અને નેતાઓ વચ્ચે બેસીને તેઓ જ વેપારી આલમના સાચા હામી હોવાનો ડોળ કરીને માધ્યમોમાં ચમકતા હતા. પરંતુ અધકચરા લોકડાઉનને પગલે આર્થિક નુકશાન વેઠી રહેલા વેપારીઓએ જાતે જ સંગઠન રચી તેમની રજૂઆતો કરતા પોતાની રીતે બની બેઠેલા ચેમ્બર અને મંડળોના પ્રમુખોની પોલ પાધરી પડી ગઈ છે.

ઇનપુટ : જયેશ શાહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.