ગુજરાતમાં કોરોનાના કહેરમાં દર્દીઓની મદદે વિદેશમાં વસતા ગુજરાતીઓ આવ્યા છે. અમેરિકા સ્થિત પાંચ ગામ લેઉવા પાટીદાર સંગઠન દ્વારા પાટણ તાલુકાના બાલિસણા, સંડેર, મણુંદ તેમજ વિસનગર તાલુકાના ભાન્ડુ અને વાલમ ગામ માટે અમેરિકાથી 40 લાખની કિંમતના 110 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન ખરીદી આગામી શનિવાર સુધીમાં ભારત મોકલશે. 

દેશ અને ગુજરાતમાં જ્યાં એક તરફ કોરોનાના દર્દીઓ દવા અને ઓક્સિજનની અછતની મોતને ભેટી રહ્યા છે ત્યારે આવા કપરા સમયમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ વતનની મદદે આવ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હાલ સૌથી વધુ અછતા ઓક્સિજનની છે. જેની આપૂર્તિ માટે એનઆરઆઇ મદદ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીનની કિંમત 450થી 500 અમેરિકન ડોલર છે. ત્યારે આવા મોંઘા 110 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન અમેરિકા સ્થિત પાંચ ગામ લેઉવા પાટીદાર સંગઠન દ્વારા ખરીદવામાં આવ્યા છે અને શનિવાર સુધીમાં જથ્થો ભારત આવી જશે. 

આ મશીનો પૈકી પાટણ તાલુકાના બાલિસણામાં 25, મણુંદમાં 17, સંડેરમાં 17, વિસનગરના વાલમ ગામમાં 25 અને ભાન્ડુમાં 17 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન લગાવવામાં આવશે. જ્યારે નવ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન રિઝર્વ રાખવામાં આવશે જેથી તેને જ્યા ઇમરજન્સી જણાય ત્યાં ઉપયોગમાં લઇ શકાય. 

અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન પોતે જ હવામાંથી ઓક્સિજન બનાવતું હોવાથી આ મશીન લગાવતા જ દર્દીને સીધો ઓક્સિજન મળતો થઇ જશે. તેથી ઓક્સિજનના બાટલા ભરાવવાની ઝંઝટમાંથી જ મુક્તિ મળી જશે. સ્થાનિકો દ્વારા બાલિસણા અને મણુંદમાં કોરોના કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. જ્યાં વિદેશથી આવનારા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન લગાવવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.