સુભાન સૈય્યદ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝિટીવ કેસ અમદાવાદમાં આવી રહ્યાં છે. અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાથી ચેપગ્રસ્ત થયેલાં દરદીઓની સંખ્યા સતત વધી રહી છે. આ કિસ્સામાં અમદાવાદમાં જ્યાં પણ એક સાથે લોકો ઉમટતાં હોય તેને અટકાવવા જરૂરી છે. કાલુપુર ફ્રૂટ માર્કેટ એવી જ એક જગ્યા છે, જ્યાં સવારથી લઈને લોકોની ભીડ જોવા મળે છે. જીવન જરૂરીયાત ચીજવસ્તુ હોવાથી આ માર્કેટને બંધ ન કરી શકાય, પણ અહીંયાથી કોઈને ચેપ ન લાગે તેની તકેદારી રાખવી રહી. પરંતુ જે પ્રકારે ત્યાં નજારો જોવા મળે છે.

તેથી તો એવું લાગે છે કે સરકારની નજરમાંથી આ જગ્યા ચૂકી ગઈ છે. કારણ કે અહીંયા કોઈ પ્રકારની કાળજી લેવાતી હોય તેમ દેખાતું નથી અને શહેરભરમાંથી અંદાજે ત્રણ હજાર જેટલાં લોકો અહીંયા આવે છે. કાલુપુર ફ્રૂટ માર્કેટમાં અંદાજે 150 ફ્રૂટની દુકાન આવેલી છે, પરંતુ જ્યારે અહીંયા આવીએ ત્યારે એવું લાગે જાણે કે શહેરમાં કોઈ લોકડાઉન નથી. અહીંયા બધું જ રાબેતા મુજબ ચાલી રહ્યું છે. કોર્પોરેશનને આ માર્કેટ બંધ ન કરાવે, પણ તે કોરોનાથી સુરક્ષિત રહેવા માટે અહીંયા તકેદારી લેવાય તેટલું કમસે કમ થવું જોઈએ.