ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ. મુંબઈ): રશિયાની ઑક્ટયાબ્રસકી કોપર નિકલ ખાણ પૂર્ણ ક્ષમતાએ ઉત્પાદન કરતી થઈ જતાં આ વર્ષે નિકલ પુરવઠાનો ખડકલો થશે. આ અંડરગ્રાઉન્ડ ખાણમાં પૂર આવ્યા પછી દૈનિક ૧૪,૧૦૦ ટન કાચી ધાતુનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું. ઇન્ટરનેશનલ સ્ટડી ગ્રુપ પણ કહે છે કે આ વર્ષે માંગમાં સારો એવો વધારો થનાર હોવા છતાં, બજારમાં ભરપૂર પુરવઠો ઉપલબ્ધ રહેશે. 

શક્યતા એવી છે કે આ વર્ષે ૩૧,૦૦૦ ટન નિકલ પુરાંત રહેશે, જે આગામી વર્ષે વધીને ૬૬,૫૦૦ ટન થશે. અલબત્ત, સોમવારે એલએમઈ ત્રિમાસિક નિકલ વાયદો વધીને ૧૭૭૯૦ ડોલર મુકાયો હતો. એલએમઈ એક્સચેન્જમાં પડેલો મોટો સ્ટોક પણ બજારને જુદા સંકેત આપે છે. ગતવર્ષે રિફાઈન્ડ નિકલ ઉત્પાદનમાં પાંચ ટકા અને આ વર્ષે ૯ ટકા વૃધ્ધિની આગાહી કરવામાં આવી છે. જો કે સૌથી મોટા કાચી નિકલ સપ્લાયર દેશ ઇન્ડોનેશિયામાં ઉત્પાદન કેટલું આવશે, તેની અનિશ્ચિતતા પ્રવર્તે છે.

ફેબ્રુઆરીમાં મ્યાંમાર ખાતે મિલીટરીએ બળવો કર્યા પછી મશીનરી અને તૈયાર માલસામાનની હેરફેર અટકી પડતાં નિકલ ખાણમાં કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે. વાર્ષિક ૮૫,૦૦૦ ટનની નિકલ પિગ આયર્નની ઉત્પાદન ક્ષમતાવાળા ૮,૨૦૦ લાખ ડોલરના આ પ્રોજેક્ટ માટે ચીન સાથે મ્યાંમાર અને કામદારો વચ્ચેના સહયોગ કરાર થયા છે.

ચીનમાં ફેકટ્રી ગેટ ફુગાવો સાડાત્રણ વર્ષની ઊંચાઈએ પહોંચી જતાં દેશમાં સ્ટેગફલેશનની સ્થિતિ નિર્માણ થવાની ચેતવણી એક અર્થશાસ્ત્રીએ ઉચ્ચારી છે. સ્ટેગફલેશન અર્થાત, અર્થતંત્રમાં આ એક એવી ટ્રેખડ સ્થિતિ છે, જ્યારે ફુગાવાની સતત વૃધ્ધિ વચ્ચે એક તરફ બેરોજગારી વધે અને બીજી તરફ દેશમાં માંગ સ્થગિત થઈ જાય. ૧૯૭૦ ના દાયકામાં અમેરિકામાં એક તરફ વિકાસ ધીમો પડી ગયો હતો અને ભાવ નવી ઊંચાઈ સર કરતાં હતા. ભારત પણ અત્યારે સ્ટેગફલેશનની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. 


 

 

 

 

 

એપ્રિલમાં અમેરિકન ફુગાવો ૧૨ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો, રોકાણકારોની ચિંતામાં વધારો થતાં અમેરિકન ફેડરલ રિજર્વને ટૂંકમાં જ વ્યાજદરો વધારવાની નોબત આવી છે. માર્ચમાં ચીનના ટીંગશાન ગ્રુપે ઇલેક્ટિક કાર વ્હીકલના બજાર અંડરટોનને ધ્યાનમાં લીધા વગર જ, નિકલમાંથી બેટરી ગ્રેડ કાચો માલ બનાવવાનો ઇરાદો જાહેર કર્યા પછીથી નિકલબજારે ફરીથી તેજીની વાટ પકડી લીધી હતી. આને લીધે લિથિયમ આયોન આધારિત કાર બેટરી અને સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદનમાં નિકલની અછત વાર્તાશે.

ઇવીની માંગ કેટલી નીકળશે તેના હજુ ઠેકાણા નથી, ત્યારે જગતની ત્રીજા નંબરની ઈકોનોમી જપાન જે એક દાયકાથી ડિફલેશનરી (ફુગાવાથી ઊંધી સ્થિતિ) માઇન્ડસેટથી અર્થતંત્રમાં સંઘર્ષ કરી રહ્યો છે તેની મુશ્કેલી નિકલના વધતાં ભાવે વધારી મૂકી છે. ઔધ્યોગિક સૂત્રો કહે છે કે ચાઈના નૉનફેરસ મેટલ માઇનિંગ ગ્રુપ્સની માલિકીની મહત્તમ ટેગુંગ-તુંગ સ્થિત નિકલ ખાણોને વાર્ષિક મેન્ટેનન્સ પર મૂકી દેવામાં આવી છે, પરિણામે અહી ખાણકામ બંધ પડી ગયું છે.


 

 

 

 

 

ચીનમાં એપ્રિલમાં રોકડ પ્રવાહિતા વૃધ્ધિ ૨૧ મહિનાના તળિયે જતાં, ચીનની બેંકમાં લોનના આવનારા હપ્તા ધારણા કરતાં વધુ ઓછા આવ્યા છે. ચીનની સેન્ટ્રલ બેંકે પણ કોરોના મહામારીનના રાહત પેકેજો તબક્કાવાર ઓછા કરી નાખ્યા છે. ગત સપ્તાહે વિશ્વના સૌથી મોટા મેટલ વપરાશકાર ચીનની સ્ટેટ કાઉન્સિલે કહ્યું હતું કે અમે જાગતિક અને સ્થાનિકબજારમાં આવી રહેલા પરિવર્તનો પર ધ્યાન રાખીને બેઠા છીએ, વેગથી વધી રહેલા કોમોડિટી ભાવ સાથે કેમ મેળ બેસાડવો તેની પણ અસરકારક વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ, પણ તે કેવી રીતે થશે તે કહ્યું ન હતું.  
                   
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.