ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : વિશ્વની બીજા નંબરની સૌથી મોટી નિકલ ખાણ કંપની રશિયાની સાયબેરિયા સ્થિત નોરીલસક નિકલએ તેની ખાણમાં ૪૦ ટકા ઉત્પાદન ફરી શરૂ કર્યાની જાહેરાત ૪ જૂન કરી હતી. આ વર્ષે લગભગ ૧૦ હજાર ટન કાર્બન નેચરલ નિકલનું ઉત્પાદન થશે, એવો અંદાજ છે. અલબત્ત, નોરીલસક નિકલ આ વર્ષે બે લાખ ટન ઉત્પાદનનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો, જે મુશ્કેલ બની ગયો છે. આ સમાચાર આવતા જ શુક્રવારે એલએમઈ ત્રિમાસિક નિકલ વાયદો વધીને ૧૮,૦૦૦ ડોલરની સપાટી કુંડાવી આખરે ૧૭૯૯૫ ડોલર બંધ રહ્યો હતો.

ટાઇમિરસ્ક ખાણમાં ભરાયેલા પાણીને પમ્પિંગ દ્વારા બહાર કાઢવામાં આવ્યું હતું. ઉત્પાદનની નવી ડીજાઈન મુજબ જૂન અંત સુધીમાં દૈનિક ઉત્પાદન ૧૨,૧૦૦ ટન થઈ જવાની શક્યતા છે. જે દિવસે નોરીલસકનું ઉત્પાદન શરૂ થઈ એ જ દિવસે વિશ્વની સૌથી મોટી નિકલ ઉત્પાદક, બ્રાજીલની વલે કંપની તેની સૌથી મોટી ખાણમાની એકમાં ઉત્પાદન અટકી પડ્યાની જાહેરાત કરી. સાથે કેનેડા સ્થિત સુદબરી ખાણમાં હડતાલ પાડવાની છે એ નક્કી, એવી જાહેરાત થઈ દીધી.

Advertisement


 

 

 

 

 

ગત મહિનાના આખરમાં અન્ય બેઝ મેટલના ભાવ વધવા લાગ્યા તે સાથે જ નિકલમાં પણ કરંટ આવી ગયો હતો. પણ ત્યાર પછી એલએમઈ એક્સચેન્જમાં માલ ભરાવો થયાનું અને સ્ટોક સરપલ્સ રહેવાનું ટ્રેડરોને યાદ આવી ગયું. આમ બજારના આંતરપ્રવાહમાં વારેવારે બદલાવ આવી રહ્યા છે, એ જોતાં ભાવ ફેબ્રુઆરીની ઊંચાઈને સ્પર્શવાના ગમ્મેત્યારે પ્રયાસ આદરશે. સ્ટેનલેસ-સ્ટીલ બજારના તમામ પરિવર્તનોમાં ઈન્ડોનેશિયા અને ચીનના હાથમાં નિયંત્રણ છે, એ ભૂલવું ના જોઈએ. આ બન્ને દેશોએ મળીને સ્ટેનલેસ-સ્ટીલ ઉત્પાદનનો જાગતિક હિસ્સો, ૨૦૧૫માં બાવન ટકા હતો તે ગતવર્ષે ૬૪ ટકાએ પહોંચાડ્યો છે.

સ્ટેનલેસ-સ્ટીલ ઉત્પાદનમાં રિફાઈન્ડ નિકલ વપરાશની નિર્ભરતા સતત વધી રહી હોવાથી જાગતિક સ્ટીલ ઉત્પાદનમાં સ્ક્રેપ મેટલ વપરાશનો રેશિયો પાંચ વર્ષ અગાઉ ૪૨ ટકા હતો તે ૨૦૨૦મા ઘટીને ૩૭ ટકા થયો હતો. ઈન્ડોનેશિયા હવે વિશ્વના નિકલ કેપિટલ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા અગ્રેસર થઈ ગયું છે. આગામી એક દાયકામાં ઈન્ડોનેશિયા અગત્યના સ્ટેનલેસ-સ્ટીલ અને ઇવી કાર-બેટરીમાં મેટલના કાચામાલનો હિસ્સો ૬૦ ટકાની ઊંચાઈએ લઈ જવાનો ઇરાદો ધરાવે છે.

મેક્યુરી બેંક કહે છે કે નિકલની નવી ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવાની વૃત્તિ સ્થગિત અવસ્થામાં આવી ગઈ છે. તાજા અભ્યાસ અહેવાલો કહે છે કે ગતવર્ષના ૬ લાખ ટન નિકલ ઉત્પાદન સામે નિકલ ઉત્પાદનની સ્થાપિત વાર્ષિક ક્ષમતા આ વર્ષે ૧૭.૮૮ લાખ ટને પહોંચી ગઈ છે.

Advertisement


 

 

 

 

 

ઇન્ટરનેશનલ નિકલ સ્ટડી ગ્રુપ કહે છે કે આ વર્ષે માંગમાં ધરખમ વધારો થવા છતાં, નિકલબજાર સારી એવી પુરાંતમાં રહેશે. સમાચાર એજન્સી રોઇટરનો તાજો અનુમાનિત સર્વે સૂચવે છે કે આ વર્ષે નિકલ પુરાંત ૩૧,૦૦૦ ટન અને ત્યાર બાદ આગામી વર્ષે ૬૬,૫૦૦ ટન રહેશે. ગતવર્ષે રિફાઈન્ડ નિકલ ઉત્પાદન પાંચ ટકા અને આ વર્ષે ૯ ટકા વધશે.

અમેરિકામાં નિકલ લમ્પ (ગઠ્ઠા)નું પ્રીમિયમ ૧ જૂન સુધીના સપ્તાહમાં વધીને ૯ ટકા થયું હતું, ત્યાર પછી પણ વધી રહ્યું છે. જ્યારે નિકલ કટ કેથોડનું પ્રીમિયમ પણ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ૧ સેંટ થયું છે. ૨૦૨૦ પછીની કોરોના મહામારી હળવી થયા બાદ હવે એરોસ્પેસ (વિમાન) સેક્ટર પણ ઉત્પાદન ક્ષેત્ર જીવંત થવા લાગ્યું છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)