બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): જગન્નાથ પુરીના મંદીરથી વધુ જાણીતા ઓરિસ્સા રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયક મુખ્યમંત્રી પદના સળંગ વીસ વર્ષ આજે પાંચમી માર્ચે પુરા કરી રહ્યા છે. પાંચમી માર્ચ 2000ના દિવસે તેમણે મુખ્યમંત્રી પદના પહેલીવાર શપથ ગ્રહણ કર્યા ત્યારે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તેમની શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી પદ સંભાળતા અગાઉ નવીન પટનાયક વાજપેયી પ્રધાનમંડળમાં ખાણ-ખનીજ ખાતાના કેન્દ્રિય મંત્રી હતા. એ પદ છોડીને રાજ્યના રાજકારણમાં દાખલ થયેલા નવીન પટનાયકની મુખ્યમંત્રીના હોદ્દા પર આજે 2020માં પાંચમી મુદત ચાલી રહી છે અને આજથી એકવીસમું વર્ષ શરૂ થશે.

નવીન પટનાયકના પિતા બીજુ પટનાયક પણ બે મુદત માટે ઓરિસ્સાના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. જે તે સમયે જનતા દળનું પ્રતિનિધિત્વ કરતા હતા. એપ્રિલ 1997માં અવસાન પામ્યા ત્યારે તેઓ ઓરિસ્સાની અસ્કા લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા લોકસભાના સભ્ય હતા. પિતાના અવસાનને કારણે ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણીમાં નવીન પટનાયક ચૂંટાઈ આવ્યા. કેન્દ્ર સરકારમાં જોડાયા પરંતુ જનતા દળ નામનો પક્ષ વેરવિખેર થઈ રહ્યો હતો. રાજ્યના રાજકારણમાં દાખલ થવા માગતા તેઓએ પિતાની યાદમાં બીજુ જનતા દળ નામના આગવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. આ પક્ષ પ્રાદેશિક સ્તરનો રાજકીય પક્ષ છે અને ઓરિસ્સા સિવાય અન્ય કોઈ રાજ્યમાં તેની નોંધપાત્ર હાજરી નથી.

નવીન પટનાયક અને તેમનો પક્ષ બીજુ જનતા દળ વર્ષ 2000 અને 2004ની વિધાનસભા ચૂંટણી ભારતીય જનતા પક્ષ સાથે મળીને લડ્યો કેમ કે તે એનડીએ (નેશનલ ડેમોક્રેટીક અલાયન્સ)નો સહયોગી પક્ષ હતો. એ પછી એનડીએમાંથી છૂટા થયા. ત્રીજા મોરચા સાથે જોડાયા પરંતુ રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડવામાં સ્વતંત્ર રહ્યા. 2009, 2014 અને 2019ની ચૂંટણીઓમાં બીજુ જનતા દળે સ્વતંત્રપણે સફળતા મેળવી છે. 2020માં થઈ રહ્યા છે એવા કોમી વૈમનસ્ય વાળા રમખાણો 2007માં ઓરિસ્સાના કંધમાલમાં થયા એ પછી નવીન પટનાયકના પક્ષે એનડીએ – ભાજપથી અંતર રાખવાનું શરૂ કર્યું જે આજ સુધી ચાલુ છે. અને એમ કરવાથી ઓરિસ્સાનો વિકાસ પણ ચાલુ રહ્યો છે.

રાજ્યમાં હાલ પાંચમી મુદત માટે શાસન કરી રહેલો બીજુ જનતા દળ લોકસભામાં ઓરિસ્સાની 21 બેઠકોમાંથી બાર બેઠકો પર તેના પક્ષનું પ્રતિનિધિત્વ ધરાવે છે. એપ્રિલ-મે 2019માં સત્તરમી લોકસભા ચૂંટણી સાથે જ યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપે તેમની સાથે ચૂંટણી સમજૂતિ કરવાની દરખાસ્ત કરી હતી જે પક્ષ દ્વારા નકારવામાં આવી હતી.

નવીન પટનાયકના માતા ગ્યાનકૌર પંજાબી હતા. એ નાતે નવીન પટનાયકની માતૃભાષા પંજાબી ગણાવી જોઇએ પરંતુ તેમને તેમના રાજ્યની સત્તાવાર એવી ઓરિયા ભાષા પણ આવડતી નથી. તેનું કારણ એ છે કે તેમના પાઇલટ પિતાએ રાજકારણમાં પ્રવેશતા અગાઉ રોયલ ઇન્ડિયન એર ફોર્સમાં સેવાઓ આપી હતી. ઇન્ડોનેશિયાની સ્વતંત્રતા લડતમાં મહત્વની ભૂમિકા ભજવતા બીજુ પટનાયકે પુત્ર નવીનને દહેરાદૂનની પ્રસિધ્ધ દૂન સ્કૂલ તેમજ દિલ્હી યુનિવર્સિટીની કૉલેજમાં શિક્ષણ અપાવ્યું હતું. આમ તેઓ પોતાના ગૃહ રાજ્યની ઓરિયા ભાષા શીખવાથી દૂર જ રહ્યા. ભારતના તેઓ એકમાત્ર મુખ્યમંત્રી છે જેઓ પોતાના રાજ્યની સત્તાવાર ભાષા બોલી, લખી, વાંચી કે સમજી શકતા નથી. તેઓ ઓરિયા ભાષામાં ભાષણ અંગ્રેજી લિપિ વાંચીને આપે છે. આ મુદ્દે ટીકાકારોની ટીકાનો ભોગ બનતા નવીન હિન્દી, ફ્રેન્ચ, અંગ્રેજી અને પંજાબી ભાષા જાણે છે.

147 બેઠકોની સોળમી ઓરિસ્સા વિધાનસભામાં 112 બેઠકોની બહુમતી ધરાવતા નવીન પટનાયક પોતે બીજેપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય લેખે લોક પ્રતિનિધિત્વ કરે છે. બારમી ઓરિસ્સા વિધાનસભા, વર્ષ 2000થી શાસન ધરાવતો તેમનો પક્ષ હજી મે 2024 સુધી સત્તામાં રહેશે. આ સમયગાળામાં નવીન પટનાયકને ક્યારેક સંગઠીત થયેલા વિરોધપક્ષોએ વડાપ્રધાન પદના ઉમેદવાર લેખે આગળ કરવાની કોશિશ કરી જોઈ હતી. પરંતુ પોતાનું રાજકીય કદ સુપેરે જાણતા નવીન પટનાયકે એ સમયે બિહારના નીતિશ કુમારનું નામ આગળ કર્યું હતું.

ત્રણ દિવસ પછી આઠમી માર્ચે દેશ – દુનિયા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરશે. મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈ વિધાનસભા અને દેશની સંસદમાં તેત્રીસ ટકા અનામત મળવી જોઇએ એ પ્રસ્તાવને આગળ કરવામાં અપરિણીત રહેલા નવીન પટનાયકનું નામ મોખરે છે. આ પ્રકારની આગેવાની લેવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

પોતાના રાજ્યમાં કોમી વૈમનસ્યના કારણે હિંસાનો ભોગ બની બે પુત્રો સાથે મૃત્યુને વરેલા પાદરી ગ્રેહામ સ્ટેઇન્સના પત્ની ગ્લેડી સ્ટેઇન્સને ફોન કરી સાંત્વના આપવાનું ન ચુકનાર નવીન પટનાયક તેમને ફરી ઓરિસ્સામાં આવી પોતાનું મનગમતું કામ કરવાની જાહેર દરખાસ્ત કરી ચૂક્યા છે. વહીવટીતંત્ર પર મજબૂત પકડ ધરાવતા તેઓ ઓરિસ્સાની શાંતિ કોઈ પ્રકારે ન ડહોળાય તેની જાત દેખરેખ રાખે છે. એટલે સુધી કે પુરીના જગન્નાથ મંદીરની દર્શન મુલાકાતે પત્ની સવિતા કોવિન્દ સાથે પધારેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ સાથે મંદીરના પુજારીઓ ગેરવર્તન કરી બેઠા. રાષ્ટ્રપતિને મંદીરના ચોક્કસ વિસ્તારમાં જવા ન દેવાયા અથવા તો મુલાકાત અટકાવી રાખી.

સ્થાનિક કલેક્ટર સમક્ષ આ મુદ્દે નારાજગી પ્રકટ કરી ચૂકેલા રામનાથ કોવિન્દે એક સમયે રાજ્યના ગવર્નરનો ફોન સંદેશો પણ ન ઝીલ્યો. આ બાબત – મુદ્દો નવીન પટનાયકના ધ્યાનમાં આવતા તેઓએ વહીવટીતંત્ર વતી માફી માગતો પોતાનો ઓડિયો સંદેશો તેમજ માફી માગતો પત્ર પોતાના હસ્તાક્ષરમાં રાષ્ટ્રપતિ મહોદયને મોકલી આપ્યો. કહેવાની – જણાવવાની ભાગ્યે જ જરૂર છે કે પછી પેલા પૂજારીઓનું શું થયું. તગેડી જ મુક્યા હોયને. કેમ કે પુરી મંદીરના પુજારીઓ રાજ્ય સરકારના કર્મચારી છે. અને રાજ્ય સરકારના કર્મચારી પાસેથી કેમ કામ લેવું એ નવીન પટનાયક સારી રીતે જાણે છે.

નવીન પટનાયક અગાઉ ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ વીસ વર્ષ ઉપરાંત મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. એક પશ્ચિમ બંગાળના જ્યોતિ બસુ જેઓ જૂન 1977થી નવેમ્બર 2000 એમ તેવીસ વર્ષ માટે પદ પર હતા. બીજા તે સિક્કીમ રાજ્યના મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ જેઓ ડિસેમ્બર 1994થી મે 2019 એમ સાડા ચોવીસ વર્ષ માટે રાજ્યના મુખ્યમંત્રીના પદ પર હતા. ત્રીજા તે ત્રિપુરાના માણિક સરકાર જેઓ માર્ચ 1998થી માર્ચ 2018 એમ વીસ વર્ષ મુખ્યમંત્રી પદ પર રહ્યા. એ ક્રમમાં નવીન પટનાયકનું નામ આજથી ચોથા ક્રમાંકે મુકાશે.