મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ૨૧ માર્ચના રોજ દિલ્હીથી નિઝામુદ્દીન ટ્રેન મારફતે આવેલ અરવલ્લીના કેટલાક લોકોનું પેસેન્જર લીસ્ટ જાહેર થયું હતું. તેઓને આરોગ્ય વિભાગ દ્વારા શોધીને કોરેન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આરોગ્ય વિભાગે શોધખોળ કરતાં નિઝામુદ્દીન પેસેન્જર લીસ્ટમાં બાયડ તાલુકાના વાંટડા ગામના પરમાર કાન્તીભાઈ ૨૦ વર્ષ પહેલાં મૃત્યુ પામેલ હોવાનું અને હિતેશભાઈ કોઈ દિવસ બાયડથી આગળ ગયા નથીની માહિતી બહાર આવતા વહીવટી તંત્ર અને પોલીસતંત્રમાં ભારે હડકંપ મચ્યો છે. આ બંનેના નામે મુસાફરી કરનાર શખ્શો કોણ...? તેની તપાસમાં તંત્ર લાગી ગયું છે ત્યારે બંને શખ્શોને નામે ઈ-ટિકિટ બુક કરાવી અન્ય શખ્શોએ ઓળખ છુપાવવા  મુસાફરી કરી નહિ હોય ને....? કે પછી રેલવે તંત્રનો છબરડો...? સહિતની ચર્ચાએ જોર પકડ્યું છે. 

રેલવેમાં છાસવારે ઈ-ટિકિટ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. કેટલાક શખ્શો અન્યના આઈ.ડી નો ઉપયોગ કરી સોફ્ટવેર મારફતે ઈ-ટિકિટ બુક કરાવી લોકો પાસેથી ટિકિટ કરતા વધુ નાણાં ખંખેરતા હોય છે. IRCTCની વેબસાઈટ પર કેટલાક એજન્ટ ખોટા યુઝર્સ આઈડી બનાવી ટિકિટો કાઢી મુસાફરોને બ્લેકમાં વેંચતા હોવાની બૂમો પણ અરવલ્લી જીલ્લામાં અગાઉ ઉઠી હતી ત્યારે ૨૧ માર્ચની નિઝામુદ્દીન ટ્રેનના લીસ્ટમાં જે બે વ્યક્તિઓના નામ છે તેમાંથી એક હયાત નથી અને એક ક્યાંય ગયો નથી તો આ લોકોના નામે કોઈએ ઈ-ટિકિટ બુક કરાવી અન્ય શખ્શોએ મુસાફરી કરી કે કેમ તે મોટો પ્રશ્ન પેદા થયો છે અને જો કોઈએ મુસાફરી કરી તો તે કોણ છે અને ક્યાં છુપાયા છે તે સવાલ પણ જવાબ માગી લે છે. હાલ તો વહીવટી તંત્ર,પોલીસતંત્ર અને આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી છે.

ગુજરાતમાં સતત વધી રહેલું કોરોનનું સંક્રમણથી અરવલ્લી જિલ્લાના પ્રજાજનો  ૨૧ માર્ચના રોજ દિલ્હીથી નિઝામુદ્દીન ટ્રેન મારફતે આવેલ અરવલ્લીના કેટલાક લોકોનું પેસેન્જર લીસ્ટ જાહેર થતાની સાથે ચિંતિત બન્યા છે.