મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : હાલ શહેરમાં રાત્રી કરફ્યુ ચાલી રહ્યો છે. ત્યારે આ દરમિયાન પોલીસનો એક સંવેદનશીલ ચહેરો સામે આવ્યો છે. જેમાં પોલીસ દ્વારા એક પરિવારની ક્યારેય ન ભૂલી શકાય તેવી મદદ કરવામાં આવી હતી. નાના બાળકો સાથેનો આ પરિવાર રાત્રે બહારગામથી પરત આવ્યો હતો. પરંતુ કરફ્યુને કારણે જ વાહન ન મળતા પગપાળા ઘરે જવા મજબૂર બન્યો હતો. આ સમયે પોલીસે માનવતા લક્ષી અભિગમ અપનાવીને પીસીઆર વાન દ્વારા પરિવારને છેક તેમના ઘર સુધી સલામત રીતે પહોંચાડ્યો હતો. આ અંગેની જાણ થતાં ખુદ કમિશ્નરે આ સરાહનીય કામગીરી કરનાર ટીમને પ્રશંસાપત્ર એનાયત કર્યું છે. 

રવિવારની રાત્રે શહેરનાં માધાપર ચોકડી પાસે પોલીસ બંદોબસ્ત છતાં નાના બાળકો સાથેનો એક પરિવાર ચાલીને આવતા જોવા મળ્યો હતો. જેને પગલે ફરજ પરનાં પોલીસકર્મીઓએ પૂછપરછ કરતા આ પરિવાર જામનગરથી આવ્યાનું અને રૈયારોડ બાપાસીતારામ ચોક પાસે પોતાના ઘરે જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે ફરજ પરનાં સ્ટાફે તરત જ માનવતા વાદી અભિગમ અપનાવી પીસીઆર વાનમાં પરિવારને તેના ઘર સુધી પહોંચાડ્યો હતો.