રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): યુવાનો કોલેજ પૂરી કરે છે પણ જોબ મળતી નથી. બેરોજગારી ખૂબ છે. આર્થિક મંદી ચરમ સીમાએ પહોંચી છે. ઊંચી શિક્ષણ ફી ભરીને અભ્યાસ કરતા યુવાનો જ્યારે બેકાર રહે ત્યારે પરિવારની આશાઓ ઉપર પાણી ફરી વળે છે. સરકારી નોકરી મેળવવા માટે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે. સરકારને ફીની આવક કરોડોની થાય છે. સરકારી જગ્યાઓ મર્યાદિત છે અને નોકરી ઈચ્છતા લાખો યુવાનો છે. સ્પર્ધા તીવ્ર છે. આ સંજોગોમાં જોબ મેળવવી તે અતિ મુશ્કેલ છે.

હે યુવાનો ! એવી કઈ બાબતો છે જે જોબ માટે ધ્યાને લેવી જોઈએ? [1] વાંચન દ્રષ્ટિ ખોલી નાખે છે. વાંચન મૂલવણી/પૃથક્કરણની શક્તિ પ્રગટાવે છે. વાંચનના કારણે માનસિક વિકાસ શક્ય બને છે. [2] વિચારભાથું બાંધો. નિરીક્ષક/ભૂમિપુત્ર/અર્થાત્ જેવા વિચારપત્રો વાંચવાની ટેવ પાડો. સફારી મેગેઝિન વાંચો. ધાર્મિક મેગેઝિન કે પુસ્તકો રુઢિવાદી ખ્યાલો મજબૂત કરે છે; એનાથી દૂર રહો. જ્ઞાનની આવશ્યકતા છે; આધ્યાત્મિકતાની નહી. શ્વાસ લેવા માટે રોટી/કપડા/મકાનની જરુર છે; તે સમજો. [3] આઝાદીની ચળવળ/સત્યાગ્રહો વિશે જાણો. અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ અને સરદાર મેમોરિયલની મુલાકાત લઈને દરેક ઘટનાઓ વિશે જાણો. 1000 પેઈજનું પુસ્તક વાંચવા કરતા આ મુલાકાત વધુ સમજ રોપશે. રાજકીય/સામાજિક/આર્થિક સેમિનાર એટેન્ડ કરો; સાંભળો, ઘણું શીખવા મળશે. [4] BBCની ડોક્યુમેન્ટરી જૂઓ. ગાંધી/સરદાર/આંબેડકર/જ્યોતિરાવ ફૂલે/નહેરુ અંગેની ફિલ્મ જૂઓ. [5] દ્રઢ નિર્ધાર કરો. સખ્ત મહેનત પરિણામ આપે છે. યાદ રહે મોટિવેશનલ કોર્સ કરવાથી કે પ્રવચનો સાંભળવાથી મનોરંજન મળે; પરંતુ તે ઉપયોગી ન થાય. લક્ષપ્રાપ્તિ માટે આયોજન અને અમલીકરણ જોઈએ. [6] Clarity બહુ જરુરી છે. આ ક્લેરિટી આપે કોણ? ‘જીવનવિદ્યા’ શિબિર આપે. આ શિબિરની કોઈ ફી હોતી નથી. જીવન એટલે શું? સુખ એટલે શું? સુખ સાધનોમાંથી મળે? સુંદરતા/શરીર/પૈસા/પદ ઉપર સુખનો આધાર છે? માણસ બનાવવાનું શિક્ષણ કેમ નહીં? વગેરે પ્રશ્નો સમજવા પડે.[7] શિક્ષણ ચમત્કાર કરે છે. ગાંધીજી/આંબેડકર/સરદાર/નહેરુએ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. આ મહાનુભાવો અભણ હોત તો? કોને ખબર શિક્ષણના અભાવે ભારતમાં કેટલાંય ગાંધીજી/આંબેડકર/સરદાર/નહેરુ આપણે ગુમાવતા હોઈશું ! દેખાદેખી વાળું શિક્ષણ ન લો. શિક્ષણ એને કહેવાય કે એક સ્કૂલ/કોલેજ ખૂલે; તો એક જેલ બંધ થાય ! દેખાદેખીવાળું શિક્ષણ એવું છે કે એક સ્કૂલ ખૂલે; તો એક જેલ ઊભી કરવી પડે છે !  

હે યુવાનો ! તમે નક્કી કરો : ‘ફૂટબોલ‘ થવું છે કે ‘ફૂટબોલર’ થવું છે? બધા કિક મારતા જાય એવું ઈચ્છો છો? કદાચ, તમને સરકારી નોકરી ન મળે; પરંતુ તમે જવાબદાર નાગરિક તો બનશો જ અને સ્વરોજગારનો રસ્તો ઉત્તમ રીતે ડંકારશો; એની ખાતરી છે !