મેરાન્યૂઝ નેટવર્ક . કચ્છઃ કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા મંડલ સંરચના કાર્યક્રમ હેઠળ બુધવારે પૂર્વ કચ્છમાં આવેલા ત્રણ તાલુકા તથા પ્રમુખ ઉપરાંત મહમંત્રીની નિમણૂંક અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભાજપ દ્વારા ભચાઉ શહેરનાં પ્રમુખ તરીકે એક બૂટલેગરના પિતાની વરણી કરવામાં આવતા સૌ કોઈ મોઢામાં આંગળા નાખી ગયા હતા. ભચાઉમા ભાજપનાં સક્રિય કાર્યકર એવા દંપત્તિનો પુત્ર વર્ષ ૨૦૧૮માં ગાંધીધામ રેલવે સ્ટેશને પચાસ હજારના દારૂના મુદ્દામાલ સાથે પકડાઈ ગયો હતો. ભાજપે બુટલેગર યુવાનના પિતાને ભચાઉ શહેર પ્રમુખ તરીકે વરણી કરતા કચ્છમાં ભાજપની કરની અને કથની અંગે ચર્ચા શરૂ થઈ ગયી હતી.

કચ્છ જિલ્લાનાં દસ તાલુકા પ્રમુખ ઉપરાંત છ શહેરના પ્રમુખ અને મહામંત્રીની વરણી અંગેની જાહેરાત કરતા જ ભચાઉના પ્રમુખ તરીકે જેમની નિમણૂંક કરવામાં આવી છે તેવા ઉમિયા શંકર જોશીનો અભિષેક વર્ષ ૨૦૧૮માં દારૂ સાથે ઝડપાઇ ગયો હોવાના ન્યૂઝ ફરીથી સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા હતા. તારીખ બારમી માર્ચ,૨૦૧૮નાં રોજ તત્કાલિન તથા હાલમાં જેમની ફરી એકવાર નિમણૂંક કરવામાં આવી છે તેવા ઉમિયા શંકર જોશી તથા ભચાઉ નગર પાલિકાના મહિલા સભ્ય કલ્પનાબેન જોષીનો પુત્ર અભિષેક ૩૫૪ અંગ્રેજી શરાબ તથા ૯૬ બિયર સાથે ગાંધીધામ રેલવે સ્ટેશને રેલવે પોલીસનાં હાથમાં આવી ગયો હતો. આમ ભચાઉમાં સંગઠનની રચનામાં જ ભાજપે વિવાદિત પોસ્ટિંગ આપીને નવા વિવાદને જન્મ આપ્યો હતો.

બુધવારે જેમની નિમણૂંક કરવામાં આવી છે તેમાં રાપર તાલુકાના પ્રમુખ તરીકે નશાભાઈ દૈયા, ભચાઉ શહેરમાં ઉમિયા શંકર જોષી, ભચાઉ તાલુકામાં વાઘજી ભાઈ છાંગા, ગાંધીધામ શહેર પ્રમુખ તરીકે પુનિત દૂધરેજીયા તથા ગાંધીધામ તાલુકામાં બાબુભાઇ ગુજરીયાનો સમાવેશ થાય છે.