મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ભાજપના અભેદ ગઢ સમાન મહેસાણા લોકસભા બેઠકમાં દૂધસાગર ડેરીના કારણે ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. દૂધસાગર ડેરીના રાજકીય વિવાદમાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, દૂધસાગર ડેરીના આર્થિક સંકટ વખતે ૧૦૦ કરોડની મદદ કરી હોવાની જો આ ડેરીના ચેરમેન કે એમડી ના પાડી દે તો હું નાયબ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દઈશ.આ સાથે નીતિન પટેલે પ્રતિજ્ઞા લીધી હતી કે, તે દૂધસાગર ડેરીના વહીવટ કે પૈસા-હોદ્દામાં ક્યારેય પણ રસ લેશે નહીં.

ગુજરાત રાજ્યમાં મતદાનના બે દિવસ પહેલાં જ દૂધસાગર ડેરીના વિવાદથી ભાજપનાં ગઢ મહેસાણામાં રાજકીય સાગર ધૂંધવાયો છે. દૂધસાગર ડેરી સાથે જોડાયેલી મંડળીઓની કોર્ટ અને ચૂંટણી પંચની મંજૂરી badમળેલી સામાન્ય સભામાં વિપુલ ચૌધરી અને અન્ય આગેવાનોએ ભાજપ સરકારની નીતિરિતી સામે આકરાં પ્રહાર કરવામાં આવ્યાં હતાં. પાટીદાર ઇફેક્ટ ખાળવા સાથે પોતાનાં મત વિસ્તાર મહેસાણામાં ભાજપની વિજયયાત્રા જાળવી રાખવા માટે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દૂધનું દૂધ અને પાણીનું પાણી સાબિત કરવા મેદાનમાં આવવું પડયું છે

દૂધસાગર ડેરીના ચૂંટણીલક્ષી વિવાદથી રાજકીય ગરમાવો આવી ગયો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન અને પોતાનાં મત વિસ્તારમાં દૂધ ઉત્પાદકો અને ખેડૂતોની નારાજગી ખાળવા નીતિન પટેલે કહ્યું કે, આ ડેરીના ચેરમેન, એમડી અને વહિવટકર્તાઓ મને મળ્યાં હતા. ત્યારે ડેરીના આર્થિક સંકટના કારણે મેં ફેડરેશનના એમડી સોઢીને ફોન કરીને રૂપિયા ૧૦૦ કરોડ અપાવી મદદ કરી હતી. જો આ સાચું નથી તેવું દૂધસાગર ડેરીના ચેરમેન અને એમડી ના પાડી દે તો હું નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ. આ સાથે તેમણે કહ્યું કે, આ ડેરીના વહીવટ કે પૈસા અથવા હોદ્દામાં ક્યારેય રસ નહી લઉં તેવી પ્રતિજ્ઞા કરું છું.