કિરણ કાપૂરે (મેરાન્યૂઝ.અમદાવાદ): નાગરિકતા બિલને લઈને પૂરા દેશમાં હંગામો છે. પહેલાં પૂર્વોત્તર રાજમાં તેની આગ પ્રસરી, પછી દિલ્હીમાં અને હવે દક્ષિણ ભારતમાં. આ બિલના વિરોધમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યાં છે. દેશની નામાંકિત યુનિવર્સિટીઓમાં બિલ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યાં છે અને આ પ્રદર્શનને ડામવા માટે સરકારના નિર્દેશથી પોલીસે ગોળીઓ સુદ્ધા ચલાવી છે.  આ પૂરા તંગ વાતાવરણમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ પ્રતિક્રિયા આવી છે. પ્રતિક્રિયા આપવામાં શરૂઆત કરનારાઓમાં ડિરેક્ટર અનુરાગ કશ્યપ છે.

અનુરાગ કશ્યપ વર્તમાન એનડીએ સરકારના ટીકાકાર રહ્યાં છે. તેમણે છેલ્લા ઘણા સમયથી ટ્વિટર પર પોસ્ટ કરવાનું છોડી દીધું હતું, પરંતુ વર્તમાન સ્થિતિ જોઈને તેઓ ફરી ટ્વિટર પર આવ્યા છે અને તેમણે લખ્યું છે કે “વાત ખૂબ આગળ નીકળી ચૂકી છે... હવે વધુ ચૂપ ન રહી શકું. આ સરકાર સ્પષ્ટ રીતે ફાસાવાદી છે, પરંતુ મને એ વાતનો વધુ ગુસ્સો આવે છે કે, જેઓ કશુંક પરિવર્તન આણી શકે છે તેઓ જ અત્યારે મૌન છે.”

બિલને લઈને નિર્માણ પામેલી સ્થિતિને અંગે 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક'ના નાયક વિકી કૌશલે પણ વિદ્યાર્થીઓના તરફેણમાં ટ્વિટ કરી છે. વિકીએ ટ્વિટર પર લખ્યું છે કે, “જે થઈ રહ્યું છે અને જે રીતે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. પોતાની વાત શાંતિથી કહેવાનો સૌને અધિકાર છે. હિંસા અને અરાજકતાએ નિરાશાનો માહોલ ખડો કર્યો છે. કોઈ પણ રીતે લોકશાહીમાં રહેલો વિશ્વાસ તૂટવો ન જોઈએ.”

યુવાનોના પસંદીદા એક્ટર રાજકુમાર રાવે પણ વિદ્યાર્થીઓના સપોર્ટમાં ટ્વિટ કરી છે અને લખ્યું છે કે “વિદ્યાર્થીઓના સાથે જે રીતે પોલીસે વ્યવહાર કર્યો છે તેની હું ઘોર નિંદા કરું છું. લોકતંત્રમાં શાંતિથી પ્રદર્શન કરવાનો અધિકાર છે. આ સાથે હું દેશની કોઈ પણ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાની પણ નિંદા કરું છું. કોઈ પણ સમસ્યાનો ઉકેલ હિંસા નથી.”

છેલ્લા બે વર્ષોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકેની મજબૂત દાવેદારી પેશ કરનાર આયુષ્યમાન ખુરાનાએ પણ વિદ્યાર્થીઓ સાથે જે થયું તેની કડક શબ્દોમાં ટીકા કરી છે. મનોજ વાજપેયીએ તો ત્યાં સુધી લખ્યું છે કે, “અન્યાયને અટકાવવા આપણી પાસે જરાસરખી પણ તાકાત ન હોય તેવો સમય આવી શકે છે, પરંતુ આપણે વિરોધ ન કરી શકીએ તેવો સમય ન આવવો જોઈએ. હું વિદ્યાર્થીઓ અને તેમના વિરોધ પ્રદર્શન કરવાના અધિકાર સાથે છું. વિદ્યાર્થી સામે થઈ રહેલા દમન સામે મારો વિરોધ છે.”

આ ઉપરાંત બિલ અને તેને લઈને જે સ્થિતિ ઊભી થઈ છે તેનો વિરોધ કરનારાં કલાકારોમાં પરણિતી ચોપરા, તાપસી પન્નુ, કોંકણાસેન શર્મા, ટ્વિંકલ ખન્ના, દિયા મિર્ઝા, આલિયા ભટ્ટ, ડિરેક્ટર મહેશ ભટ્ટ અને સુધીર મિશ્રા સહિત ઘણા શામેલ છે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ બિલ વિશે હજુ સુધી બોલીવુડના દિગ્ગજ કહેવાતાં એક્ટર્સના કોઈ નિવેદન આવ્યા નથી. એન્ગ્રીયંગ મેનની ભૂમિકા ભજવીને બોલીવુડમાં પોતાનો સિક્કો મજબૂત કરનાર અમિતાભ બચ્ચન ક્રિકેટ મેચ અંગે પણ પોતાનો મત પ્રદર્થિત કરતા હોય છે, પરંતુ અત્યારે તેઓ ચૂપ છે. આમિર ખાન જેઓ સત્યમેવ જયતે કાર્યક્રમમાં અભિવ્યક્ત થવા અંગે સૌને બિરદાવવાની ભૂમિકામાં હતા, તે પણ ચૂપ છે. બે વર્ષ અગાઉ રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી મારનાર રજનીકાંત પણ દેશની સ્થિતિને લઈને મૌન ધારણ કરીને બેઠા છે.

દેશભક્તિની ફિલ્મોમાં જેઓ રેકોર્ડ કરવા તરફ જઈ રહ્યા છે તેવા અક્ષયકુમાર તો જાણે આ વિવાદથી ભાગતા ફરતા હોય તેમ લાગે છે. આ પૂરા વિવાદમાં અક્ષયકુમારે જામિયા યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીને પોલીસ મારી રહી હતી તેના વીડિયોને લાઈક કર્યો. પછીથી સ્પષ્ટતા કરી કે આ વીડિયો ભૂલથી મારાથી લાઈક થઈ ગયો. જોકે તેમ છતાં વિદ્યાર્થીઓના વિવાદ અંગે તેમનો મત શું છે તે ખિલાડી નંબર વને જણાવ્યું નથી.

આ ઉપરાંત ખાન ત્રિપુટી મૌન છે. શાહરૂખ બોલવામાં મુખર રહ્યો છે, અને આ મુદ્દે બોલવું અપેક્ષિત છે, પણ તે તેનું નિવેદન આવ્યું નથી.