ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ના સોનું, ના ચાંદી આજે આખી દુનિયાના રોકાણકારોને તાંબું આકર્ષી રહ્યું છે. બુધવારે તાંબાએ ૮ વર્ષની નવી ઊંચાઈ હાંસલ કરીને બજારમાં અચોકકતાઓનું બાષ્પીભવન થયાના સંકેત આપ્યા. જાન્યુઆરીમાં અમેરિકન પ્રમુખ જો બાયડેનનો માર્ગ પ્રસસ્ત થયો અને કોરોના મહામારીની રસી બજારમાં આવી ગયાના અહેવાલે, બજારનો આંતરપ્રવાહ અત્યંત તેજીમય થયો છે. બજારને ઊંજણ પૂરું પાડનાર રાહત પેકેજોની પણ ભરમાર થઈ છે, જે કોપરને ઉપર જવા પ્રોત્સાહિત કરે છે.

છેલ્લા કેટલાંક મહિનાથી ચર્ચાતી બંને સમસ્યાઓ હવે ઉકેલાઈ ગઈ છે, હવે બજારમાં જબ્બર નાણાંપ્રવાહ પ્રવાહિત થશે. ૨૩ માર્ચે ૪૩૭૧ ડોલરનું ઓકટોબર ૨૦૧૬ પછીનું તળિયું બનાવ્યા બાદ હવે કોપર બોટમ આઉટ થઈ ગઈ છે. બુધવારે એલએમઈ ત્રિમાસિક વાયદો ૨૩ માર્ચ ૨૦૧૩ પછીની નવી ઊંચાઈએ ૭૭૭૮ ડોલરે પહોંચ્યો હતો.


 

 

 

 

 

શાંઘાઇ જાન્યુઆરી વાયદો પણ બે ટકા વધીને ટન દીઠ  ૫૭,૧૫૦ યુઆન (૮૭૪૯.૩૭ ડોલર) મુકાયો હતો. એનાલિસ્ટો હવે માનવા લાગ્યા છે કે બજારે બધીજ નકારાત્મકતાઓને પાછળ મૂકી ફંડામેન્ટલથી આગળ વધી ગઈ છે. ઓક્ટોબરમાં વધુ એક બોટમ બનાવી એલએમઈ વાયદો ૧૮ ટકા અને માર્ચથી અત્યાર સુધીમાં ૬૫ ટકા ઉછળ્યો છે.

કોપરમાં જે કઈ ઉછાળો આવ્યો છે તે કઈ અસામાન્ય ઘટના નથી, પણ ખાસ કરીને વિશ્વના સૌથી મોટા વપરાશકાર ચીનની અપેક્ષા કરતાં વધુ વપરાશી અને મજબૂત માંગે આગેવાની લીધી છે. ગોલ્ડમેન સાસના એનાલિસ્ટ કહે છે કે બીજા છમાસિકમાં તો માંગનો આશ્ચર્યજનક ટ્રેન્ડ જોવાયો હતો. આ એનાલિસ્ટ કહે છે કે પશ્ચિમના દેશોમાં પુન: માંગ નીકળે તે પહેલા જ ચીન બહારની રિફાઈન્ડ કોપર બજારો ડી-સ્ટોક થઈ ગઈ હતી.

ગત સપ્તાહે ગોલ્ડમેન સાસએ ૨૦૨૨ સુધીમાં કોપરના ભાવ, તેના ઇતિહાસમાં બીજી વખત ૧૦,૦૦૦ ડોલરનું લક્ષ્યાંક પાર કરી જશે, એવી આગાહી કર્યા પછી તો બજારમાં લાવલાવ નીકળી છે. મેટલ બજારના સ્ટ્રેટેજિસ્ટ કહે છે કે વર્તમાન તેજી એ કઈ બે એક્સ્ચેન્જ વચ્ચેના અતાર્કિક આરબીટ્રેશન પર સવાર થઈને નથી આવી, પણ આપણે તેને મજબૂત ફંડામેન્ટલ્સ પર સવાર થઈને આવ્યાનું કહીશું.

ગોલ્ડમેનના એનાલિસ્ટે બાર મહિનાના કોપર ભાવની આગાહી અગાઉની ૭૫૦૦ ડોલરથી વધારીને ૯૫૦૦ ડોલર મૂકી છે. ગોલ્ડમેન એનાલિસ્ટ માને છે કે કોપર ભાવ ૨૦૨૨ના પ્રથમ છ-માસિકમાં જ ૧૦૧૭૦ ડોલર નવી ઊંચાઈ સ્થાપિત કરવા પ્રયાસ કરે તેવી શક્યતા ઉજ્જવળ છે, જે ૨૦૧૧માં સ્થપાઈ હતી.

ચીન કોપર જેવી અનેક સંવેદનશીલ કોમોડિટીની આયાત કરે છે, નવેમ્બરમાં તેણે નવી ઊંચાઈ પ્રાપ્ત કરી હતી. નવેમ્બરમાં અન-રોટ કોપર અને કોપર પ્રોડકટોની આયાત ૧૬.૨ ટકા વધીને  ૫,૬૧,૩૧૧ ટન થઈ હતી, અલબત્ત ઓક્ટોબરમાં ઘટી હતી. જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં આયાત ૬૧.૭ લાખ ટન થઈ હતી, જે વાર્ષિક આયાતનો નવો વિક્રમ છે, જે આ વર્ષના ઓકટોબર સુધીના ૧૦ જ મહિનામાં પ્રાપ્ત કરી લેવાયો હતો.

હકીકતે, એલએમઈ ખાતે ભાવ વેગથી વધી આવતા, ચીન અને એલએમઈ વચ્ચેની આરબીટ્રાજ (ભાવ તફાવત)ની બારી લંડનમાં બંધ થઈ જતાં ઓકટોબરની તુલનાએ રિફાઈન્ડ કોપરની ચીન ખાતે આયાત ૯.૨ ટકા ઘટી હતી. ચીનની આયાત વધવાનું મૂળ કારણ પણ ભાવમાં વેગથી ઉછાળો જ છે.

(અસ્વીકાર સૂચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે)