મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બહું ધમપછાડા કર્યા, કાયદાની આંટીઘૂંટીઓનો સહારો લઈ આરોપીઓએ બચવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ આખરે વર્ષો પછી કેસનો અંત થયો અને તમામ આરોપીઓને ફાંસીના માચડે ચઢાવી દેવાયા છે. ઘણા લાંબા સમયથી આરોપીઓ કાયદા સાથે સંતાકૂકડીની રમત રમતા રહ્યા, નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચારેય દોષિતોની ફાંસીની સજા પર અમલવારી થઈ ગઈ છે. આજે શુક્રવારે સવારે 5 વાગ્યે તે બધાને તિહાડ જેલમાં જ ફાંસી આપી દેવાઈ છે. ફાંસીના એક દિવસ પહેલા વકિલે ફાંસી ટાળવાને લઈને પેંતરાબાજી કરી પરંતુ તે પેંતરો પણ કામે લાગ્યો ન હતો.

પટિયાલા હાઉસ કોર્ટે પણ દોષિતોના ડેથ વોરિંટ પર સ્ટે મુકવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. આખરે નિર્ભયાને સાત વર્ષ ત્રણ મહિના અને ત્રણ દિવસ પછી ન્યાય મળ્યો પરંતુ આ ખરેખર ન્યાય છે કે કેમ તે આજે પણ ચર્ચાનો હિસ્સો છે.

5મી માર્ચે નીચલી અદાલતે મુકેશસિંહ (32), પવન ગુપ્તા (25), વિનય શર્મા (26) અને અક્ષયકુમાર સિંહ (31) ને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ બહાર પાડ્યું હતું. ચારેય દોષીઓને 20 માર્ચે સવારે 5:30 કલાકે ફાંસી આપવામાં આવશે. તમામ દોષિતોએ તેમના તમામ કાયદાકીય અને બંધારણીય વિકલ્પોનો ઉપયોગ કર્યો છે અને તેમના છટકી જવાના લગભગ તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. 

વાપર્યા વિવિધ પેંતરા

એક સમયે તો એવો પેંતરો પણ અપનાવ્યો કે એ દિવસ તો તે દિલ્હીમાં જ ન હતો. દોષિતો પૈકીના મુકેશે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે 16 ડિસેમ્બર 2012ની એ રાત્રે તે દિલ્હીમાં જ ન હતો. આખા દેશને હચમચાવી મુકનારા આ કેસમાં નીચલી અદાલતે દોષિતોને મોતની સજા ફટકારી, હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે પણ તે સજા માન્ય રાખી. રિવ્યૂ અને ક્યૂરેટિવ પિટિશન પણ ખારીજ કરી નાખી તેમ છતાં દોષિતે આવો પેંતરો વાપર્યો હતો. જોકે તે અરજીમાં પણ આખરે તે બાબતને માન્ય રખાઈ નહીં અને આખરે કોર્ટે કહ્યું કે તમામ વિકલ્પોનો ઉપયોગ કરી લીધો છે નવા પુરાવા પર વિચાર નહીં કરાય. પવને પણ પોતાના નાબાલિક હોવાનો પેંતરો વાપર્યો પણ તે પણ ન ચાલ્યો.

શું હતી ઘટના

ભારતની રાજધાની દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ની એ રાત એક દીકરી માટે અત્યંત પીડાદાયી રાત હતી. દિલ્હીની નિર્ભયા આ દિવસે પોતાના મિત્ર સાથે ફિલ્મ જોવ ગઈ હતી ત્યાંથી પરત આવતા રાત્રે મોડું થઈ ગયું હતું. તેઓ બંને ઓટોની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક બસ આવે છે, જોકે પુરુષ મિત્ર તેને આવી બસોમાં ન જવાની સલાહ આપે છે, બસ તેમની પાસે ઊભી રહે છે. તેમાંથી એક પાતળા બાંધાનો યુવક નિર્ભયાને કહે છે દીદી ક્યાં જવું છે, પહેલા કોઈ જવાબ આપતી નથી પરંતુ બીજી બે વાર પુછે છે દીદી કહો ક્યાં જવું છે. ત્યારે દ્વારકા જવું છે. ત્યારે તેઓ કહે છે આવી જાઓ બસમાં. બંને બસમાં બેસે છે અને બસમાં કોઈ ભીડ ન હતી. ચારપાંચ બદમાશો બેઠા હતા. તેઓ એક પછી એક નિર્ભયા પાસે આવે છે અવ્યવહાર કરે છે. અપશબ્દો બોલે છે, યુવક વચ્ચે પડે છે તો તેને મારે છે. આટલા લોકો સામે તે અસમર્થ થઈ જાય છે. 1 કલાક સુધી આ દીકરી તે શખ્સો સામે લડે છે અને બસ દિલ્હીની રસ્તા પર દોડી રહેતી હોય છે. આ બંને ને બાદમાં રસ્તાની પાસે ફેંકી દેવાય છે. કેટલાક લોકો પોલીસને આ અંગે જાણ કરે છે. આ દિવસે 23 વર્ષની એ દીકરી પર ગેંગરેપ, ટોર્ચર, બચકા ભરવા, માર મારીને તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ દુષ્કર્મ તેની પર એક બસમાં કરવામાં આવ્યું હતું જ્યારે તે તેના એક પુરુષ મિત્ર સાથે બસમાં મુસાફરી કરી રહી હતી. આ બસમાં તેણી સીવાય છ અન્યો પણ હતા, જેમાં ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. જે તમામે તેણી પર રેપ કર્યો અને તેના પુરુષમિત્રને ફટકાર્યો હતો.

