પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં વિવિધ ધર્મગુરુઓને લાવી શ્રીમંતોને પ્રભાવિત કરવાનું કામ યુવા અનસ્ટોપેબલના અમિતાભ શાહની અમદાવાદ ગ્રામ્ય પોલીસે નિત્યાનંદના આશ્રમમાંથી ગુમ થયેલી યુવતીના મામલાની પુછપરછ કરી તેનો ફોન કબ્જે કરી ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલી આપ્યો છે.

નિત્યાનંદને ગુજરાત સુધી લઈ આવનાર અમિતાભ શાહે ડિપીએસ સ્કૂલની સીઈઓ મંજુલા શ્રોફ સાથે મુલાકાત કરાવ્યા પછી મંજુલા શ્રોફ પણ નિત્યાનંદના પ્રભાવથી બચી શક્યા નહીં અને તેમણે અમદાવાના હાથીજણ ખાતે આવેલી ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં જ આશ્રમ પણ બનાવી આપ્યો હતો.

આશ્રમમાં બાળકોને માનસીક અને શારિરિક ત્રાસ આપવામાં આવે છે અને પોતાની બે યુવાન દીકરીઓને મળવા દેતા નથી તેવી ફરિયાદ લઈને અમદાવાદ પહોંચેલી જનાર્દન નામની વ્યક્તિની પોલીસ ફરિયાદ બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી. જોકે પોલીસ હરકતમાં આવે તે પહેલા જ જનાર્દનની દીકરીઓ નિત્યાનંદ બાબા સાથે ભારત છોડી ફરાર થઈ ગઈ હતી. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ હાલમાં પડતર છે.

જનાર્દનનો આરોપ છે કે પોતાની દીકરીઓને ભગાડવામાં મંજુલા શ્રોફ અને અમિતાભ શાહની ભૂમિકા મહત્વની છે. આથી પોલીસે અમિતાભ શાહને બોલાવી પુછપરછ કરી હતી. અમિતાભ શાહનો દાવો હતો કે, તેઓ બાબાના સાધવી પ્રાણપ્રિયાના સંપર્કમાં હતા જોકે જનાર્દનની દીકરીઓને ભગાડી જવાને મુદ્દે તેઓ કંઈ જાણતા નથી તેવું કહે છે. પોલીસ દ્વારા અમિતાભ અને મંજુલાના કોલ ડિટેઈલ્સ-રેકોર્ડ્સ પણ ચેક કરાયા જેમાં મંજુલા શ્રોફની હાજરી તે સમયે અમેરિકામાં બતાવાય છે જ્યારે અમિતાભ અને પ્રાણપ્રિયા એકબીજાના સંપર્કમાં હતા. અમિતાભ શાહ કેટલું સાચું બોલે છે તેની ખરાઈ કરવા અમિતાભનો ફોન કબજે કરી ફોરેન્સીક લેબની પાસે કોલ રેકોર્ડીંગ અથવા મેસેજ હોય તો તે રિકવર કરવાની પોલીસે માગણી કરી છે.