ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ ): સ્ટેનલેસ સ્ટીલ મિલો અને ઇલેક્ટ્રિક બેટરી ઉત્પાદકોની તંદુરસ્ત માંગની હૂંફે આગામી મહિનાઓમાં નિકાલની ડિમાન્ડ વધે તેવી સંભાવના ભલે હોય, પણ ઇન્ડોનેશિયામાં વધી રહેલી સપ્લાય આગામી વર્ષે ભાવને દબાણમાં રાખશે. નિકલે ૨૪ ફેબ્રુઆરી ૨૦,૧૯૭ ડોલરની નવી ઊંચાઈ સર કર્યા પછી, ૩૦ માર્ચે ભાવ ઘટીને ૧૫,૮૯૭ ડોલર થયા હતા. બુધવારે એલએમઈ નિકલ ભાવ માર્ચના ઘટયા ભાવથી ૨૦ ટકા કરતાં વધુ વધીને ૧૯,૨૫૭ ડોલર બોલાયો હતો. શાંઘાઇ કોમોડિટી એક્સ્ચેન્જ પર ત્રિમાસિક વાયદો વધીને ૧૪૨,૪૨૦ યુઆન મુકાયો હતો.

સિટી ગ્રૂપના એનાલિસ્ટ કહે છે કે એક તરફ એક્સ્ચેન્જ સ્ટોક ઘટશે, બીજી તરફ ફિઝિકલ પુરવઠો પણ ઘટશે. એ જોતાં આગામી ત્રણ મહિનામાં ભાવ ૨૦,૫૦૦ ડોલરની ઊંચાઈ સર કરી લેશે. બજારમાં અત્યારે બધુ ડોલર આસપાસ ફરી રહ્યું છે, શુક્રવારે અમેરિકન જેક્શન હૉલ બેન્કરોની મિટિંગમાં ફેડ પ્રમુખનું નિવેદન, બજાર માટે મહત્વનું બની રહેશે. અમેરિકા અને ચીનના ઈકોનોમિક ડેટા કેટલાંક સપ્તાહથી હકારાત્મક આવી રહ્યા છે, કોરોના મહામારી પણ હળવી થઈ છે.

પાછલા સપ્તાહમાં નિકલના ભાવ ૭ ટકા તૂટયા હતા, પણ હવે સારી એવી લેવાલી જણાય છે. રિફાઈન્ડ અને કાચી નિકાલની પણ અછત જોવાઈ રહી છે, ત્યારે મેક્યુરી એનાલિસ્ટે કહ્યું કે આ વર્ષે અમારી અપેક્ષા મુજબ માંગમાં ૧૫ ટકા વૃધ્ધિ થશે આ અહેવાલે પણ ભાવને ટેકો આપ્યો છે. 

Advertisement


 

 

 

 

 

તેમનું કહેવું છે કે થોડા મહિના અગાઉ આ વર્ષના બીજા અર્ધવાર્ષિકમાં પુરાંત સ્ટોકની સંભાવના હતી, પણ હવે અછત વાર્તાવા લાગી છે. પરંપરાગત રીતે નિકલ ખાણ ઉધ્યોગ અત્યાર સુધી સ્ટીલ ઉધ્યોગને ધ્યાનમાં લેતો હતો પણ હવે કાર બેટરીની વેગથી વધી રહેલી માંગ કેન્દ્ર સ્થાને આવી ગઈ છે. 

ગતવર્ષે એલન મસ્કે નિકલ ઉત્પાદકોને વધુ નિકલ ઉત્પાદિત કરવાની અપીલ કરી હતી, લિથિયમ આયોન બેટરીમાં ધરખમ પ્રમાણમાં નિકલ જરૂરી બનશે. 

કોબાલ્ટની કિમત વધુ છે અને તેની સપ્લાય ચેઈન પારદર્શક નથી. ત્યારે બેટરીમાં વધુ ઊર્જા નિકલ સંગ્રહિત કરી શકે છે. આ તરફ વૂડ મેકેનજીના એનાલિસ્ટ કહે છે કે ૨૦૩૦ સુધીમાં આમારી માન્યતા મુજબ ઇવી વાહનોની માંગમાં ૬૫ ટકાનો વધારો થશે. આથી વોલ સ્ટ્રીટ બ્રોકરેજ સહિતની મહત્તમ બેંકો હવે કહી રહી છે કે દરેક ઘટાડે નિકલ ખરીદવી જોઈએ, અન્ય મેટલ્સ પણ તેનું અનુસરણ કરશે.

મેક્યુરી એનાલિસ્ટ તો ત્યાં સુધી કહે છે કે આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ વપરાશ વૃધ્ધિ જો કોઈ મેટલની થઈ હોય તો તે નિકલ છે. મેક્યુરીનું અનુમાન છે કે આ વર્ષે નિકલ માંગ ગતવર્ષ કરતાં ૧૬ ટકા વધીને ૨૮ લાખ ટન રહેશે. પરિણામે પુરવઠા ખાધ ૮૩,૦૦૦ ટન નિર્માણ થશે. માર્ચમાં તેમણે માંગ વૃદ્ધિનો અંદાજ ૧૦.૬ ટકા મૂક્યો હતો.

૮થી ૯ ટકા નિકલ મિશ્રિત ૩૦૦ સિરીઝના સ્ટેનલેસ સ્ટીલનું ઉત્પાદન, ગતવર્ષના સમાનગાળાની તુલનાએ ૨૦૨૧ના પ્રથમ છમાસિકમાં ૩૬ ટકા વધ્યું હતું. પણ ઇન્ડોનેશિયામાં સતત વધી રહેલા ઉત્પાદન અને નિકાલની માંગ ધીમી પડી હોવાથી બંનેની સંયુક્ત આસરે ૨૦૨૨-૨૩માં બજાર ઓવર સપ્લાય વધવાની શક્યતા છે.  

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)