મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ એટીએમમાંથી રોકડ રકમ કાઢવાની મર્યાદા તહેવારોના સમયમાં જ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. એસબીઆઈના  ગ્રાહકો હવેથી એક દિવસમાં રૂપિયા ૪૦ હજારના બદલે વધુમાં ૨૦ હજાર રૂપિયા જ એટીએમમાંથી કાઢી શકશે. આ નવા નિયમનો અમલ આગામી ૩૧ ઓક્ટોબરથી કરવામાં આવશે.

એસબીઆઈ દ્વારા તેની વેબસાઈટ પર કહ્યું છે કે, ક્લાસિક અને મેસ્ટ્રો ડેબીટ કાર્ડ દ્વારા રોકડ રકમ કાઢવાની મર્યાદા રૂપિયા ૪૦ હજારથી ઘટાડી ૨૦ હજાર રૂપિયા કરી નાખવામાં આવી છે. જેમાં એસબીઆઈ દ્વારા રોકડ રકમ નીકળવામાં છેતરપીંડી સહીત ગડબડની ફરિયાદોને રોકવા સાથે ડિજિટલ-કેશલેસ ટ્રાંજેક્શનને પ્રોત્સાહન આપવા રોકડ રકમ કાઢવાની મર્યાદા ઘટાડવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એટીએમ કાર્ડના ક્લોન બનાવવા સાથે પીન નંબર ચોરીને છેતરપીંડી કરવાના બનાવો વધ્યા છે.

એસબીઆઈ એ કહ્યું છે કે, જે ખાતાધારકોને રોજનાં વધારે રોકડ રૂપિયા નીકળવાની જરૂર પડતી હોય છે. તેઓ ઉચ્ચ શ્રેણીવાળું કાર્ડ લઇ શકે છે. આ સાથે એસબીઆઈ દ્વારા તેમના ખાતાધારકોને એ પણ આગ્રહ કરાયો છે કે, જો કોઈ પાસે હજુ પણ એટીએમ કમ ડેબીટ કાર્ડ હોય તો તેને આ વર્ષના અંત સુધીમાં બદલાવીને ઇએમવી ચીપ ડેબીટ કાર્ડ લઇ લે. આ માટે હોમ બ્રાન્ચમાં જઈ અથવા ઓનલાઈન એપ્લીકેશન કરીને આ કાર્ડ બદલાવી શકાય છે.

જો કે, બજારમાં કેસ ફ્લો નોટબંધીના અગાઉના સ્તરે પહોંચી ગયો હોવાનું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ નવા નિયમો લાગુ પડવા મામલે એસબીઆઈના મેનેજિંગ ડાયરેક્ટર પી. કે. ગુપ્તાએ જણાવ્યું હતું કે, નવા નિયમથી ગેરરીતિઓને નિયંત્રીત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.