મેરન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ખૂબ લડી મર્દીની વોતો ઝાંસી વાલી રાની થી.... આ ભલે ઝાંસીની રાણી માટે આઝાદીના સમયે લખાયું હોય પણ આધુનિક ભારતની મહિલાઓ આજે પણ ઝાંસીની રાણીથી જરા પણ કમ નથી. જેનું હાલનું ઉદાહરણ છે નિકિતા ઢોંડિયાલ. 

નિકિતાના પતિ કાશ્મીરનાં પુલવામામાં 8 ફેબ્રુઆરી 2019માં આતંકીઓનો સામનો કરતા શહીદ થયા હતા. તે વખતે તેમની ઉંમર 34 વર્ષ હતી અને તેમના લગ્નને 9 મહિના જ થયા હતા. તેઓ દેહરાદૂનના રહેવાસી હતા. પતિ શહીદ થયા પછી નિકિતાએ ઇલાહાબાદમાં વુમન એન્ટ્રી સ્કીમની પરીક્ષા પાસ કરીને ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાંથી ટ્રેનિંગ લીધી. હાલ નિકિતાની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે અને તે લેફ્ટનન્ટ તરીકે દેશની સેવા કરવા તૈયાર છે. લેફ્ટનન્ટ કર્નલ વિકાસ નૌટિયાલના જણાવ્યા પ્રમાણે, નિકિતા 29 મેના રોજ પાસઆઉટ થઈ જશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે નિકિતાએ પતિની શહીદી પર કહ્યું હતું કે, મને ઘણો ગર્વ છે. અમે બધા વિભૂતિને તમને પ્રેમ કરીએ છીએ. તમે જે રીતે બધાને પ્રેમ કરતા હતા તેવો કોઈ ના કરી શકે. તમે બીજાનું રક્ષણ કરવા પોતાની લાઈફનો ત્યાગ કર્યો. તમે બહાદુર છો. તમારી પત્ની કહેતા મને ઘણો ગર્વ થાય છે. હું મારા છેલ્લા શ્વાસ સુધી તમને પ્રેમ કરતી રહીશ. તમારી વિદાયથી દુઃખ ચોક્ક્સ થાય છે, પણ મને ખબર છે તમે હંમેશાં અમારી આજુબાજુ જ રહેશો. હું બધાને વિનંતી કરું છું કે, ખોટી હમદર્દી ના દેખાડો. અહીં ઉભેલા દરેક લોકોમાં વિભૂતિ સૌથી સ્ટ્રોંગ છે. આપણે તેમને સલામી આપીને વિદાય આપીએ. જય હિંદ.