રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): સરકારને આબરુ ઢાંકવાની જરુર હોય; લોકોને ભ્રમિત કરવાની જરુર હોય ત્યારે રુપાળા સૂત્રો રજૂ કરવામાં આવે છે. સૂત્રનો નશો હોય છે. ‘ગરીબી હટાઓ’/‘અચ્છે દિન આને વાલે હૈ’/હું પણ ચોકીદાર’ વગેરે સૂત્રો સાંભળીને લોકો વિચારવાનું બંધ કરીને ધૂણવા લાગે છે ! ગુજરાત સરકાર કોરોના સંકટ સામેની લડાઈ શરુ કરી શકી નથી. ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેવાની છૂટ સરકારે આપી છે; પરંતુ કોરોના ટેસ્ટ કરવાની છૂટ આપવામાં આવી નથી ! પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને સમજાય તેવી વાત છે કે કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડા ઓછા દેખાય તે માટે સરકાર કસરત કરી રહી છે. શામાટે આંકડા છૂપાવવા પડે છે? ‘ગુજરાત મોડલ’/‘વાઈબ્રન્ટ ગુજરાત’ની કલઈ ઊખડી ન જાય તે માટે ! ગુજરાતની બિમાર આરોગ્યતંત્રની પોલ ખૂલી ન જાય તે માટે ! ગુજરાત સરકારે લોકોને ભ્રમિત કરવા સૂત્ર ચાલુ કર્યું છે : “હવે હારશે કોરોના, જીતશે ગુજરાત ! જ્યારે દરેક ગુજરાતી કહેશે, હું પણ કોરોના વોરિયર !” કોરોના આંકડા છૂપાવવાથી ક્યારેય ન હારે; વકરે. ગુજરાત ક્યારેય ન જીતે; લોકોના જીવ જશે. ‘હું પણ કોરોના વોરિયર’ના રુપાળા સૂત્રથી લોકો જરુર જોડાશે; પણ લોકોને કડવો અનુભવ થશે; કેમકે સરકારને આંકડાની ચિંતા છે; નાગરિકોની નહીં.

લોકડાઉનને બે મહિના કરતા વધુ સમય થયો. આ ગાળા દરમિયાન આરોગ્યતંત્રને સુસજ્જ કરવાનો મોકો હતો; ડોક્ટર્સ/મેડિકલ સ્ટાફ માટે પ્રોટેકટિવ  PPE-Personal Protective Equipment અને ટેસ્ટિંગ કિટ-Diagnostic kits/વેન્ટિલેટર/ N95 માસ્ક વગેરેની વ્યવસ્થા કરવાનો સમય હતો; પરંતુ તે તરફ ધ્યાન આપવાને બદલે અરીસો દેખાડનાર અધિકારીની બદલી કરીને સંતોષ માની લીધો ! રાજકોટથી ધમણ મંગાવીને વેન્ટિલેટર તરીકે રજૂ કરી લોકોને મૂરખ બનાવ્યા ! આ રીતે કોરોના હારશે? એક મહિલા હેલ્થ વર્કર રડતાં રડતાં કહે છે :”અમને વોરિયર ઘોષિત કરી દીધા. તાળી/થાળી/દીપક/પુષ્પવર્ષાથી નવાજ્યા ! પરંતુ અમારી માટે PPEના ઠેકાણાં નથી; કેરીબેગના પ્લાસ્ટિક જેવા પ્રોટેકટિવ સાધનો છે. જવાન યુધ્ધભૂમિમાં હોય છે; પરંતુ એનું ફેમિલી સેઈફ હોય છે. જ્યારે અમારે જોબ પછી ઘેર જવાનું હોય છે; ત્યાં કોઈ અલગ સેન્ટર નથી કે ત્યાં રહીએ. મારી દોઢ વર્ષની દિકરી છે. એને અસર નહીં થાય? માતાપિતાને અસર નહીં થાય? અમારું ફેમિલી સુરક્ષિત નથી. નવી ગાઈડ લાઈન મુજબ મેડિકલ સ્ટાફનું સેમ્પલિંગ થતું નથી; ટેસ્ટ થતો નથી. એનો અર્થ એ થયો કે અમે મરીએ સાથે ફેમિલી પણ મરે ! બેસ્ટ ક્વોલિટીના PPE પહેરીને કામ કરતા ડોક્ટર પણ સંક્રમિત થયા છે; તો હલકા/બનાવટી PPEથી જોખમ છે જ. પોઝિટિવ કેસોના આંકડા છૂપાવવા સેમ્પલિંગ કરાતું નથી. સરકાર અમને ભગવાન બનાવી રહી છે; ભગવાનને થોડું કંઈ થાય ? પણ અમે માણસ છીએ; માણસને કંઈ પણ થાય ! ના થાળી જોઈએ, ના તાળી/દીપક/ફૂલવર્ષા જોઈએ. અમને પ્રોપર ઈક્વિપ્મેન્ટ આપો. અમે મરતા સુધી સેવા કરીશું. માની લો કે 100 ડોક્ટર્સનો ટેસ્ટ કરાતો નથી; પરંતુ તે ઇફેક્ટેડ છે તો તે પોતાના ફેમિલી/સોસાયટી/પેશન્ટ સૌને સંક્રમિત કરશે; એનું શું? હું સૂઈ શકતી નથી. મનમાં રહે છે કે હવે શું થશે? સરકારનો આદેશ છે કે મેડિકલ સ્ટાફને ક્વોરિન્ટિન થવાની જરુર નથી ! સરકાર અમને જ નહી, અમારા ફેમિલીને પણ મોતના મુખમાં ધકેલી રહી છે ! અમે મરીએ ત્યારે 50 લાખ આપવાનું કહો છે; પણ અમારે 50 લાખ નથી જોતા. આ રકમમાંથી ફેસેલિટીઝ આપો તો અમે જીવતા રહી શકીએ; ફેમિલીને બચાવી શકીએ અને દર્દીની સેવા કરી શકીએ !”

30 જાન્યુઆરી, 2020 ના રોજ ‘ગુજરાત સમાચારે’ આઠ કોલમના હેડિંગ સાથે સમાચાર પ્રગટ કર્યા હતા કે : ‘ચીનથી કોરોના સંકટ આવી રહ્યું છે !’ છતાં અમદાવાદમાં 24 ફેબ્રુઆરી 2020ના રોજ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં એક લાખ લોકોને ભેગા કર્યા હતા; ત્યારે જાણીજોઈને ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ને બાજુ પર મૂકી દીધું હતું. હવે આંકડા છૂપાવવાનો ખેલ શરુ થયો છે. આમાં કઈ રીતે હારશે કોરોના; અને જીતશે ગુજરાત?

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)