મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ બેંગાલુરુની યુવતીને અમદાવાદના આશ્રમમાં ગોંધી રાખી હોવાના મામલામાં એક નવો વળાંક સામે આવ્યો છે. તેના માતાપિતા અહીં દોડી આવ્યા હતા.  આ દરમિયાન સાધિકા નિત્યાનંદાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરીને તે પોતાની ઈચ્છાએ ભક્તિ માર્ગ પર હોવાનો દાવો કર્યો છે.

નિત્યાનંદ આશ્રમની સાધિકાએ પોતના પિતા તુલ્ય ગણાવી નિત્યાનંદ અંગે કહ્યું કે હું મારા પિતાની દીકરી છું. આનાથી વધારે સારો સંબંધ કોઈ ન હોઈ શકે. તેઓ મને પૂર્ણ કરે છે, હું મારા પિતાની રાજકુમારી છું. એમના પવિત્ર પ્રેમમાં મગ્ન છું. તેમની પોતાની દીકરી, તેમની રાજકુમારી તરીકે જીવન વિતાવી રહી છું.' મારૂં વિશ્વ, મારી જિંદગી. પાછલા કેટલાય દિવસોથી માધ્યમોમાં ખોટા સમાચારો વહી રહ્યા છે. હું મારા લોકો સાથે સતત પ્રવાસ કરી રહી છું. મારૂં અપહરણ થયું હોવાની વાતો ખોટી છે. દુ:ખ સાથે કહેવું પડે છે કે જનાર્દન અને મારા માતાપિતાના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે જુઠ્ઠા છે. 19 વર્ષની ઉંમરે મારામાં માધ્યમોને સામે ચાલીને જવાબ આપવાની ક્ષમતા નથી. હું મારી જાતને આ તણાવ અને ત્રાસથી દૂર રાખવા માંગુ છું તેથી હું પ્રવાસે નીકળી ગઈ છું. હું મારી સ્વ ઇચ્છાએ બહાર નીકળી છું. મારૂં કોઈ અપહરણ થયું નથી.

વિવાદિત સ્વામી નિત્યાનંદના હાથીજણ ખાતે આવેલા યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં તામિલનાડુના પરિવારને તેમની દિકરીઓને મળવા ન દેવાતા આ વિવાદ વધારે વકર્યો છે. આ અંગે પોલીસે ગઇકાલે પ્રાથમિક તપાસને અંતે નિત્યાનંદ આશ્રમના સ્થાપક નિત્યાનંદ અને બે મહિલા સન્યાસી પ્રાણપિર્યા અને પિર્યતત્વા વિરૂધ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.