મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: જેટ એરવેઝ બાદ હવે સરકારી હેલિકોપ્ટર કંપની પવન હંસની આર્થિક સ્થિતિ કથળી છે. પવન હંસ કર્મચારીઓને એપ્રિલ મહિનાનો પગાર આપવામાં સક્ષમ નથી. પવન હંસના જણાવ્યા અનુસાર કંપનીને વર્ષ 2018-19માં લગભગ 89 કરોડ રૂપિયાની ખોટ સહન કરવી પડી છે.

હેલિકોપ્ટર સેવા આપતી કંપની પવન હંસની આર્થિક સ્થિતિની અસર હવે સીધી તેના કર્મચારીઓ પર પડી છે. કર્મચારીઓ તેમના બાળકોની સ્કૂલ ફી અને લોનના હપ્તા ભરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સરકારે ગત વર્ષે પવન હંસ કંપનીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થિતિ બગડી રહી છે.

પવન હંસ કંપનીના કર્મચારીઓના જણાવ્યા અનુસાર કંપની ખોટી પોલીસીને કારણે આ સ્થિતિ સર્જાઇ છે. નિષ્ણાતોનું માનવુ છે કે દિલ્હીના રોહિણી હેલિપોર્ટ પાછળ 125 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. પરંતુ હવે આ હેલિપોર્ટ બંધ હાલતમાં છે અને તેનાથી કોઈ આવક નથી થઇ રહી. સૂત્રોના જણાવ્યા અનુસાર પવન હંસ કંપની પર 230 કરોડ રૂપિયાનું દેવુ છે અને આ સિવાય પણ ઘણું દેવું થઇ ગયુ છે.