મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: પરિણીત પ્રેમિકાને પામવા માટે પ્રેમમાં આડખીલીરૂપ બનેલા પ્રેમિકાના પતિ પર ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કરનારાને એસઓજીની ટીમે પકડી પાડ્યો છે. જેણે એક વર્ષ અગાઉ ઓરિસામાં જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યાર બાદ તે સુરત આવી પહોંચ્યો હતો.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમે બાતમીના આધારે કાદરશાની નાળ, નાનપુરા પાસેથી માનસરંજન આદિકાંધ પ્રધાન (ઉ.વ.૨૬, રહેઃ ર્કાતિકનગર, પ્રિયંકા ચોકડી પાસે, ભેસ્તાન. મૂળ રહેઃ પાલાકાટુ, ગંજામ, ઓરિસા)ને પકડી પાડ્યો હતો.

પોલીસની પૂછપરછમાં આ યુવાને કરેલી કબૂલાત મુજબ તેને તેના વતનમાં એક પરિણીતા સાથે પ્રેમ થઈ ગયો હતો. જેના કારણે પ્રેમિકાનો પતિ તેને ત્રાસ આપતો હતો. જેથી પ્રેમિકાએ કહ્યું તે પ્રમાણે આરોપીએ એક વર્ષ પહેલા એટલે કે તા. ૨૨-૧૨-૨૦૧૯ના રોજ રાત્રે પ્રેમિકાના ઘરમાં ઘૂસી જઈ પ્રેમિકાના પતિ શિવરામ પ્રધાન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ગુનો કર્યા બાદ પોલીસથી બચવા આરોપી સુરત આવી ગયો હતો. જેને પકડી પાડવામાં પોલીસને સફળતા સાંપડી છે. આ ગુના અંગે ઓરિસાના ગંજામ જિલ્લાના કબીસૂર્યનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હોવાથી સુરત પોલીસે કબીસૂર્યનગર પોલીસને આરોપીનો કબજો સોંપી દીધો હતો.