મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કનું 14600 કરોડનું ફૂલેકું ફેરવીને લંડનમાં છ્લ્લા 13 મહિનાથી બિન્દાસ્ત ફરતા નીરવ મોદીની ધરપકડ કરી લેવામાં આવી છે. બુધવારે તેને લંડન પોલીસે પકડી પાડ્યો હતો. આ પહેલા સોમવારે બ્રિટનની વેસ્ટ મિનસ્ટર કોર્ટે નીરવ મોદી સામે વોરંટ ઈશ્યૂ કર્યું હતું. હવે પોલીસ તેની ધરપકડ બાદ તેને વેસ્ટ મિનસ્ટર કોર્ટમાં રજુ કરશે.

આ પહેલા સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સી લંડનમાં જે કંઈ બની રહ્યું હતું તેના પર નજર રાખી રહી હતી. એટલું જ નહીં નિરવ મોદીના પ્રત્યાર્પણ માટે તમામ કાયદાકીય મદદ પૂરી પાડવામાં આવી રહી હતી. આ માટે સીબીઆઈ અને ઈડી બંને મહેનત કરી રહી છે.

આ પહેલા ઈડીએ કહ્યું હતું કે લંડનની કોર્ટે ભાગેડુ જ્વેલર નીરવ મોદી સામે ધરપકડ વોરંટ બહાર પાડ્યું છે. નીરવ મોદી પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 14,600 કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી છે. તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હોવા છતા તે લંડનના રસ્તાઓ પર બિન્દાસ્ત ફરતો જોવા મળ્યો હતો. ત્યારપછી બ્રિટનની વેસ્ટ મિનસ્ટર કોર્ટે આ કેસને ગંભીરતાથી લીધો હતો. જોકે ધરપકડ પછી નીરવ મોદી પાસે જામીનનો વિકલ્પ છે. કોર્ટથી નીરવ મોદીને સશર્ત જામીન મળી શકે છે.

ભારત સરકાર બ્રિટન સમક્ષ પ્રત્યાર્પણનો પ્રસ્તાવ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ભારતથી સીબીઆઈ અને ઈડીની એક ટીમ લંડન માટે રવાના થશે. આ દરમિયાન નીરવ મોદી કેસ મામલે CBI અને EDની ટીમ સતત યુકે ઓથોરિટી અને લંડનમાં હાજર ભારતીય હાઈ કમિશનના સંપર્કમાં રહેશે.

પ્રત્યાર્પણ વિશે થોડા દિવસ પહેલાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હચું કે, અમે આ કેસમાં કાર્યવાહી કરી રહ્યાં છીએ. લંડનમાં તે દેખાયો તેનો અર્થ એવો નથી થતો કે તેને તુરંત જઈને ભારત લઈ આવીએ. તેના માટે એક પ્રોસેસ હોય છે જે અમે કરી રહ્યા છીએ. હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ બેન્કની મુંબઈ શાખામાંથી ખોટી રીતે ગેરન્ટી પત્ર મેળવી વિદેશોમાં અન્ય ભારતીય બેન્કો પાસેથી લોન લીધી હતી. બંને આરોપી દેશ છોડીને બીજા દેશમાં રહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફૂલેકુ ફેરવીને ભાગી જનારાઓના લીસ્ટમાં વીજય માલ્યા પણ છે.