મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતમાં મુખ્યમંત્રીથી લઇ ધારાસભ્યો અને વિપક્ષના નેતા, અધ્યક્ષ-ઉપાધ્યક્ષના પગારમાં રાતોરાત જંગી વધારો કરનાર રાજ્ય સરકારે હવે જીવતા નહિ પરંતુ અકસ્માતમાં મૃત્યું પામનાર ખેડૂતોને ડબલ સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર ધ્વારા રાજ્યના તમામ ખેડૂતોને અકસ્માત સહાય તેમજ ગંભીર ઇજાઓમાં અપાતી સહાયમાં ડબલ વધારો કરવામાં આવ્યો છે. જેમાં અકસ્માતમાં મૃત્યુ આપનાર ખેડૂતને હવે રૂપિયા ૧ લાખના બદલે રૂપિયા ૨ લાખ તેમજ ગંભીર ઇજાઓમાં રૂપિયા ૫૦ હજારના બદલે રૂપિયા ૧ લાખની સહાય આપવામાં આવશે. જયારે મહત્વપૂર્ણ બાબતમાં અત્યાર સુધીમાં માત્ર ખેડૂત ખાતેદારને જ આ લાભ આપવામાં આવતો હતો. તેના બદલે હવે ખેડૂત ખાતેદારના વારસદાર હોય તેવા પતિ-પત્ની અને દીકરા-દીકરીને પણ આ અકસ્માત સહાયનો લાભ આપવામાં આવશે.

ગુજરાત વિધાનસભામાં દલા તરવાડીની જેમ મંત્રી-ધારાસભ્યોના પગારમાં  ધરખમ વધારો આપનાર રાજ્ય સરકારે આજે ખેડૂત જો અકસ્માતમાં મરી જાય તો જ લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકારો સમક્ષ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અગાઉની સરકારો ધ્વારા ખેડૂતોને અકસ્માતમાં ૫૦ હજાર તેમજ ઇજાઓમાં માત્ર ૨૫ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. ત્યારબાદ ભાજપ સરકાર ધ્વારા આ રકમ વધારી અકસ્માત મૃત્યુમાં રૂપિયા ૧ લાખ અને ઇજાઓમાં રૂપિયા ૫૦ હજાર કર્યા હતા. જેમાં માત્ર ૭/૧૨ ઉતારામાં નામ હોય તેવા ખેડૂત ખાતેદારોને જ આ લાભ મળતો હતો. જયારે ખેડૂત આગેવાનો, ધારાસભ્યો અને ભાજપના અગ્રણીઓ ધ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર ધ્વારા આ લાગણી સ્વીકારીને અકસ્માત મૃત્યુ સહાયમાં ડબલ વધારો કરીને રૂપિયા ૨ લાખ કરવામાં આવ્યા છે. જયારે ગંભીર ઈજાની સહાયમાં રૂપિયા ૧ લાખ સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ધ્વારા હવે ૭/૧૨ ઉતારામાં નામ હોય તેવા ખેડૂત ખાતેદારો સહીત તેમના વારસદાર હોય તેવા પતિ-પત્ની તેમજ દીકરા-દીકરીઓને પણ આ અકસ્માત સહાયનો લાભ મળશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે કુલ ૧,૭૫,૮૧,૩૪૨ ખેડૂતો નોધાયેલા છે. તેમાંથી ૭૩,૨૫,૫૫૯ ખેડૂત ખાતેદારોને આ સહાય મળતી હતી. તે હવે નવા નિર્ણયના કારણે ૨.૪૯ ખેડૂતોને આ અકસ્માત સહાયનો લાભ મળશે. જેમાં અત્યાર સુધી સરકાર ધ્વારા ખેડૂતોને અક્સમાત સહાય માટે રૂપિયા ૩૦થી ૩૫ કરોડ પ્રીમીયમ ભરવામાં આવતું હતું. તેના બદલે આ નવી જાહેરાતથી હવે રાજ્ય સરકાર ધ્વારા રૂપિયા ૭૦થી ૮૦ કરોડ જેટલું પ્રીમીયમ ભરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, દર વર્ષે ૧૫૦૦ જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે.