મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ નોટબંધી જેવા માનવસર્જિત ડિઝાસ્ટરની હજી અર્થતંત્રને કળ નથી વળી  નોટબંધી ને ત્રણ વર્ષનો સમયગાળો પૂર્ણ થવા આવ્યો તેમ છતાં અરવલ્લી જીલ્લામાં રોકડ નાણાં નો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે. દિવાળી પર્વના આગળના દિવસોમાં ગ્રામ્ય વિસ્તારની કેટલીક બેંકોમાં રોકડ રકમ ખૂટી પડી હોવાની બૂમો ઉઠી હતી. હજુ પણ (આ લખાય છે ત્યારે) બેંકોમાં નાણાં ખૂટી જવાની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. એટીએમમાં પણ નાણાં ના અભાવે ખોટકાઈ ગયા હતા.

એટીએમના ભરોશે દિવાળી પર્વની ઉજવણી કરવા માંગતા લોકોની હાલત દયનિય બની હતી, છતાં રૂપિયે રૂપિયા વિહોણા બનેલા લોકો માટે દિવાળી પર્વનો આનંદ ઉલ્લાસનો તહેવાર જાણે નીરસ બન્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. મોડાસા શહેરના મોટા ભાગની બેંકના એટીએમ અને અરવલ્લી જીલ્લાના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારના એટીએમમાં નાણાં ખૂટી પડતા ગ્રાહકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. ઠંડક અને વરસાદી વાતાવરણમાં ગ્રાહકો એક બેંકના એટીએમમાંથી બીજી બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા રઝળપાટ કરતા પરસેવે રેબઝેબ બન્યા હતા.

મોડાસા શહેર જીલ્લાનું મુખ્યમથક હોવાથી તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકના એટીએમ ઠેર ઠેર ઉભા કરવામાં આવ્યા છે. એટીએમ મશીનોમાં ગમે ત્યારે અને ગમે તે ઘડીએ રૂપિયા ખૂટી પડતા એટીએમના શહરે કામકાજ અર્થે આવેલા પ્રજાજનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા ત્રણ દિવસ થી મોટાભાગના એટીએમ મશીનો રોકડ રકમ ખૂટી પડતા છતાં રૂપિયે નિસહાય બન્યા હતા રોકડ રકમનો અભાવ, બેંકના જવાબદાર અધિકારીઓની આળસ અને એટીએમમાં કેશ ભરનાર એજન્સીની બેદરકારી જવાબદાર હોવાનું ગ્રાહકોએ રોષ પૂર્વક જણાવ્યું હતું.

મોડાસા શહેરમાં એટીએમના ભરોશે આરોગ્યલક્ષી સારવાર, દિવાળી પર્વની અને લગ્ન પ્રસંગની ખરીદી અને જીવન જરૂરિયાત અને અન્ય કામકાજ અર્થે આવેલા પ્રજાજનો એટીએમ કેશલેશ બનતા રોકડ રકમના અભાવે ભારે હાલાકી ભોગવવાની સાથે દોડાદોડી કરવા છતાં રૂપિયા ન નીકળતા ભારે નિરાશા સાથે અગત્યના કામો પડતા મૂકી ભારે હૈયે ઘરે પરત ફરવું પડ્યું હતું.