દીપક સોલિયા (મેરાન્યૂઝ.અમદાવાદ):

- પાકિસ્તાન પર હુમલો કરવો કે નહીં?
- જીએસટી અને ઇન્કમ-ટેક્સનું પ્રમાણ કેટલું રાખવું?
- નાની બચત યોજનાઓના વ્યાજ-દર ઘટાડવા કે નહીં?
- દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો કે નહીં?
- શેરબજારની કમાણી પર કેપિટલ ગેઈન ટેક્સ વધારવો કે નહીં?

આ બધા સવાલો એવા છે જે ભારત પર રાજ કરનાર કોઈ પણ પક્ષની સરકાર માટે ટોચના સૌથી મહત્ત્વના સવાલ સાબિત થાય.

આવા ટોચના સવાલોમાંના એક સવાલ –બચતયોજનાના વ્યાજદર- વિશે સરકારે એક નિર્ણય લાગુ પાડવાનો આદેશ આપ્યો અને અડધા દિવસમાં પાછો પણ ખેંચ્યો.

આ કેવું?

ચૂંટણીઓ ચાલી રહી હોય એવા સમયે આવો નિર્ણય જાહેર કરવાથી શાસક પક્ષને નુકસાન થઈ શકે એવું સાદું જ્ઞાન તેમને છેક આદેશ બહાર પાડી દીધા પછી લાધ્યું? આ મામલે સરકારે (સરકાર વતી નિર્મલાબેને) ટૂંકમાં એવી સ્પષ્ટતા કરી દીધી કે ઓવરસાઈટ થઈ ગઈ (ગલતી સે મિસ્ટેક હો ગયા).

હા, વાત સાચી છે. આદેશ ભૂલમાં બહાર પાડી દીધો છે. તે અત્યારે નહોતો બહાર પાડવાનો.

આદેશ પાછો ખેંચાયો હોવા છતાં સમજવા જેવું આ છેઃ આદેશ પાછો ખેંચાયો નથી, પાછો ઠેલાયો છે.

ચૂંટણીઓ પતવા દો. પછી આદેશ કદાચ ફરી બહાર પડશે. અને એ વખતે તે પાછો ન પણ ખેંચાય! 

આમાં પક્ષા-પક્ષી નથી આવતી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય... સરકાર ચાહે કોઈ પણ હોય અને દેશ પણ ચાહે કોઈ પણ હોય, અત્યારે વૈશ્વિક યુગ જ એવો ચાલી રહ્યો છે કે જગતભરની સરકારો જાણે તેમની પ્રજાઓને જાણે કહી રહી છે કે પૈસા બચાવો નહીં, પૈસા ખર્ચો, પૈસો સિસ્ટમમાં વહેતો રાખો, તેને શેરબજારમાં રોકો... કંઈ પણ કરો, પણ તેને બચાવીને અમારી પાસે તેનું વ્યાજ ન લો. આ નીતિ એટલી હદે પ્રગતિ સાધી ચૂકી છે કે અમુક દેશોમાં તો બચત પર નેગેટિવ વ્યાજ છે (તમારા પૈસા પર સરકાર વ્યાજ આપે નહીં, ઉલટાની વ્યાજ વસૂલે. જર્મની જેવી સદ્ધર ઇકોનોમીના દસ વર્ષના બંડ-બોન્ડનું યીલ્ડ માઈનસ 0.3 ટકા છે).


 

 

 

 

 

ટૂંકમાં, આપણે પૈસા રોકીએ અને સરકાર વ્યાજ ચૂકવે એ આખી વાત જ દુનિયાભરની સરકારોને આજકાલ બહુ પસંદ નથી પડી રહી. એટલે દુનિયાભરમાં બચત પરના વ્યાજ-દરો ઘટી રહ્યા છે. અતિ પ્રલંબ અને ઝડપી વિકાસ, કથળતું પર્યાવરણ, ઉતારી ન શકાય તેટલી ઉધારી, કાલનું કાલે જોયું જશે એવી નીતિ... આ બધી બાબતો આખી દુનિયાને ભારે પડી રહી છે અને આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાની સઘન વિચારણાઓ ચાલી રહી છે.

