ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : વૈશ્વિક વાહન ઉત્પાદનોમાં ઇલેકટ્રીફીકેશનની ઝડપ જેમ જેમ વધતી આવશે તેમ તેમ ઑટોમોટિવ બેટરીના મુખ્ય કાચા માલ નિકલની માંગ પણ એટલજ વેગથી વધવાની છે. ચીનમાં અર્થતંત્રને ધબકતું રાખવા, લેવાઈ રહેલા પગલાં અને નિકાલની તીવ્ર અછત કહે છે કે એલએમઇ નિકલ વાયદો ૭ વર્ષની ઊંચાઈ નજીક ફરીથી પહોંચી જશે. બીજી તરફ ધાતુના ભાવ જે રીતે વધી રહ્યા છે, તેનાથી ફુગાવા વૃધ્ધિનો દર પણ વધ્યો છે.

રોજિંદા ધોરણે ઘટી રહેલા સ્ટોકે બજારમાં જાણે નવી ગેમ શરૂ કરી હોય તેમ, બેન્ચમાર્ક નિકલ એલએમઇ વાયદો આ વર્ષે અત્યાર સુધીમાં ૨૫ ટકા વધીને શુક્રવારે એક તબક્કે ૨૦૭૩૭.૫ ડોલર બોલાઈ ૧૯૯૬૭.૫ ડોલર મૂકયો હતો, જે ગત મહિને નોંધાયેલી ૭ વર્ષની ઊંચાઈ ૨૧૪૨૫ ડોલરથી સહેજ નીચો હતો. એલએમઇ રજિસ્ટર્ડ ગોદામોમાં ઓન-વોરંટ નિકલ સ્ટોક ઘટીને ૬૨,૩૦૪ ટન રહી ગયો છે, જે એપ્રિલમાં બે લાખ ટન કરતાં વધુ હતો.

Advertisement


 

 

 

 

 

આ તબક્કે આપણે હાજર વાયદા અને ત્રિમાસિક વાયદા વચ્ચેના ભાવ તફાવતનો પણ વિચાર કરવો જોઈએ, જે અત્યારે ઉંધા બદલે (વાયદા સામે હાજર ખરીદીનું પ્રીમિયમ) બોલાય છે, તેમાં મોટો વધારો સંભવિત છે. પુરવઠા અછતને લીધે આવા ઉંધા બદલા ટન દીઠ ૧૯૪ ડોલરની ઊંચાઈએ પહોંચી ગયા છે, જે ૨૦૧૯ પછીના સૌથી વધુ છે. સપ્લાય અછતનું મૂળ કારણ છે દુનિયાની સૌથી મોટી ઉત્પાદક કંપની બ્રાઝિલની વલે એસએ એ, તેની કેનેડીયન ખાણમાં પડેલી કામદાર હડતાળને લીધે ઉત્પાદન અંદાજો ઘટાડાયા છે. રશિયન નોરીલસક નિકલ પીજેએસઇ જે જગતની સૌથી મોટી રિફાઈન્ડ નિકલ ઉત્પાદક કંપની છે, ત્યાં ત્રીજા ત્રિમાસિકમાં ઉત્પાદન ઘટયાના અહેવાલ આવ્યા હતા.

બીજા નંબરના મોટા ઉત્પાદક દેશ ફિલિપાઇન્સમાં ભારે વરસાદ અને માલ વાહન કરવા માટેના જહાજની ઓછી ઉપલબ્ધિને કારણે વાર્ષિક સરેરાશ કરતાં આ વર્ષે નિકલ ઉત્પાદન ૧૦ ટકા ઓછું આવશે. ઈન્ડોનેશિયા વિશ્વની સૌથી મોટી નિકલ રિઝર્વ ધરાવે છે, ત્યાં આખા જગતનું ૨૦ ટકા એટલે કે ૨૧૦ લાખ ટન નિકલ પ્રોસેસ થાય છે. ઇન્ડોનેશિયાને મોટા ઉત્પાદક તરીકે જોવામાં આવી રહ્યું છે, ત્યારે ત્યાંથી જગતની કૂલ માંગના ૩૦ ટકા ઉત્પાદન થવું જોઈએ જે નથી થતું.

ગત સપ્તાહે ચાઈના શિફિ અને લંડન એલએમઇ વચ્ચે નિકલ પ્રાઇસ રેશિયો (વચ્ચનો ભાવ ફરક) ગત સપ્તાહે ઘટયા પછી ફરી વધવા લાગ્યો છે. ગત સપ્તાહના આરંભે ચીનમાં ફરતા માલની વધેલી અછત અને ચીનની બજારમાં હાજર માલના ઊંચા પ્રીમિયમ જોતાં પણ શિફિ/એલએમઇ પ્રાઇસ રેશિયો વધુ વધી શકે છે. પણ જો નિકલ લંપ (ગઠ્ઠા)નું એકદા શિપમેન્ટ ચીનમાં લાંગરશે તો આ રેશિયો પુન: મૂળ સપાટીએ આવી શકે છે. અલબત્ત, વર્તમાન ભાવ રેશિયો હજુ પણ મોટાપાયે ચીનમાં નિકલના શિપમેન્ટ ઉતરી પડે એટલા લેવલ પર ઊંચે નથી ગયા.

Advertisement


 

 

 

 

 

એનાલીસ્ટોનું માનવું છે કે આ વર્ષે ચીનમાં ન્યુ એનર્જી વહીકલ (ભારે અને હળવા વાહનો)નું વાર્ષિક વેચાણ, વર્ષાનું વર્ષ ૧૪૦ ટકા વધીને ૩૩ લાખ વાહનો થવાની શક્યતા છે. પરિણામે જાન્યુઆરીથી ઓક્ટોબરના સમયગાળામાં ઇવી બેટરીનું ઈન્સ્ટોલેશન ૧૬૮ ટકા વધીને ૫૪.૧ ગીગા વૉટની ઊંચાઈએ પહોંચી ગયું હતું. આ તરફ એનસીએમ (લિથિયમ નિકલ મેંગેનીઝ કોબાલ્ટ ઓકસાઈડ) ઇવી બેટરીનું ઇન્સ્ટોલેશન ૫૦ ટકા વધીને ૫૪.૧ ગીગા વોટ થયું હતું.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)