મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લાગુ કરેલ લોકડાઉન, તીડ, અને કમોસમી માવઠા સામે ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે ત્યારે સંભવિત નિસર્ગ નામના વાવાઝોડાની આગાહીના પગલે અરવલ્લી જીલ્લા સહીત રાજ્યમાં ૬ જૂન સુધી ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી મુલતવી રાખવાનો નિર્ણય કરતા ટેકાના ભાવે ઘઉં અને ચણાનું  વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

સરકારના આદેશ મુજબ નિસર્ગ વાવાઝોડાના કારણે તારીખ ૩ જૂનથી  ૬ જૂન સુધી ખરીદ સેન્ટર બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે એકબાજુ ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે. બીજી બાજુ નિસર્ગ વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાના પગલે ટેકાના ભાવે ખેતપેદાશોની ખરીદી ૬ જૂન સુધી મુલતવી રાખવાના નિર્ણયથી ખેડૂતો માટે આફત સર્જી છે. અરવલ્લી જીલ્લાના ૭ કેન્દ્રો પર ઘઉં અને ચણાના ટેકાના ભાવે ખરીદી બંધ રાખવામાં આવી હોવાનું અને રાજ્ય સરકારની સૂચના મળશે ત્યારે ખરીદી કેન્દ્રો પર ફરીથી ખરીદી શરુ કરવામાં આવશેનું ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર ફરજ બજાવતા કર્મચારીએ જણાવ્યું હતું.