આવામાં, ભારતમાં પણ સરકાર વ્યાજ-દર ઘટાડે તે આમ જુઓ તો સ્વાભાવિક જ છે, પરંતુ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે કે દેશે-દેશે સ્થિતિ ભિન્ન છે. પશ્ચિમના સદ્ધર દેશોમાં વૃદ્ધો, ગરીબો અને મધ્યમવર્ગીયોને સાવ રેઢાં નથી મૂકી દેવામાં આવતાં. સરકાર તેમને ઠીક-ઠીક હદે મદદ કરવા મથતી રહે છે. એ બધા ‘સુખી’ દેશોમાં આવું શક્ય છે, કારણ કે ત્યાં વસતિ પ્રમાણમાં ઓછી છે અને એ દેશો પ્રમાણમાં અમીર છે.

ભારતની સ્થિતિ જુદી છે. આપણી વસતિ પ્રચંડ છે. સરકાર બધાને ટેકો આપી શકે તેમ નથી (પછી ચાહે તે કોઈ પણ પક્ષની સરકાર હોય). આપણે ત્યાં પ્રજાએ પોતાના બૂઢાપાની ગોઠવણ પોતે જ કરવાની રહે છે. આપણે ત્યાં એક હદ પછી લોકોને એમના હાલ પર છોડી જ દેવા પડે. 

આવામાં, લોકો પોતે પોતાની રીતે પોતાનું ભાવિ સુરક્ષિત કરવા માટે, બૂઢાપામાં ભૂખે ન મરવા માટે પૈસેપૈસો બચાવીને એનએસસી અને પીપીએફ જેવી નાની નાની બચત યોજનાઓમાં કે બેન્કોની ફિક્સ ડિપોઝિટમાં તથા (પરાણે જ ભલે) પીએફમાં જે પૈસા રોકે છે તેના પર મળતું વ્યાજ તેમની જીવાદોરી બની રહે છે.

આ જીવાદોરી પર બહુ મોટો કાપ આવે તો નીચલા મધ્યમ વર્ગનું અને મધ્યમ વર્ગનું આવી બને (સાવ નીચલો વર્ગ તો આટલી બચત સુધી પણ પહોંચી નથી શકતો).

સરકારે બચતના વ્યાજ-દર ઘટાડવા પડે એ મજબૂરી સમજી શકાય, પણ માંડ ચાર-પાંચ-છ ટકાના વ્યાજ મળતાં હોય તેના પર સીધો 1.1 ટકા સુધીનો તોતિંગ કાપ મુકવો એ અન્યાય છે, એ ક્રૂરતા છે. 

આમાં ચૂપ ન બેસી રહેવાય. આમાં બોલવું પડે. પછી સરકાર ચાહે આપણે આપેલા મતવાળી હોય કે આપણે જેને મત ન આપ્યો હોય તેની હોય. આમાં આપણે આપેલો મત વચ્ચે આવતો જ નથી.


 

 

 

 

 

મામલો રસ્સીખેંચનો છે. આપણે ખેંચીશું તો સરકાર થોડી જાગશે, થોડી ઝૂકશે અને 1 ટકા જેવા મોટા ઘટાડાને બદલે કદાચ પા કે અડધા ટકાના ઘટાડા પર અટકશે.

સવાલ બબ્બે કદમ ચાલવાનો છે. દો કદમ હમ ભી ચલે, દો કદમ તુમ ભી ચલો.

આપણે ચાલીશું જ નહીં, આપણે કંઈ બોલીશું જ નહીં તો સરકાર ચૂંટણી પતશે કે તરત વ્યાજ-દરનો હાલમાં ભૂલથી જાહેર થઈ ગયેલો ઘટાડો પછી વટથી, પાછો ખેંચ્યા વિના લાગુ કરી દે તે શક્ય છે.

માટે અત્યારથી જાગવા જેવું છે. કિસાન આંદોલન વિશે એવી દલીલ થઈ શકે કે એમાં કિસાનો માટેના નવા કાયદા કદાચ એમને લાભ કરી શકે. એ મામલે ચર્ચા થઈ શકે તેમ છે. પરંતુ આ મામલે તો ચર્ચાને પણ કોઈ અવકાશ નથી કે નાની બચતના વ્યાજ પર મોટા કાપ ન જ ચલાવી શકાય.

વાત ફક્ત એટલી જ છે કે સરકારનાં અતિ વખાણ કે અતિ ટીકાથી બચીને, એક સાચા નાગરિક તરીકે, પોતાના પક્ષપ્રેમને બે ઘડી પાછળ મૂકીને સાચા દેશપ્રેમી તરીકે આ મામલે સ્ટેન્ડ લેવું પડે.

