પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ડીપીએસની હાથીજણ ખાતેની સ્કૂલમાં આવેલા નિત્યાનંદ બાબાના આશ્રમ સામે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસ દ્વારા જેમની ધરપકડ થઈ તે સંચાલિકાએ લાંબો સમય સુધી પોલીસ સાથે અસહકાર દાખવ્યો પરંતુ પોલીસે કેસને મજબુત રીતે કોર્ટ સામે રજુ કરવા ફોરેનસીક એકસપર્ટનો સહારો લીધો જેમાં પોલીસને મળી આવેલા સંચાલિકાનો ફોન અને લેપટોપે તપાસ માટે ફોરેનસીક લેબમાં મોકલી આપ્યા છે. જો કે પોલીસને આશ્રમમાં એક લોકર મળી આવ્યું હતું. જેનો ડીજીટલ પાસવર્ડ હતો. સંચાલિકાનો દાવો હતો કે તેઓ પાસવર્ડ ભુલી ગયા છે. જેના કારણે રવિવારના રોજ પોલીસે  લોકર તોડવાનો નિર્ણય કરી પંચનામુ કરી લોકર તોડતા તેમાંથી પોલીસને છ મોબાઈલ ફોન એક ચાંદીની ઝાંઝર અને પાવર બેંક મળી આવી છે. છ પૈકી પાંચ ફોન સ્વીચ ઓફ હતા જયારે એક ફોન ચાલુ છે.

પોલીસ માટે તપાસના વિષય હતો કે લોકરમાં ખરેખર શું છે જે આશ્રમની સંચાલિકાઓ પોલીસથી છુપાવવા માગે છે અને તેના કારણે તેઓ પાસવર્ડ આપતી નથી. પણ આજે પોલીસે લોકર તોડતા તેમાંથી મળી આવેલા ફોનને કારણે આશ્ચર્ય બેવડાયુ છે. કારણ કે લોકરમાં સામાન્ય રીતે રોકડ રકમ ઝવેરાત અથવા અગત્યના દસ્તાવેજ રાખવામાં આવતા હોય છે પરંતુ આશ્રમના લોકરમાં ફોન શું કામ મુકવામાં આવ્યા હતા, આ તમામ ફોનમાં એવી કોઈક મહત્વની જાણકારી હોવી જોઈએ જે મોટો રહસ્ય સ્ફોટ કરી શકે છે. જો કે ફોનમાં રહેલી માહિતી પણ ફોરેનસીક અધિકારીઓ શોધી શકશે તેના કારણે આ તમામ ફોન પણ ફોરેનસીક અધિકારીઓને મોકલી આપવામાં  આવશે.

પરંતુ પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે આશ્રમમાં કોઈ ભેદી પ્રવૃત્તી ચાલી રહી હતી. જયાં સુધી પોલીસ પહોંચી શકી નથી પણ આશ્રમનો તમામ સ્ટાફ પોતાના ફોનનો ઉપયોગ સીમકાર્ડ દ્વારા કરતો નથી. તેઓ વોટસઅપ સહિત આ પ્રકારની જુદી જુદી એપ્લીકેશનનો ઉપયોગ કરી વાત કરતા હતા, આમ કઈક રહસ્યમય બાબતો હોવાની શંકા છે. પોલીસને ડર છે કે તેમણે કબજે કરેલા ફોનમાં વાત કરવામાં આવી હશે તો પોલીસને પુરાવા મળવા મુશ્કેલ છે પરંતુ ફોન દ્વારા ચેટ થયું હશે તો ફોરેનસીક અધિકારીઓ માટે તે શોધી કાઢવું સહેલુ છે. પોલીસે આશ્રમમમાં રહેલા બાળકોની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને બાળ મજુર મારફતે પુછપરછ કરવામાં આવી હતી.

જેમાં બહાર આવેલી વિગત પ્રમાણે આશ્રમ દ્વારા જે વિધી કરવામાં આવતી હતી તેને ગ્રુપ હિલીંગ તેવું નામ આપવામાં આવ્યું હતું. આ વિધી દ્વારા તે વીડિયો કોલ દ્વારા વિવિધ લોકોનો સંપર્ક કરતા હતા અને તેમના શરીરનું સ્કેનીંગ કરી તેમની શારિરીક, માનસીક અને અર્થિક તકલીફો દુર થઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવતો હતો. આ પ્રકારની હિલીંગ વિધીમાં માત્રને માત્ર શ્રીમંતોને નિશાન બનાવવામાં આવતા હતા, જેમની પાસે ત્યાર બાદ ડોનેશનની માગણી પણ કરવામાં આવતી હતી. ગ્રુપ હિલીંગમાં કઈ રીતે બાળકોનો ઉપયોગ થતો હતો તેની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. ગુજરાતના અનેક માતેલુજારોને પણ ગ્રુપ હિલીંગ આપવામાં આવ્યું હતું.

આશ્રમના સંચાલકો દ્વારા આંખે પટ્ટી બાંધી દેવામાં આવે તેમ છતાં તેઓ સામેની વ્યકિતના ફોનમાં આવતા મેસેજ વાંચી શકે છે આમ આ પ્રકારના વિવિધ ખેલ કરી શ્રીમંતોને પ્રભાવીત કરવામાં આવતા હતા. જો કે નિત્યાનંદ બાબા અને તેમના અનુયાયીઓ દ્વારા જે કરવામાં આવ્યું તે મામલો તો હવે કોર્ટ આધિન થશે પરંતુ આટલી મોટી સ્કૂલના સંચાલકા મંજુલા શ્રોફ જેવી શિક્ષીત વ્યકિત પણ નિત્યાનંદ બાબાના ખેલથી પ્રભાવીત થઈ પોતાની શાળાના કેમ્પસમાં જગ્યા આપે તેનું પોલીસને આશ્ચર્ય છે. જો કે મંજુલા શ્રોફને પણ હવે અનેક સરકારી કચેરીમાં જવાબ આપવો પડશે. કારણ હાલના તબ્બકે શ્રોફ સાથે રહેલા મંત્રીઓ અને  અધિકારીઓ પોતાના હાથ પાછો ખેંચી લીધો છે.