મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના હરખજીના મુવાડા  ગામમાં સરકારી સેવાઓ જેવી કે બ્રાંચ પોસ્ટ ઓફીસ, પેટા આરોગ્ય કેંદ્ર અને સ્કૂલ જેવી સેવા વ્યવસ્થાઓ તો છે પરંતુ ગામના અમુક ભાગોમાં થોડા રોડ રસ્તાની તકલીફો છે. દહેગામથી માત્ર ૬ કીમી દુર આવેલાઆ ગામમાં લોકોને કોઈ ખાસ સમસ્યાતો નથીપરંતુ સરકારમાં તેઓની પ્રવાસન સ્થળ તરીકેની માંગણી વર્ષોથી પેન્ડીંગ પડી છે અને સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

હરખજીના મુવાડા ગામમાં ૪૪૬૩ જેટલી વસ્તી છે અને તમામ સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ગામમાં છે. આ ગામમાં વર્ષો જુનું મહાદેવનું મંદિર આવેલું છે જે ગામના ખેતર વિસ્તારમાં મેશ્વો નદીના કિનારે આવેલુ છે.   આ મંદિરમાં વાર-તહેવારે લોકો બહારગામથી પણ દર્શન કરવા માટે અહિયાં આવતા હોય છે. આમ છતાં સરકાર દ્વારા આના વિષયે ગામની માંગણી વર્ષોથી સ્વીકારવામાં આવતી નથી. ધાર્મિક રીતે ગામની અગત્યતા વધુ હોય ગ્રામ પંચાયત દ્વારા આ મંદિરનો પ્રવાસન તરીકે વિકાસ થાય એ માટે ગ્રામ પંચાયતે આની માંગણી સરકાર પાસે કરી હોવા છતાં હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે મંજુરી કે લાભ આ ગામને આપવામાં આવ્યો નથી. સ્થિતિ હાલ એવી છે મહાદેવ મંદિર સુધી પહોંચવાનો માર્ગ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે અને લોકો મહાદેવ મંદિરે દર્શન કરવા અત્યંત ખરાબ હાલત ધરાવતાં રસ્તા પરથી જાય છે. પરંતુ સરકારે આ મુદ્દે કોઈ કાર્યવાહી કે પગલા ભર્યા નથી. આ મંદિરે મહા-શિવરાત્રીઅને જન્માષ્ટમીના તહેવારે ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

આ ઉપરાંત ગામમાં  હાલ બે ડામર રોડની જરૂરિયાત છે અને એના સિવાય બાકી કોઈ સમસ્યા નથી.  આ ઉપરાંત ગામમાં થોડા ગણતરીના જ મકાનો બાદ કરતાં તમામ પરિવારો શૌચાલયયુક્ત છે અને ગંદકીનો પ્રશ્ન ગામમાં જવ્વલે જ ઉભો થાય છે.

સરપંચ રોહિતસિંહ જુવાનસિંહ ચૌહાણે જણાવ્યું કે સ્ટેટ હાઇવેને ક્રોસ કરતો રસ્તો અને બીજો એક સ્ટેટ હાઇવે-પાટીયાથી હરખજીના મુવાડાના રોડની પ્રપોઝ્લ કરી છે પરંતુ હજી બાહેંધરી મળી છે પરંતુ કોઈ કાયવાહી થઇ નથી. આ રસ્તાઓ બે ગામોને જોડે છે છતાં પણ મંજુર કરવામાં આવતા નથી.

તેઓએ વધુમાં જણાવ્યું કે આ ઉપરાંત, ગામના લેન્ડ રેકોર્ડમાં મોટી તકલીફ કરી છે જે રી-સર્વે કર્યો અને ઓનલાઈનમાં બધું જ માપી નાખ્યું હતું, જેમાં મેશ્વો નદીને વાત્રક નદી બતાવી દીધી છે. ગામની સીમ અને હદ પણ બદલી નાંખી છે. ૧૯૬૦ના નકશામાં હરખજીના મુવાડા છે અને નવા નકશામાં નથી. પાવર ગ્રીડ છે જેને અમારી પંચાયતની જગ્યા આપવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી તેનો જાહેર લાભ કોઈને મળ્યો નથી. ગામમાં સરકારી પ્રાથમિક શાળાનું મકાન હાલ જ નવું બનાવવામાં આવ્યું છે.