મેરાન્યૂઝ નેટવર્ક.કોલકાતાઃ કોલકાતામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના મંગળવારના રોડ શોમાં હિંસા ફાટી નિકળી હતી જે ઘટના બાદ 25 કલાક જેટલા સમયમાં ચૂંટણી પંચે બે મહત્વના નિર્ણય કર્યા છે. ચૂંટણી પંચે બંગાળની 9 લોકસભા બેઠકો પર નક્કી કરાયેલા સમયના પહેલા જ ગુરુવાર રાત્રીના 9 વાગ્યે ચૂંટણી પ્રચાર બંધ કરવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પ્રચારની જાહેર થયેલી તારીખો કરતાં પહેલા જ પ્રચારને રોકી લેવાનો આ નિર્ણય ભારતના આટલા વર્ષોના ઈતિહાસમાં પ્રથમવાર લેવાયો છે. ચૂંટણી પંચે અનુચ્છેદ 324 અંતર્ગત મળેલા અધિકારનો ઉપયોગ કરી આ નિર્ણય કર્યો છે.

ચૂંટણી પંચ દ્વારા આ ઉપરાંત બીજો એક નિર્ણય પણ કરવામાં આવ્યો જેમાં રાજ્યના એડીજી સીઆઈડી અને ગૃહ વિભાગના અગ્રસચિવને હટાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં મતદાન સમયે કોઈ અન્ય હિંસક ઘટના ન બને તે માટે પણ તંત્ર તૈયારી કરી રહ્યું છે.

પંચે આ અંગેની માહિતી પત્રકાર પરિષદમાં આપી હતી. પંચ મુજબ આ રાજ્યના ડમડમ, બસીરહાટ, જયનગર, બરાસત, ડાયમન્ડ હાર્બર, મથુરાપુરા, જાદવપુર, દક્ષિણ તેમજ ઉત્તર કોલકાતામાં આવતીકાલે 10 વાગ્યાથી પ્રચાર થશે નહીં હવે સીધુ વોટિંગ થશે.

ચૂંટણી પંચે કહ્યું કે સંભવત: પ્રથમ વાર આર્ટિકલ 324નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે આ અંતિમ વાર પણ નથી. જો આ પ્રકારે હિંસા થતી રહે તો ચૂંટણી પંચ ભવિષ્યમાં પણ અમલ કરી શકે છે. આ સાથે જ વિદ્યાસાગરની પ્રતિમાના તોડફોડ મુદ્દે ચૂંટણી પંચ કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે રાજ્ય પ્રસાશન વહેલી તકે દોષિતોને પકડી પાડશે. આ સાથે ચૂંટણી પંચે એડીજી સીઆઈડી રાજીવ કુમારને ગૃહમંત્રાલય ખાતે બદલી કરી નાંખી છે જ્યારે પ્રિન્સિપલ ગૃહ અને સ્વાસ્થ્ય સેક્રેટરીની બદલી કરી નાંખવામાં આવી છે.