મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ સુરતના એક સામાજિક કાર્યકરે પાર્કિંગ ચાર્જના મુદ્દે હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. જેમાં તા. 25-7-18ના રોજ સરકારે જવાબ રજૂ કરવાનો છે. જેને ધ્યાને લઈ પહેલા અમદાવાદ પોલીસે અને ત્યાર બાદ સુરત પોલીસે પાર્કિંગ ચાર્જ વસૂલવાનું બંધ કરતો આદેશ ફરમાવ્યો છે. શહેરના કોઈ પણ મોલ કે મલ્ટિપ્લેક્સમાં હવેથી પાર્કિંગ ચાર્જ વસૂલી શકાશે નહીં. આમ છતાં જો કોઈ કિસ્સામાં પાર્કિંગ ચાર્જ વસૂલાતો જોવા મળશે તો પોલીસ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે તેમ પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું હતું.

કોઈ પણ જગ્યાએ પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતો હોય તેવું કોઈ પણ વ્યક્તિના ધ્યાન પર આવે તો પોલીસ  કન્ટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર 100 ઉપરાંત વોટ્સએપ નં. 9081991100 ઉપર ઉપરાંત પોલીસ કન્ટ્રોલ રૂમના ફોન નં. 2241301,2241302 અને 2241303 ઉપર પણ સંપર્ક કરી શકશે. 

શહેરીજનોને સૌથી મોટા પ્રશ્ન આ જ નડતો હતો. ખરેખર જે તે મોલ અને મલ્ટિપ્લેક્સના માલિકોની જવાબદારી છે તે વાહનપાર્ક કરવાના બદલામાં ચાર્જ ચૂકવવો પડે તે સામાન્ય માણસને આંખમાં કણાંની માફક ખૂંચતો હતો. તેવામાં હાઇકોર્ટે હુકમ કર્યો અને પાર્કિંગ ચાર્જ વસૂલી ન શકાય તેવો ચુકાદો આપ્યો. હાઇકોર્ટના આ ચુકાદા બાદ અમદાવાદ પોલીસે પહેલ કરી અને મોલ તેમજ મલ્ટિપ્લેક્સમાં વસૂલાતો પાર્કિંગ ચાર્જ બંધ કરાવ્યો. આ વાતને ધ્યાને લઈ સુરત પોલીસે પણ અમદાવાદ પોલીસ જેવો જ નિર્ણય કર્યો છે.

પોલીસ કમિશનરે કહ્યું કે શહેરના તમામ મોલ અને મલ્ટિપ્લેક્સના માલિકોને પોલીસે નોટિસ આપી દીધી છે. પરિણામે હવે પછી કોઈ પણ જગ્યાએ પાર્કિંગ ચાર્જ વસૂલી શકાશે નહીં. આમ છતાં કોઈ જગ્યાએ જો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતો હશે તો તે મોલ કે મલ્ટિપ્લેક્સના માલિક વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યાવાહી કરશે.

એક અંદાજ મુજબ શનિ-રવિ કે રજાના દિવસોમાં મોલ-મલ્ટિપ્લેક્સમાં જનારા લોકોની સંખ્યા લાખોમાં હોય છે. જેની પાસેથી વાહન દીઠ વસૂલાતી રકમ પણ લાખોમાં થાય એ સ્વાભાવિક છે. કારણ વગર પ્રજાના ખિસ્સામાંથી આ રીતે નાણાં ખંખેરવાની ગેરકાયદે સિસ્ટમનો હવેથી અંત આવશે.

સુરતમાં સૌથી મોટી સમસ્યા કાપડ માર્કેટ વિસ્તારમાં છે. કારણ કે અહીંની 90 ટકા માર્કેટમાં પહેલેથી જ પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી જ નથી! પરિણામે પ્રતિદિન લાખોની સંખ્યામાં અહીં આવનારા લોકોને પારાવાર મૂસિબતનો સામનો કરવો પડે છે. આ મુદ્દે પણ વિચારવાનો સમય પાકી ગયો છે.