મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સામાન્ય માણસ અને વેપારીઓ ભલે મંદીની બુમો પાડતા હોય પણ હાલમાં બજારમાં ખાસ કરી મીઠાઈ બજારમાં ફરી રહેલા કેટલાક એનજીઓ વાળા અને કહેવાતા પત્રકારોની દિવાળી પુરબહારમાં છે, આ એનજીઓ વાળા અને કહેવાતા પત્રકાર મીઠાઈના કારખાનામાં જઈ સફાઈ નથી, ગંદકી છે વગેરે કારણો જણાવી તેના ફોટોગ્રાફ કરી વેપારીઓ પાસેથી 5 હજારથી લઈ 1 લાખ રૂપિયા સુધીના માગણી કરે છે, આ ઠગ ટોળકીને તાબે નહીં થનાર વેપારીઓના વીડિયો બનાવી યુ ટયુબ ઉપર મુકી તેમની બદનામી શરૂ કરે છે, દિવાળીના સમયમાં બદનામ થવાના ડરે વેપારીઓ આખરે થાકી આ આવી ટોળકીને તાબે થાય છે. આ મામલાની અનેક ફરિયાદો હવે પોલીસ મથકે પણ પણ પહોંચી છે.

આ એનજીઓ અને કહેવાતા પત્રકારોની ટોળકીનો આતંક માત્ર વેપારીઓ પુરતો સિમીત નથી પણ મ્યુનિનિસપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના અધિકારીઓ પણ આ ટોળીકાના ખૌફમાં હોય છે. આ એનજીઓવાળા પોતાના લેટરહેડ ઉપર વિવિધ મીઠાઈના દુકાનમાં ગરબડ છે તે મતલબની અરજીઓ સંબંધીત વિભાગમાં કરે છે. હદ તો ત્યારે થાય છે જ્યારે આ લેટરહેડની ભાષા આદેશાત્મક હોય છે. જેમાં અરજીના અંતમાં લખ્યું હોય છે કે આપના દ્વારા થયેલી કાર્યવાહીની અમને જાણ કરવામાં આવે, આશ્ચર્ય તે બાબતનું છે કે આ પ્રકારની અરજીઓ પછી વિવિધ દુકાન અને એકમો ઉપર દરોડા પણ પડે છે અને અધિકારીઓ અરજી કરનારને લેખિતમાં કયાં પ્રકારની કાર્યવાહી થઈ તેનો લેખિત જવાબ પણ મોકલી આપે છે.

જેના કારણે આ એનજીઓવાળા અને કહેવાતા પત્રકારોને શેર લોહી ચઢે છે. સંબંધીત વિભાગનો લેખિત જવાબ લઈ ફરી તેઓ જ્યાં દરોડા પડયા હોય ત્યાં પહોંચી પોતાની પહોંચ કેટલી છે અને ભવીષ્યમાં આ પ્રકારની સમસ્યાથી બચવું હોય તો અમારૂ સમજવું પડશે તેવી સાંકેતીક વાત કરે છે. આખરે વેપારીઓ લડવાને બદલે ધંધો કરવાનું પસંદ કરે છે અને ટોળકીની માગણીને વશ થાય છે. કહેવાતી પત્રકાર ટોળકી ખાસ વિસ્તાર અને વેપારીઓને ટાર્ગેટ કરવા માટે બસો-ત્રણસો નકલ છાપી ચોક્કસ વિસ્તારમાં તેમના કહેવાતા અખબારનું મફત વિતરણ કરે છે. કારણ આવું કરવાથી તે વિસ્તારના અધિકારી અને વેપારીઓમાં ફફડાટ ઊભો થાય છે. આમ દિવાળીની મંદી ભલે લોકોને નડતી હોય પણ આ ઠગ ટોળી દુષ્કાળમાં પણ જયાફત ઉડાવે છે અને આ કારણે અન્ય જે પ્રામાણિક પણે પોતાના કામને વળગી રહે છે તેમને પણ એક જ લાઈનમાં ઊભા રાખી જોવાતા હોય છે.