સરકાર સસ્તા ભાવે ચોખા-ઘઉં પૂરાં પાડે છે, આરોગ્યના ક્ષેત્રે ગરીબોને આર્થિક સહાચ પૂરી પાડવાના પ્રયાસો કરે છે, ગામડાંની મહિલાઓને ચૂલામાંથી છોડાવીને ગેસની સગવડ પૂરી પાડવાના પ્રયત્નો કરે છે... આ બધી વાતે સરકારનો આભાર પણ માની શકાય અને અભિનંદન પણ આપી શકાય.

પરંતુ એ જ રીતે, બુલેટ ટ્રેન જેવી સાવ વાહિયાત યોજના પાછળ એક લાખ કરોડ ખર્ચી નાખવાનો સરકાર નિર્ણય લે ત્યારે તેનો વિરોધ પણ કરી જ શકાય કે આ શું માંડ્યું છે? (એક લાખ કરોડની રકમ ચણા-મમરા ન ગણાય. દેશના ચાલુ વર્ષના બજેટમાં શિક્ષણ મંત્રાલયને બુલેટ ટ્રેનના ખર્ચ કરતાં પણ ઓછી રકમ, 93 હજાર કરોડ, ફાળવાઈ છે). એટલે સરકારને ચોક્કસ એવું કહી શકાય કે બચતના વ્યાજ-દર પર કાપ મૂકતાં પહેલાં તમે નકામા દેખાડા-ભપકાના બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકો. શેરબજારમાં રોકાણ કરવાનું જોખમ ખેડી શકે એવા સદ્ધર લોકોને થતી કેપિટલ ગેઈન્સની આવક પરનો ટેક્સ વધારો. 


 

 

 

 

 

જ્યાં જેટલો કાપ મુકી શકાય તે મુકાવો જ જોઈએ અને જ્યાં જેટલો કાપ ન જ મુકી શકાય ત્યાં ન જ મુકાવો જોઈએ.

કોઈ પણ સરકાર આપણી સેવા-સગવડ માટે ચૂંટાયેલું એક એકમ છે. બાકી દેશ તો આપણે ચલાવીએ છીએ. ઉદ્યોગપતિઓ ઉદ્યોગો વિકસાવે છે, વેપારીઓ વેપાર કરે છે, ખેડૂતો ખેતી કરે છે, અમલદારો વહિવટ સંભાળે છે, જવાનો સરહદની રક્ષા કરે છે. આ બધાં કામ તો દેશવાસીઓ જ કરે છે. મતલબ કે સરવાળે દેશની પ્રગતિ કે અધોગતિમાં મુખ્ય ભૂમિકા તો પ્રજાની જ રહેવાની છે. આવામાં, વિદેશ સાથેના સંબંધો અને લેખના આરંભે નોંધેલા કેટલાક સવાલો જેવા મામલે સરકારની જે ભૂમિકા છે એ ભૂમિકા ભજવવામાં સરકાર જો મનમાની કરે, બેજવાબદારી દાખવે (ઘડીકમાં બચતના વ્યાજદરમાં ઘટાડાનો આદેશ આપે અને પછીના થોડા જ કલાકમાં ઘટાડો પાછો ખેંચવા જેવા લચ્છા મારે) ત્યારે આપણે એટલું તો પૂછી જ શકીએ કે આ શું માંડ્યું છે? ઇવન આરએસએસની પણ જવાબદારી બને છે કે તે પોતાના પરિવારની રાજકીય પાંખને આ મુદ્દે ટપારે, તેનું ધ્યાન દોરે.

જેના શરીર પર ફક્ત લંગોટ બચી હોય તેની લંગોટ પર કોઈ મોટા પાયે કાતર ચલાવવા આવી પહોંચે ત્યારે વિરોધ નોંધાવવો તે નાગરિકધર્મ છે. અને નાગરિક-ધર્મ પ્રત્યેક નાગરિકે નિભાવવો જોઈએ.

આ ધર્મ નિભાવતી વખતે કોઈ પણ રાજકીય પક્ષ પ્રત્યેના અહોભાવ કે દ્વેષથી ખાસ બચવું. 

મારી આ વાત સાથે તમારી અસહમતી હોઈ શકે. અને મારી આ સમજમાં ક્યાંક ભૂલ પણ હોઈ શકે. તમને આમાં ઓવરસાઈટ જણાય અને તમે તેના તરફ શાંતિથી ધ્યાન દોરશો તો જરૂર ધ્યાન આપીશ. 
બાકી, આ વાત સાચી જણાય તો આળસ ન કરશો. આ લખાણને મારા નામ સાથે કે ઇવન નામ વિના કોપી-પેસ્ટ કરીને (શેર કરીને નહીં, કોપી-પેસ્ટ કરીને) વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફેલાવજો.