પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): નિત્યાનંદ બાબાના પ્રકરણ પછી ચર્ચાના ચકડોળે ચઢેલા ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા પુજા શ્રોફે ડીપીએસ હાથીજણ બ્રાન્ચની મંજુરી લેવા માટે રજુ કરેલી ગુજરાત સરકારની બનાવટી એનઓસી માટે તત્કાલીન પ્રિન્સિપાલ અનિતા દૂવાને જવાબદાર ઠેરવ્યા અને સ્કૂલની જમીન ખેતી લાયક હોવા છતાં તેને બિન ખેતી હોવાના મુદ્દે પૂર્વ ભાગીદાર હિતેન વસંત કારણભૂત હોવાનું જણાવ્યું છે. અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચેલી શિક્ષણ અધિકારીની ટીમે બે અલગ અલગ ફરિયાદ પોલીસ સામે રજુ કરી છે. પોલીસે એનઓસીના મામલે તત્કાલીન પ્રિન્સીપાલ અનિતા દૂવા સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે હિતેન વસંત મામલે પુરા દસ્તાવેજ સાથે આવવા શિક્ષણાધિકારીને પોલીસે જણાવ્યું છે.

મંજુલા શ્રોફની રાજકીય વગ ગુજરાત અને ટોચના રાજકારણીઓ સાથે તેમજ સનદી અધિકારીઓ સાથે હોવાની આશંકા મેરાન્યૂઝે અગાઉ પણ વ્યક્ત કરી હતી. જેના પરિણામે આ મામલે નાના અધિકારીઓને નિશાન બનાવી મંજુલા શ્રોફ પાક સાફ નીકળી જશે તેવી પણ આશંકા વ્યક્ત કરી હતી. જોકે આખા પ્રકરણમાં પોતાને સ્નાન સૂતકનો પણ સંબંધ નથી તેવો દાવો કરતાં શિક્ષણ સચિવ વિનોદ રાવના દાવા બહુ જલ્દી ખોટા પડ્યા કારણ કે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે બે અલગ અલગ ફરિયાદ લઈ પહોંચેલા શિક્ષણ અધિકારીની ફરિયાદમાં મંજુલા શ્રોફનો ક્યાંય ઉલ્લેખ જ નથી.

પોલીસ સ્ટેશન ખાતે પહોંચેલા શિક્ષણ અધિકારીએ સીબીએસસીમાં રજૂ કરવામાં આવેલા ખોટા એનઓસી માટે તત્કાલીન પ્રિન્સિપાલ અનિતા દૂવાને જવાબદાર ઠેરવ્યા હતા. જ્યારે સ્કૂલની જમીન બિન ખેતી લાયક અને ટ્રસ્ટના નામે નહીં હોવા છતાં તે માટે પૂર્વ ભાગીદાર હિતેન વસંતને જવાબદાર ઠેરવ્યા હતા. આમ આખા મામલામાં વિનોદ રાવે મંજુલા શ્રોફને પાક સાફ બહાર કાઢી લીધા હતા.

આ મામલાની તપાસ કરી રહેલી એસઆઈટીએ શિક્ષણાધિકારી દ્વારા રજૂ થયેલા દસ્તાવેજોની તપાસ કરતાં હિતેન વસંત સામેના દસ્તાવેજો અધુરા હોવાનું માલુમ પડ્યું હતું. આથી તેમણે એનઓસીના મામલે તત્કાલીન પ્રિન્સિપાલ અનિતા દૂવા સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. જોકે આ લખાય છે ત્યાં સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી પરંતુ આ લખાયું છે તેમાં આંશિક ફેરફારની સંભાવના છે.