મેરાન્યૂઝ નેટવર્ક.ચેન્નાઈઃ કોલીવુડ એક્ટર વિશાલના નામથી ગુજરાતીઓ હવે અજાણ નથી. એક્ટર વિશાલના સામે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કેસ ફાઈલ કરાયો છે જેમા તેણે ટીડીએસ નથી ભર્યો. તેણે પોતાની પ્રોડક્શન કંપની વિશાલ ફિલ્મ ફેક્ટરીનો છેલ્લા પાંચ વર્ષનો ટીડીએસ ન ભરતાં એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ-2 (એસીએમએમ-2)માં કેસ હતો.

કોર્ટ દ્વારા વિશાલ વિરુદ્ધ એક બિનજામીનપાત્ર વોરંટ (એનબીડબલ્યુ) જારી કરવામાં આવ્યું હતું, જે કેસમાં વડપલાની સ્થિત વિશાલ ફિલ્મ ફેક્ટરી સાથે સંબંધિત છે, જ્યાં કર્મચારીઓમાંથી કાપવામાં આવેલા ટીડીએસને છેલ્લા પાંચ વર્ષથી સરકારના ખાતામાં મોકલવામાં આવતા નહોતા. આવકવેરા વિભાગ દ્વારા 2017 માં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

અભિનેતાની કોર્ટ સમક્ષ અરજ હતી કે આ કેસ સંબંધે તેમને ક્યારેય સમન્સ મળ્યું જ નથી. જો કે, આવકવેરા વિભાગના સરકારી વકીલ એમ શીલાએ દલીલ કરી હતી કે, જ્યારે આરોપીની સલાહકારે જણાવ્યું હતું કે, સમન્સ પ્રાપ્ત થયો નથી તો પછી વકીલે કેવી રીતે હાજર રહીને મેમો રજુ કર્યો અને આરોપીની ગેરહાજરીને માફ કરવાની અરજી કરી.