પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): લોકસભાની ચૂંટણી પહેલા જે પ્રકારે તોડફોડ થઈ રહી હતી તે જોઈ કોઈ પણ સંવેદનશીલ માણસનું મન દુઃખી થઈ જાય તેવું હતું. જીંદગીભર ભાજપ અને નરેન્દ્ર મોદીને ગાળો ભાંડયા પછી એક જ ક્ષણમાં નરેન્દ્ર મોદી ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર થઈ જાય તેવી સ્થિતિ હતી. કોંગ્રેસમાંથી રાજીનામુ આપો તેની સાથે જ મંત્રી પદ મળે પણ જેમણે ભાજપ માટે જીંદગી ખર્ચી નાખી તેઓ હતા ત્યાંને ત્યાં જ રહી ગયા છે. ભાજપનો એક વર્ગ આખી ઘટનાથી બહુ દુઃખી છે પણ કંઈ કરી શકે તેવી સ્થિતિમાં નહીં હોવાને કારણે તેઓ ચુપ છે.

પણ બધુ જ બગડી રહ્યું હોય તેવું લાગે ત્યારે કઈક સારૂ પણ થતું હોય છે. પણ અરાજકતા વચ્ચે જયારે સારૂ થાય ત્યારે આપણુ ધ્યાન તે તરફ જતુ નથી. આવુ જ કઈક શનિવારના રોજ ગાંધીનગર રાજભવન ખાતે થયું. વિજય રૂપાણીની સરકારમાં મંત્રી તરીકે સોંગદ લેનાર ત્રણ મંત્રીઓમાં વડોદરા યોગેશ પટેલનો પણ સમાવેશ થયો છે. વડોદરાના ઓલિયાને મંત્રી બનાવી ભાજપ પોતાની ધોવાઈ રહેલી આબરૂમાં આડશ મુકવાનું કામ કર્યું હોય તેવું લાગે છે. 1946માં જન્મેલા યોગેશ પટેલ આમ તો ગુજરાત વિધાનસભાના સભ્ય 1990થી છે પણ તેમનો મુકામ કાયમ વડોદરાની અમદાવાદી પોળની લેઉવા શેરીના બાકડાં ઉપર જ હોય છે. તમારે તમારા ધારાસભ્યને મળવુ હોય તો અમદાવાદી પોળના બાંકડે મળી જાય.

રાજીવ ગાંધીની સરકારમાંથી છુટા પડેલા વિશ્વનાથ પ્રતાપસિંહ જ્યારે પોતાની જનતા પાર્ટી બનાવી ત્યારે યોગેશ પટેલ તેમાં સામેલ થયા અને જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અને ત્યાર બાદ તેઓ 1995માં ભાજપમાં જોડાઈ ગયા હતા. વ્યવસાયે ફરાસખાનાનો ધંધો કરતા યોગેશ પટેલ શેરીના લડાયક નેતા રહ્યા છે. તેમને રસ્તા ઉપર સામાન્ય માણસની મજબુરી સમજાય છે. રાજકારણમાં આવ્યા ત્યારે વડોદરામાં દુધના ભાવ વધારા સામે આંદોલન થયું હતું અને આંદોલન દરમિયાન તેઓ સખ્ત રીતે દાઝી ગયા હતા, બચવાની કોઈ આશા ન્હોતી. ત્યારે વડોદરાના સાવલીના એક સ્વામીએ આવી તેમને પાણી પીવડાવ્યું અને તેઓ બચી ગયા, સાવલીના સ્વામીના પ્રભાવને કારણે તેમણે ખાદી ધારણ કરી અને ખાદી લાજે નહીં તેવી જીંદગી જીવવાનો તેમણે પ્રયાસ કર્યો.

યોગેશ પટેલ બીજા કરતા કાયમ જુદુ વિચારતા નેતા રહ્યા છે. ઈન્દીરા ગાંધી અને મેનકા ગાંધીને જ્યારે ખટરાગ થયો અને મેનકા ગાંધીએ જ્યારે પોતાનું ઘર છોડયું ત્યારે મેનકા ગાંધીને યોગેશ પટેલ વડોદરા લઈ આવ્યા હતા અને સંજય ગાંધી વિચાર મંચની સ્થાપના કરી તેઓ તેના પ્રમુખ રહ્યા હતા. ભાજપની નેતાગીરીએ યોગેશ પટેલની અનેક વખત ટીકીટ કાપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ પોતાના માઠા દિવસોમાં સાથ આપનાર યોગેશ પટેલની પડખે મેનકા કાયમ ઊભા રહ્યા હતા. યોગેશ પટેલને મંત્રી બનાવવા ભાજપની કોઈ મજબુરી જ હોઈ શકે. કારણ પ્રજાના પ્રશ્ન માટે સત્તામાં ભાજપ હોવા છતાં અધિકારીઓ અને મંત્રી સાથે બાખડી પડતા યોગેશ પટેલ કાયમ ભાજપને ખુંચી રહ્યા હતા. હજી થોડા મહિના પહેલા જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ડૉ વિનોદ રાવ દ્વારા લેવામાં આવેલા શંકાસ્પદ નિર્ણયની તેમણે ટીકા કરી ભ્રષ્ટાચાર અંગે તપાસ માંગી હતી. આમ ઘણી વખત ભાજપના નેતા યોગેશ પટેલને સમજી શકતા ન્હોતા કે તેઓ ભાજપના નેતા છે કે વિરોધ પક્ષના

આમ ભાજપના નેતાઓ જેમને અળગા રાખવાનો પ્રયત્ન કરતા હતા તે યોગેશ પટેલ પ્રજાની એટલા જ નજીક છે. અમદાવાદી પોળના બાંકડે બેઠેલા યોગે-શ પટેલ પાસે કોઈ નાગરિક ફરિયાદ લઈ આવે કે તેનું કામ કલેકટર ઓફિસમાં અથવા સયાજી હોસ્પિટલમાં અટકયુ છે, તો ફોન કરવાને બદલે ફરિયાદ લઈ આવનારને પુછે સ્કુટર લાવ્યો છે અને જો તે હા પાડે તો તેના સ્કુટર ઉપર બેસીને તેની સાથે ફરિયાદનો નિકાલ કરાવવા પહોંચી જાય, આ પ્રકારનું ઓલીયા જેવું જીવન અશોક ભટ્ટનું હતું ભાજપને આવા નેતા સત્તા આવ્યા પછી  ઓલીયા ઓછા મળ્યા તેમાં યોગેશ પટેલ એક છે. હવે તેઓ મંત્રી છે પ્રજા તેમને જેટલી સહજતાથી મળતી હતી એટલી જ સહજતાથી મળશે તેમાં કોઈ શંકા નથી.

યોગેશ પટેલના ઘણા રમુજી કિસ્સા પણ છે. જો કે તેમા તથ્ય કેટલું તેની ખબર નથી, પણ તેમને નજીકથી ઓળખનાર કહે છે તેમાં અતિશયોકિત જરા પણ નથી. યોગેશ પટેલ વડોદરાની જે પોળમાં રહે છે તેની બરાબર સામે એક ઈસ્ત્રીવાળાની દુકાન છે. યોગેશ પટેલ સ્નાન કરી બહાર આવે એટલે રૂમાલ બાંઘેલી સ્થિતિમાં ઈસ્ત્રીની દુકાન ઉપર આવી પોતાનો લેંઘો ઝભ્ભો લઈ ત્યાં પહેરી લોકોના કામમાં લાગી જાય, બીજો એક કિસ્સો એવો છે કે તેઓ હાથ રૂમાલ રાખતા નથી, કયાંક નાસ્તો કરે તો હાથ લુંછવા તો જોઈએ પણ યોગેશ પટેલ લેંધાના ખીસ્સામાં હાથ નાખી પોતાના હાથ સાફ કરી નાખે તેવા સામાન્ય વ્યક્તિ છે, ખેર આ બધી ગૌણ વાતો છે. ભાજપે ખરા અર્થમાં પ્રજાના નેતાને મંત્રી બનાવ્યો તે સારા સમાચાર છે ઓલ ધી બેસ્ટ યોગેશ પટેલને નવી ઈનીંગ માટે...