ઘટનાના અગિયાર દિવસ બાદ તેને સિગાપોરની હોસ્પિટલમાં પણ સારવાર માટે ટ્રાન્સફર કરાઈ હતી પરંતુ ત્યાં પછી તે બે દિવસ બાદ મૃત્યુ પામી હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મુક્યો હતો. લોકોએ ન્યાય માટે રસ્તા પર આવવું પડ્યું, મીડિયાએ સતત તેના ન્યાય માટે પ્રયત્નો ચાલુ રાખ્યા પરંતુ ભારતીય કાયદાના સહારે તેઓ વારંવાર એક પછી એક પેંતરા વાપરતા ગયા અને આરોપીઓની સજાના દિવસો દૂર થતા ગયા, એટલા દુર કે આજે 7 વર્ષ 3 મહિના અને 3 દિવસ થયા ત્યારે તે કેસનો અંત આવ્યો છે. એક આરોપીએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. અહીં આ ઘટનાની કેટલીક તવારીખો આપી છે. 

કેસની કેટલીક તવારીખો

1. ડિસેમ્બરઃ 2012
6 વ્યક્તિએ મળીને નિર્ભયા પર સામુહિક દુષ્કર્મ આચર્યુ.

2. ડિસેમ્બરઃ 2012
પોલીસે તમામ આરોપીને પકડી લીધા, જેમા એક સગીર હતો.

3. ડિસેમ્બરઃ 2012
નિર્ભયાને સારવાર માટે સિંગાપોર લઈ જવાઈ પરંતુ તે બચી ન શકી.

4. જાન્યુઆરીઃ 2013
ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ.

5. ફેબ્રુઆરી 2013
ભારત સરકારે મહિલા અત્યાચારના કાયદા કડક બનાવ્યા.
16 વર્ષથી વધુ વયના સગિરને પણ પુખ્ત ગણીને તેના પર કેસ ચલાવાશે.
કાયદામાં થયેલા સુધારાને રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ મંજૂર કર્યા.

6. માર્ચઃ 2013
પાંચ આરોપી પૈકી રામસિંહે તિહાર જેલમાં આત્મહત્યા કરી.

7. ઓગસ્ટઃ 2013
જુવેનાઈલ જસ્ટીસ બોર્ડે સગીર આરોપીને ગુનેગાર ગણી ત્રણ વર્ષની સજા ફટકારી.

8. સપ્ટેમ્બરઃ 2013
બાકીના ચાર આરોપીઓને ફાંસીની સજા જાહેર થઈ.

9. માર્ચઃ 2014
કેસ દિલ્હી હાઈકોર્ટમાં પહાંચ્યો. દિલ્હી હાઈકોર્ટે પણ ફાંસીની સજા યથાવત રાખી.

10. માર્ચઃ 2014
આરોપીઓને પુરતી તક ન મળી હોવાની દલીલના આધારે સુપ્રીમે ફાંસી પર સ્ટે મુGયો.

11. ડિસેમ્બરઃ 2015
સગીર આરોપીની સજા પુરી થતા એ મુGત થયો.

12. એપ્રિલઃ 2016
દોઢેક વર્ષ પછી સુપ્રીમમાં સુનાવણી આરંભાઈ.

13. મેઃ 2017
સુપ્રીમે ચારેય આરોપીની ફાંસી યથાવત રાખી.

14. જુલાઈએઃ 2018
સુપ્રીમે ફાંસી સામે થયેલી રિવ્યુ પિટિશન ફગાવી દીધી.

15. ઓક્ટોબર 2019
ચારમાંથી એક આરોપીએ દિલ્હી સરકાર મારફતે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી.

16. ડિસેમ્બરઃ 2019
દિલ્હી સરકારે અરજી ના મંજુર કરવા ભલામણ કરી. હવે આ અરજી ગૃહ મંત્રાલય પાસે છે. જ્યાંથી છેવટે રાષ્ટ્રપતિ પાસે પહોંચી હતી.

19 માર્ચઃ 2020
આખરે તમામ પેંતરા ફેંલ ગયા અને આરોપીઓને ફાંસી આપવાનો માર્ગ સાફ થયો.

20 માર્ચઃ 2020
તમામ આરોપીઓને ફાંસી.