મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કર્ણાટકના આઈએએસ અધિકારી મહોમ્મદ મોહસિનને કથિત રીતે નરેન્દ્ર મોદીના કાફલાની તપાસ કરવાના પ્રયાસમાં સસ્પેન્ડ કરી દીધા છે. મંગળવારે મોદી ઓરીસ્સાથી સંબલપુર ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. દરમિયાન કર્ણાટકના આ અધિકારી ત્યાં જનરલ ઓબ્ઝર્વર તરીકે ફરજ પર હતા. તેમણે નરેન્દ્ર મોદીના કાફલાની તપાસ કરવાનો પ્રયાસ કરતાં પીએમઓએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી જે બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

મોહમ્મદ મોહસિન પટનાના રહેવાસી છે અને કર્ણાટક સરકારમાં સચિવ(સોશયલ વેલફેર વિભાગ)છે. તે કર્ણાટક કેડરથી IAS છે. તેમને પટના યુનિવર્સિટીથી એમકોમનો અભ્યાસ કર્યો છે અને વર્ષ 1994માં તેઓ UPSCનો અભ્યાસ કરવા માટે દિલ્હી આવ્યા હતા. પહેલા પ્રયાસમાં તેઓ UPSC માટે નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ તેમને ફરી તૈયારી કરી જેમાં તેઓ સફળ રહ્યા હતા. શરૂઆતમાં મોહસિન ગ્રામીણ વિકાસ વિભાગમાં ડેપ્યૂટી કમિશનર અને જિલ્લા પંચાયતમાં કામ કરી ચુક્યા છે. મોહસિને ઉર્દૂ સ્ટડીઝ સાથે પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. 

ચૂંટણી પંચે તેમને ફરજ દરમિયાન બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્શન ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, અધિકારીએ એસપીજી સુરક્ષા પ્રાપ્ત હોય તેવા વ્યક્તિઓ માટે બનેલા નિર્દેશોનું પાલન નથી કર્યું. હકીકતમાં પીએમ મોદી સંબલપુરમાં એક ચૂંટણી રેલીમાં ગયા હતા. આ દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓએ તેમના હેલિકોપ્ટરની તપાસ કરી હતી.