મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ ઘૂંટણનું ઓપરેશન કરાવવા માટે મુંબઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મોઢાના કેન્સરનું ઓપરેશન અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જ્યાર બાદ હવે નીતિન પટેલ પગના ઘૂંટણની સર્જરી કરાવવા માટે મુંબઇ પહોંચ્યા છે. આજે શુક્રવારે નીતિન પટેલના ઘૂંટણની સર્જરી કરાવ્ય બાદ રવિવારે ગુજરાત પરત ફરશે. છેલ્લા બે વર્ષથી તેઓ ઘૂંટણના સાંધાના ઘસારાથી પીડિત હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ઘૂંટણની સર્જરી મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં થવાની છે. નાયબ મુખ્યમંત્રી હોવાની સાથે નીતિન પટેલ પાસે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો પણ હવાલો છે. આમ તો કોઈ સામાન્ય માણસ હોય કે મંત્રી તેમણે તબીબી સારવાર ક્યા કરવાવી તે તેમનો અંગત મામલો છે. પરંતુ નીતિન પટેલ પાસે આરોગ્ય વિભાગ હોવાથી તથા ગુજરાતમાં દેશમાં સૌથી વધુ ઘૂંટણની સર્જરીના ઓપરેશન થાય છે છતાં મુંબઇની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોવાથી સોશિયલ મીડિયામાં નીતિન પટેલે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કેમ દાખલ ન થયા તેવી કોમેન્ટ્સ કરવામાં આવી રહી છે.