ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ભારત સરકારના રૂ.૭૩,૦૦૦ કરોડના નવા રાહત પેકેજથી ભારતીય અર્થતંત્રમાં ટૂંકાગાળામાં ગતિશીલતા આવશે, આનો સીધો લાભ ૩ ટકા જીએસટીવાળા બુલિયન કે જવેલરી બજારને નહિ મળે. અલબત્ત, લોકોના હાથમાં તહેવારો પૂર્વે ખરીદશક્તિ આવતા અન્ય રોજગારોમાં આવેલા આ નાણા વહેલા મોડા બુલિયન/જવેલરી બજારમાં આવવાની સંભાવના નકારી ન શકાય, એમ ઇબ્જા (ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસીયેશ)નાં સેક્રેટરી સુરેન્દ્ર મહેતા અને બુલિયન એનાલીસ્ટ ભાર્ગવ વૈદ્યે કહ્યું હતું.

ભાર્ગવ વૈદ્યનું સ્પષ્ટ માનવું છે કે સરકારી કર્મચારીઓને અપાયેલા નવા આર્થિક પેકેજથી અર્થતંત્રને આંશિક લાભ જરૂર થશે. જો રાજ્ય સરકારો પણ પોતાના કર્મચારીઓને આવો જ લાભ તહેવારો પૂર્વે આપવાનું વિચારશે તો બજારમાં પ્રવર્તતી નિરાશા, આશાવાદમાં પરાવર્તિત થશે. માત્ર ૯૩ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને માર્યાદિત લાભ મળવાનો હોવાથી લાંબાગાળનાં ખરીદશક્તિના આશયો પરિપૂર્ણ થવા મુશ્કેલ છે. ભારતને જરૂર છે, લાંબાગાળાની આર્થિક ગતિશીલતાની.

સુરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે જો નાણાપ્રધાનની વાત માનીએ તો, તેમનો (નાણાપ્રધાન) અંદાજ રૂ. ૩૨૦૦૦ કરોડ સીધા જ બજારમાં ઠલવાશે, ૧૩૦ કરોડની વસ્તીમાંથી ૧ કરોડ કરતા ઓછા સરકારી કર્મચારીઓને જ તેનો લાભ મળવાનો છે, ત્યારે અર્થતંત્રમાં પડેલા ગાબડામાં આ એક નાનું સરખું થીગાડુ મારવા જેવી આ યોજના છે. સોનાના ભાવ રૂ.૫૦૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ હોય ત્યારે, આ યોજનામાંથી અમારા ભાગે શુ આવશે.? એવો સવાલ તેમણે કર્યો હતો.  

અન્ય એક ભીન્ન્ મતવાદી અનામી બુલિયન ડીલરે કહ્યું કે સરકારે નવા રાહત પેકેજમાં ઘણા બધા અંતરાયો મુક્યા છે, ૧૨ ટકા જીએસટી ધરાવતા માલ સામાન ખરીદીના બીલ્ પહેલા રજુ કરવાના છે, તેની સામે તમને રોકડ રાહત મળવાની છે. હવે જો કોઈ વેપારી જીએસટી નોંધણીમાં ન હોય અને તેની પાસેથી ખરીદી થઇ હશે તો, એ સ્થિતિમાં કર્મચારીને લાભ નહિ મળે. સરકારે એક કાંકરે બે પંખી મારવાનો પ્રયાસ કર્યો છે. નિર્મલા સીતારામનનાં અંદાજ મુજબ જો રૂ. ૩૨૦૦૦ કરોડ ખર્ચાઈ જાય તો તેમાંથી સરકારને જીએસટી રૂપે રૂ. ૩૦૦૦ કરોડ પાછાં મળવાના છે, જે સરકારી આવક છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૩-૧૦-૨૦૨૦