મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પોતાને શિવનો અવતાર ગણાવતો લંપટ બાબા નિત્યાનંદ પણ હવે દેશ છોડીને ફરાર થઈ ગયો છે. ઉલ્લેખનયી છે કે ગુજરાતના અમદાવાદ ખાતે હાથિજણના આશ્રમમાં બાળકોને બંધક બનાવવાના આરોપમાં તેની સામે કેસ નોંધાયો તે પછી આશ્રમમાંથી બે મહિલા સાધવીઓની ધરપકડ થઈ અને તેની સાથે જ નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો છે. આ ઉપરાંત ડીપીએસ સ્કૂલના આચાર્ય હિતેશ પુરીની પણ ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે નિત્યાનંદ કરેબિયન દેશ ત્રિનિદાદ એન્ડ ટોબાગોમાં જતો રહ્યો છે.

હવે આ બાબાને પણ પાછો લાવવા માટે વિદેશ મંત્રાલયને આગળ કાર્યવાહી કરવાની ફરજ પડી છે. નિત્યાનંદ ઉપર પહેલાથી જ કર્ણાટકમાં પણ દુષ્કર્મની ફરિયાદ છે. તે ઉપરાંત અમદાવાદમાં જ્યારે પોલીસે બે મહિલા સાધવીઓની ધરપકડ કરી ત્યારે તેની તપાસ દરમિયાન નિત્યાનંદે દેશ છોડ્યાના પુરાવા મળ્યા છે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે કહ્યું કે, નિત્યાનંદના ભારતથી ભાગવાની હાલ તો પોલીસ અથવા ગૃહ મંત્રાલય તરફથી કોઈ ઓફિશીયલ માહિતી મળી નથી. તે કયા દેશમાં છે તે અંગેની પણ કોઈ વિગતો નથી. અમારે તેની લોકેશન અને નાગરિકતા વિશે માહિતી એકઠી કરવી પડશે. ત્યારબાદ જ નિત્યાનંદને પાછા લાવવાની પ્રક્રિયા શરૂ કરી શકાશે.